લક્ષ્ય સેન બેડમિન્ટનની સેમીફાઈનલમાં હાર્યો


પેરિસ:પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ના ૮મા દિવસે શનિવારે ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેનને બેડમિન્ટન મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ડેનમાર્કના વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કપરા મુકાબલામાં વિક્ટરે લક્ષ્યને સીધા સેટમાં ૨૨-૨૦, ૨૧-૧૪થી હરાવ્યો હતો. જાે કે, લક્ષ્ય હજુ પણ પેરિસમાં મેડલ જીતી શકે છે, કારણ કે તે સોમવારે બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે. ભારતના ૨૨ વર્ષીય યુવા શટલરે મેચની ધમાકેદાર શરૂઆત કરી હતી. લક્ષ્યે આક્રમક વલણ અપનાવ્યું અને મિડ બ્રેકમાં ૧૧-૯ના સ્કોર સાથે ૨ પોઈન્ટની લીડ લીધી. આ પછી પણ લક્ષ્યે શાનદાર પ્રદર્શન કર્યું અને વિરોધી ખેલાડીને કોઈ તક આપી નહીં. પ્રથમ સેટમાં એક સમયે લક્ષ્ય ૧૮-૧૫થી આગળ હતો. પરંતુ વિક્ટરે જાેરદાર પુનરાગમન કર્યું અને સ્કોર ૨૦-૨૦ની બરાબરી કરી અને પછી સતત બે ગેમ પોઈન્ટ લઈને પ્રથમ સેટ ૨૨-૨૦થી જીતી લીધો. બંને ખેલાડીઓ વચ્ચેનો બીજાે સેટ પણ ઘણો રોમાંચક રહ્યો હતો. બીજી ગેમમાં એક્સેલસને ૭-૦થી પાછળ રહીને શાનદાર વાપસી કરી હતી. જાેકે, લક્ષ્ય સેને મધ્ય-વિરામ સુધી ૧૧-૧૦ની સરસાઈ મેળવી હતી. પરંતુ આ પછી ફરીથી તેણે પોતાની લીડ ગુમાવી દીધી અને કટ્ટર હરીફ વિક્ટર એક્સેલસન સામે બીજાે સેટ ૧૪-૨૧થી હારી ગયો અને સેમિફાઇનલમાંથી બહાર થઈ ગયો. ભારતનો યુવા શટલર લક્ષ્ય સેન, પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં રમી રહ્યો છે અને આવતીકાલે, સોમવારે બ્રોન્ઝ મેડલ મેચ માટે મલેશિયાના લી ઝી જિયા સામે ટકરાશે. તેની પાસે ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ બેડમિન્ટનમાં ભારત માટે પહેલો મેડલ જીતવાની તક છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચ સોમવારે ભારતીય સમય અનુસાર સાંજે ૬ વાગ્યે રમાશે. ભારતીય શટલર લક્ષ્ય સેને શુક્રવારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોમાંચક મુકાબલામાં ચીની તાઈપેઈના ચાઉ ટિએન ચેનને હરાવ્યો હતો. આ જીત સાથે, તે ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution