સરસ્વતી પુત્રોની વહારે લક્ષ્મીપુત્રોઃ દુનિયાનો દસ્તુર

ભારતીય સમાજમાં શક્તિ, લક્ષ્મી અને સરસ્વતી ત્રણ દૈવી ગુણ છે જેને સ્ત્રીતત્વ મનાય છે. ત્રણે ગુણ એક સાથે મળતા નથી. જે ગુણની ઉણપ હોય તેને અર્જિત કરવો પડે છે. દેશ અને દુનિયામાં આ દસ્તુર છે કે સરસ્વતીના સાધકોને ક્યાંક લક્ષ્મીપુત્રોની સહાય જાેઈતી રહે છે. જેના સહારે લક્ષ્મીપુત્રોએ સરસ્વતીના સપૂતો રૂપી વિરલ પ્રતિભાઓ દુનિયાને અર્પણ કરી છે.

બ્રિટનના સ્કોટલેન્ડ યાર્ડના ખેડૂત હુગ ફ્લેમિંગ તેમના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. ત્યારે કોઈકની બુમ સંભળાઈ જે મદદ માંગી રહી હતી. હુગ ફ્લેમિંગે અવાજની દિશામાં જઈને જાેયું તો એક બાળક કાદવમાં ખૂંપી રહ્યો હતો. બાળક કાદવમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહયો હતો. જેટલો સંઘર્ષ બાળક કરે તેટલો વધારે ખૂંપતો જતો હતો. હુગ ફ્લેમિંગે ઝાડની લાંબી ડાળખી તોડી તેની મદદથી બાળકને બહાર કાઢયો. ઘટનાના બીજે દિવસે ફ્લેમિંગના કાચા મકાન સામે એક વૈભવી કાર આવીને થોભી. તેમાંથી એક રૂઆબદાર માણસ ઉતર્યો. હુગ ફ્લેમિંગને પોતાનો પરિચય આપતા કહ્યું – “હું તે બાળકનો પિતા છું જેને તમે ગઈકાલે બચાવ્યો. મારું નામ રેન્ડોલ્ફ ચર્ચિલ છે. હું તમારું અહેસાન ચૂકવવા આવ્યો છું. બોલો હું તમારી શું મદદ કરી શકુ ?”

હુગ ફ્લેમિંગે જવાબ આપ્યો – “હું સામાન્ય ખેડૂત ભલે છું પણ મેં જે કર્યું છે તેના માટે હું પૈસા ના લઇ શકું. કોઈનો જીવ બચાવવો તે દરેક માણસનું કર્તવ્ય છે, માનવતાના કાર્યનું કોઈ મૂલ્ય ન હોય.” તે દરમ્યાન હુગ ફ્લેમિંગનો પુત્ર ઘરમાંથી બહાર આવ્યો. તેને જાેઈ રેડોલ્ફ ચર્ચિલે પૂછ્યું – “આ તમારો દીકરો છે !” ફ્લેમિંગે હા કહ્યું. રુડોલ્ફે કહ્યું – “સારું, તો મને પણ એક માનવતાનું કામ કરવા દો. હું તમારા દીકરાની શિક્ષણની જવાબદારી આજીવન માટે ઉપાડું છું. હું તેને તે સ્તરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરીશ જે હું મારા પુત્રને અપાવી રહ્યો છું ! જેથી તમારો પુત્ર પણ એક શિક્ષિત વ્યક્તિ બનશે અને જેનો આપણાં બંનેને તેનો ગર્વ થશે..!”

હુગ ફ્લેમિંગને તે વાત ગમી. તેમના પુત્રનો અભ્યાસ શરુ થયો. જેમનું નામ હતું એલેક્ઝાંડર ફ્લેમિંગ. લંડનની પ્રતિષ્ઠિત સેન્ટ મેરી મેડિકલ સ્કૂલમાંથી એલેક્ઝાંડર ફ્લેમિંગ ગ્રેજ્યુએશન કર્યું અને પેનિસિલિનની શોધ કરી. મહાન વૈજ્ઞાનીક સર એલેક્ઝાંડર ફ્લેમિંગને શિક્ષણ માટે જીવનમાં તક મળતા તેમણે તેવી શોધ કરી કે માનવજાત આજે પણ તેમની આભારી છે.

જાે કે રેડોલ્ફ ચર્ચિલના તે પુત્ર જેને હુગ ફ્લેમિંગે કાદવમાં ડૂબી જતાં બચાવ્યો હતો તે ગંભીર રીતે બીમાર પડ્યો. જેનું જીવન પેનિસિલિનના ઇન્જેક્શનથી જ બચ્યું. રેન્ડોલ્ફ ચર્ચિલના તે પુત્રનું નામ હતું - વિન્સ્ટન ચર્ચિલ, જે બે વાર બ્રિટનના વડા પ્રધાન બન્યાં હતાં. પ્રતિભા હોય અને તક મળે તો દરેક વ્યક્તિ કંઈક ખાસ કરી બતાવે છે.

 બંગાળમાંથી વિવિદિષાનંદ રાજસ્થાનના ખેતડી પહોંચ્યા. ખેતડીના રાજા અજીતસિંહ વિવિદિષાનંદના પરિચિત હતા. વિવિદિષાનંદ તે સમયે શિકાગો જવા માટે આર્થિક મદદની શોધમાં હતા. તેમણે રાજસ્થાનમાં આવી રાજા અજીતસિંહને તેમની ઈચ્છા જણાવી. મૅ મહિનાનો મધ્યનો સમય સમય હતો બંગાળના વાતની વિવિદિષાનંદ રાજસ્થાનની ગરમીથી ત્રસ્ત હતાં. રાજા અજિતસિંહે જાેયું કે રાજસ્થાનની ગરમીને કારણે વિવિદિષાનંદને લૂ લાગવાની શક્યતા છે. રાજા અજિતસિંહે સાફો મંગાવી વિવિદિષાનંદને પહેરવા સલાહ આપી જેથી રાજસ્થાનની ગરમીમાં લૂ લાગવાની શક્યતા ઘટી જાય. તે સાથે રાજા અજીતસિંહને ઉચ્ચારણમાં વિવિદિષાનંદ નામ ફાવતું નહતું જેથી તેમણે વિનંતી કરી વિવિદિષાનંદને તેમનું નામ બદલી વિવેકાનંદ કરવા મનાવી લીધાં. રાજા અજિતસિંહે શિકાગો જવા માટે જહાજની પહેલી શ્રેણીની ટીકીટ કરાવી આપી. સાથે રાખવા થોડા નાણાં પણ આપ્યાં. રાજા અજિતસિંહે પહેરાવેલો સાફો, આપેલું નામ અને આર્થિક મદદથી વિવિદિષાનંદમાંથી સ્વામી વિવેકાનંદ બનીને શિકાગો પહોંચેલા હિન્દૂ ધર્મના પ્રતિનિધિએ દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો. રાજા અજિતસિંહને કારણે સ્વામી વિવેકાનંદ દુનિયાને મળ્યાં.

બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સીટીમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું હતું. બાબા સાહેબ સામે સમસ્યા હતી યુનિવર્સીટીમાં શિક્ષણ પાછળ થનારા ભારે ખર્ચની. તેમણે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને સમસ્યા જણાવી. મહારાજા સયાજીરાવ તૃતીય બાબા સાહેબના કોલંબિયા યુનિવર્સીટીમાં અભ્યાસનો ત્રણ વર્ષનો ખર્ચ ઉપાડવા સામે આવ્યાં. મહારાજા સયાજીરાવે સંપૂર્ણ ખર્ચ ઉપાડ્યો અને ભારતને બાબા સાહેબ જેવી પ્રતિભાની ભેટ મળી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution