કેદારનાથના પગપાળા માર્ગ પર ભૂસ્ખલન: ૩ શ્રદ્ધાળુઓનાં મોત


રૂદ્રપ્રયાગ:આજે સવારે કેદારનાથ પગપાળા માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં ત્રણ શ્રદ્ધાળુઓના દબાઈ જવાથી મોત થયા છે. લગભગ પાંચને ઈજા થઈ છે. અહીં બચાવકાર્ય માટે એસડીઆરએફની ટીમ દોડી આવી હતી.રવિવારે અહીં પહાડો પર ભૂસ્ખલન થતાં કાટમાળ અને મોટા મોટા પથ્થરો પડવાથી ૬ શ્રદ્ધાળુ દટાઈ ગયા હતા. જેમાંથી ૩ના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય ૩ની હાલત છે અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જે લોકોના બોડી મળી આવ્યા તેમની ઓળખ થઈ શકી નથી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું કે ચીરબાસા નજીક પર્વત પરથી કાટમાળ અને ભારે પથ્થરો ધસી આવવાની માહિતી મળી હતી.

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને રવિવારે સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે આ વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી આવતા કાટમાળ અને ભારે પથ્થરોને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી એસડીઆરએફની ટીમ આવી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસને આ મૃતદેહો સોંપવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ તરફ જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. આ દુર્ઘટના પગપાળા જવાના માર્ગ પર બની છે. ઘટના અંગે માહિતી મળતા જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જેમાં એનડીઆરએફ, ડીડીઆર, વાયએમએફ તંત્રની ટીમે રેસ્ક્યૂ શરુ કર્યું હતું. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે જેથી રસ્તો ખુલે અને બીજા યાત્રાળુઓ આગળ વધી શકે. આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે કારણ કે પર્યાવરણની દૃષ્ટિએ આ સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાં ભારે વરસાદ પડે ત્યારે જમીન ધસી પડતી હોય છે.ભૂસ્ખલનની જગ્યા અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં પહોંચવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. હવામાન પણ ખરાબ છે જેના કારણે કામગીરીને અસર થાય છે. ભૂસ્ખલનમાં હવે કોઈ દટાયેલું હોય તેમ લાગતું નથી. આમ છતાં કાટમાળ હટાવીને ત્યાં લોકોની શોધખોળ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution