લેમ્બોર્ગીનીઃ એક્શન સ્પિક્સ લાઉડર ધેન વડ્‌ર્સ

લેખકઃ કેયુર જાની | 

ઈટાલીના મેરાનેલો શહેરમાં એન્ઝો ફરારીની ઓફિસમાં એક શખ્સ મુલાકાતે આવ્યાં. તે શખ્સે એન્ઝો ફરારીને વ્યક્તિગત રીતે મળવાનો આગ્રહ કર્યો. ફરારીના સ્ટાફે એપોઇન્ટમેન્ટ લઈને મુલાકાતી શખ્સને એન્ઝો પાસે મોકલ્યાં. એન્ઝો ફરારીને તે શખ્સે ફરિયાદ કરી કે મારી પાસે તમારી ફરારી ૨૫૦ મોડલની કાર છે. પરંતુ તેના ક્લચની ગુણવત્તા સારી નથી. હું આપનું ધ્યાન દોરવા આવ્યો છું કે તમારા આ મોડલની કારમાં ક્લચની ગુણવત્તા સુધારો. ફરિયાદ સાંભળીને એન્ઝો ફરારીએ પિત્તો ગુમાવ્યો. એન્ઝોએ ફરિયાદ કરનારને તેમનો પરિચય પૂછ્યો. મુલાકાતે આવેલા શખ્સે પોતાની ઓળખ આપતા કહ્યું કે, “હું ફેરુસીયો લેમ્બોર્ગીની..”

એન્ઝો ફરારીએ ફેરુસીયોને સંભળાવ્યું કે, “તમે એક ટ્રેક્ટર બનાવનાર વ્યક્તિ છો. તમને લક્ઝરી કારમાં કંઈ ગતાગમ ના પડે. તમારે તો ટ્રેક્ટર જ ચલાવવાનું હોય. ફરારી ચલાવવા માટે તમારી લાયકાત જ નથી.”

ફેરુસીયો લેમ્બોર્ગીની આ સાંભળીને સમસમી ઉઠ્‌યાં. તેઓ કંઈ બોલ્યા વગર ફરારીની ઓફિસ છોડીને બહાર નીકળી ગયાં. ૧૯૧૬માં એક સામાન્ય ખેડૂતના પરિવારમાં જન્મેલા ફેરુસીયો બીજા વિશ્વયુદ્ધમાં ઇટાલીની વાયુસેનામાં મિકેનિક તરીકે જાેડાયાં હતાં. તેમને ફાઈટર પ્લેનના એન્જિન તેમજ વાયુસેનાના વાહનોની મરામતનું કામ સોંપાયું હતું. તે કામમાં તેમને ખુબ રસ પડ્યો. બીજા વિશ્વયુદ્ધમાં એક્સિસ દેશોની હાર થતાં ઈટાલીની સેનાના સૈનીકોને કેદ કરવામાં આવ્યા. ફેરુસીયોની પણ ધરપકડ થઇ જ્યાં તેમણે કેદી તરીકે વાહનોની મરામતનું કામ તેટલું સારી રીતે કર્યું કે તેમને છોડી મુકવામાં આવ્યાં. યુદ્ધકેદી તરીકે છૂટ્યા પછી ફેરુસીયોએ ગેરેજ શરુ કર્યું. યુદ્ધમાં નાશ પામી ભંગાર થઇ ગયેલા વાહનોના પાર્ટ્‌સ કાઢીને તે નવા વાહનો બનાવવાં લાગ્યાં. જેમાં તેમણે ખેતી માટે ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો બનાવવાનું શરુ કર્યું. ફેરુસીયો દ્વારા બનાવવામાં આવેલા ટ્રેક્ટર એટલા પ્રખ્યાત થઇ ગયાં કે તેઓ વર્ષે એક હજાર જેટલા ટ્રેક્ટર બનાવીને વેંચતા થઇ ગયાં. લેમ્બોર્ગીની ટ્રેક્ટર નિર્માણમાં ઇટાલીમાં જાણીતી કંપની બની ચુકી હતી. જેની સ્થાપના કરનાર ફેરુસીયો લેમ્બોર્ગીનીને એન્ઝો ફરારીએ “ટ્રેક્ટર ચલાવો ફરારી નહીં” તેવું સંભળાવી દીધું હતું.

ફેરુસીયોને એન્ઝો ફરારી દ્વારા કરવામાં આવેલા અપમાનનો જવાબ આપવો હતો પરંતુ શબ્દોથી નહી. તેમણે ફરારીની હરીફાઈ માટે લક્ઝરી કાર બનાવવાનું પ્રણ લીધું. પોતાની ફેક્ટરીમાં પહોંચી તેમણે તપાસના ચક્રો ગતિમાન કર્યા. ફરારીમાંથી નોકરી છોડીને ગયેલા એન્જિનિયરોની જાણકારી મેળવી તેમનો સંપર્ક કર્યો. ફરારી સામે સ્પર્ધા કરવા લેમ્બોર્ગીનીની લક્ઝરી કાર બનાવી બજારમાં સ્પર્ધામાં મુકવાનો ર્નિણય જણાવ્યો. ફરારી તે સમયે વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ હતી. તેની સ્પર્ધા માટે આસપાસ ફરકવાનું પણ અન્ય કાર નિર્માતા કંપનીઓ વિચારતી નહતી. તે સામે લેમ્બોર્ગીનીનું ઝનુન જાેઈ એન્જિનિયર પણ તૈયાર થઇ ગયાં. ફેરુસીયો લેમ્બોર્ગીનીએ એન્જિનિયરોને માત્ર ચાર મહિનામાં જ ફરારી સામે લેમ્બોર્ગીનીનું મોડલ તૈયાર કરી બજારમાં મુકવાની ડેડલાઈન આપી.

ફેરુસીયો લેમ્બોર્ગીનીએ આટલો ટૂંકો સમય એટલે આપ્યો હતો કેમકે ચાર મહિના બાદ ઇટલીના ટયુરીન શહેરમાં પ્રતિષ્ઠિત ઓટોમોબાઈલનો ફેર યોજાવા જઈ રહ્યો હતો. તેમાં ફેરુસીયોને પોતાની કાર લોન્ચ કરવી હતી. એન્જીનિયર્સ તેમજ ટેક્નિકલ ટીમે દિવસ રાત મહેનત કરી લેમ્બોર્ગીનીની સૌથી પહેલી લક્ઝરી કાર ઓટોફેરમાં પ્રદર્શનમાં મૂકી. લેમ્બોર્ગીની ૩૫૦ જીટી પ્રદર્શનમાં મુકવામાં આવી. ટયુરીન ઓટો ફેરમાં લેમ્બોર્ગીનીની કારના તે મોડલે આકર્ષણ જમાવ્યું. ઓટો ફેરમાંથી જ ૧૨૦ કારના બુકિંગ મળી ગયાં. ઓટો ફેરમાં લેમ્બોર્ગીનીએ ફરારી કરતા વધુ ગ્રાહકો મેળવ્યાં હતાં.

લેમ્બોર્ગીની ૩૫૦ જીટી મોડલ ખુબ સફળ થયું. તેની જબરજસ્ત માંગ હતી ત્યારે જ લેમ્બોર્ગીનીએ બીજું મોડેલ ૪૦૦ જીટી બનાવી બજારમાં મૂક્યું. જે અગાઉના મોડલ કરતા પણ વધુ સફળ રહ્યું. માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં લેમ્બોર્ગીનીએ વેચાણના આંકડામાં ફરારીને માત આપી દીધી હતી. આજે લેમ્બોર્ગીની આખી દુનિયામાં લક્ઝરી કાર તેમજ સુપર પ્રીમિયમ કારની રેન્જમાં પ્રતિષ્ઠિત બ્રાન્ડ ગણવામાં આવે છે. લેમ્બોર્ગીની કાર દુનિયાના કોઈપણ દેશમાં સ્ટેટ્‌સ સિમ્બોલ ગણવામાં આવે છે. વર્ષ ૨૦૨૩માં લેમ્બોર્ગીનીએ તેમની કારના ૧૦,૧૧૨ યુનિટનું ગ્લોબલ વેચાણ કર્યું હતું.

ભારતની વાત કરીએ તો લેમ્બોર્ગીનીના સૌથી પ્રારંભિક બેઝ મોડલની કિંમત જ રૂ. ૩.૨૨ કરોડ છે. ગત વર્ષે ભારતમાં લેમ્બોર્ગીનીએ ૧૦૩ કારનું વેચાણ કર્યું હતું. ભારતમાં દર વર્ષે લેમ્બોર્ગીનીની મોંઘીદાટ કારનું વેચાણ વધી રહ્યું છે. પોતાની કારમાં ક્લચની ગુણવત્તા બાબતે ફરિયાદ કરવા ગયેલા ફેરુસીયો લેમ્બોર્ગીનીએ તેમના અપમાનનો બદલો સફળતા હાંસલ કરીને લીધો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution