વડોદરા, તા.૨૫
વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શીયલ કોમ્પસેક્સોને ફાયર એનઓસી રીન્યુ કરવા કે સેફ્ટીના સાધનો કાર્યરત રહે તે સંદર્ભે નોટીસ તેમજ સુચના આપવા છતા કાર્યવાહી નહી કરતા આજે નિઝામપુરા અને છાણી વિસ્તારમાં આવેલા ચાર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની સુવિધા સંદર્ભે ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું અને વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં ફાયર સેફટીની સુવિધા અંગે હાઇકોર્ટના હુકમ આધારે વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસ, રેહેણાક અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ દુકાનો વિગેરેને નોટિસ આપી ફાયર સેફ્ટીના સાધનો લગાવવા અને લગાવેલા હોય તો ફાયર એનઓસી રીન્યુ કરાવી લેવા સૂચના આપી હતી. તેમ છતાં કેટલાક કોમ્પ્લેક્સના સંચાલકો દ્વારા ફાયર સેફટી ના સાધનો લગાવવામાં વિલંબ કરતા તેમજ ઈન્સપેક્શનમાં પણ કેટલાક સ્થળે ફાયરના સાધનો કાર્યરત નહી હોવાનું જણાતા ફાયર બ્રિગેડનું તંત્ર એક્શનમાં આવ્યું હતું.અને શહેરના કેટલાક કોમર્શીયલ કોમ્પેક્સોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે આજરોજ ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ નિઝામપુરા અને છાણી વિસ્તારમાં ફાયર સેફ્ટીની સુવિધા સંદર્ભે ચાર કોમ્પ્લેક્સમાં સીલ મારીને વીજ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં વડોદરા શહેરના ચાર કોમ્પ્લેક્સમાં દુકાનો તેમજ ઓફિસો ધરાવતા મુશ્કેલીમાં મુકાયા હતા.