કરાંચીમાં બ્રિટિશરોને હંફાવનાર કચ્છી સપૂત :  દેવજી જાેશી

લેખક : નરેશ અંતાણી | 


વાત ૧૯૩૦ના વર્ષની છે. હિન્દુસ્તાનની આઝાદી માટેની ચળવળ જાેરમાં હતી. એ સમયે કરાંચીમાં એક કાળી રાતે શહેરની કોર્ટ પર બ્રિટિશ ધ્વજ ફરકી રહ્યો હતો. ત્યારે એક યુવાન કોર્ટની રાંગ પાસે આવ્યો અને રાંગ સાથે ઘસડાતો ઘસડાતો સંત્રીઓની નજર છૂપાવી સડસડાટ ગુંબજ પર ચડી ગયો અને ખુબજ વેગથી બ્રિટિશ ધ્વજ ઉતારી અને હિન્દુસ્તાનનો ધ્વજ ફરકાવી દીધો.

બીજા દિવસે હાહાકાર મચી ગયો. બ્રિટિશ અમલદારોમાં ફફડાટ વ્યાપી ગયો. કયા માથાફરેલે લોખંડી પહેરા વચ્ચે આ કૃત્ય કર્યુ તેનો પતો મળતો ન હતો. આ કાર્ય કરનાર એક કચ્છી સપૂત દેવજી નાનજી જાેશી હતો. તેમનું હુલામણું નામ કાકુ મહારાજ હતું. આઝાદી પછી દેશના ભાગલા પડતાં તે પોતાના વતન કચ્છમાં આવી માંડવીમાં સ્થાયી થયાં. તેમના પુત્રો મધુભાઈ જાેશી તથા કિશોરભાઈ જાેશી માંડવી તથા અમદાવાદ ખાતે હાલમાં રહે છે.

દેવજી જાેશીનો જન્મ ૯મી જુન,૧૯૧રના દિવસે નારાયણ સરોવર ખાતે થયો હતો. કચ્છમાં જીવનનિર્વાહ મુશ્કેલ બનતાં માતા તેમને લઈને કરાંચી સ્થાયી થયાં. ત્યાં માતાનું પણ અવસાન થતાં કાકુ મહારાજ તદ્‌ન એકલા થઈ ગયાં. સગાસંબંધીઓના સહારે જીવન નૈયાં ગબડતી હતી. નાનીમોટી છૂટક નોકરીઓ કરી કાકુજી મહારાજ જીવન ચલાવતા હતાં.

આ દિવસોમાં કરાંચીમાં પણ દેશની આઝાદી માટેની લડત જાેરશોરથી ચાલતી હતી. આ લડતની અસર કાકુ મહારાજ પર પણ પડી.એક દિવસ આંદોલન કરતા દેશભક્તો પર પોલીસે ગોળીબાર કરતાં બે યુવાન શહીદ થઈ ગયાં. આ દ્રશ્ય જાેઈ કાકુ મહારાજના રોમેરોમમાં ખુન્નસ વ્યાપી ગયું અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે ઝંપલાવી દીધું.

કાકુ મહારાજની શિસ્તબદ્ધતા અને જુસ્સાથી પ્રભાવિત તે સમયના નેતાઓએ કપરું કાર્ય સોંપ્યું. આગળ ઉપર નોધ્યું છે એ પ્રમાણે કરાંચીની સિટી કોર્ટ પર ચડી બ્રિટિશ ધ્વજ ઉતારી અને ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું કપરું કામ ખુબ ચપળતાથી કાકુ મહારાજે પૂર્ણ કર્યું.

ગોળમેજી પરિષદની વાટાઘાટો નિષ્ફળ થતાં ગાંધીજી સહિત અનેક નેતાઓને જેલમાં પુરી દેવામાં આવ્યા તેના વિરોધમાં દેશના અન્ય શહેરોની માફક કરાંચીમાં પણ સભા– સરઘસ યોજાયાં. આ વિરોધના જુસ્સાને જાળવી રાખવા કાકુ મહારાજે જલિયાંવાલા બાગની દારુણ ઘટનાને રજુ કરતું ગીત લલકાર્યુ. આ ગીતથી સભામાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ. પોલીસ કાકુ મહારાજને પકડી લઈ ગઈ. કેસ ચલાવવામાં આવ્યો અને છ મહિનાની સજા ફરમાવવામાં આવી.

એ સમયે હિન્દુસ્તાનના ગવર્નર જનરલ તરીકે લોર્ડ વિલિંગ્ડન હતા. એમણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનું ખમીર તોડવા દમનનો કોરડો વીંઝવાનું શરુ કર્યુ.

કાકુ મહારાજને સિંધ પ્રાંતમાં હૈદરાબાદની કૂખ્યાત સિંધ કન્વીનર જેલમાં મોકલી આપવામાં આવ્યાં. ત્યાં તેમના પગમાં સાત રતલની લોખંડી બેડીઓ પહેરાવવામાં આવી. જેલમાં તેમની પાસે સખ્ત મહેનતનું કામ કરાવવામાં આવતું. જેલ અધિક્ષકને એમ હતું કે, યાતના અસહ્ય બનતાં કાકુ મહારાજ માફી માંગી લેશે, પણ કાકુ મહારાજે માફી તો ન જ માંગી.

   સજા પૂર્ણ કરી બહાર આવતાં જ કાકુ મહારાજ પર કરાંચીના મેજીસ્ટ્રેટે મનાઈહુકમની બજવણી કરી. આ મનાઈ હુકમમાં તેમના પર કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો. કાકુ મહારાજે આ નોટીસનો ધરાર ભંગ કરી સભા યોજતા ફરી મેજીસ્ટ્રેટે છ માસની આકરી સજા કરી. આ જેલવાસ પણ તેમણે ખુમારીપુર્વક પૂરો કર્યો.

૧૯૪રની હિન્દ છોડો ચળવળ દરમ્યાન પણ અનેક વખત કરાંચીની શેરીઓમાં સભા-સરઘસ યોજતાં કાકુ મહારાજ સિંધ અને કરાંચી કોંગે્રસના એક અગ્રણી નેતા બની ગયા હતાં.

૧૯૪૭માં આઝાદી મળી એ સમયે એમની આંખમાં એક બાજુ હર્ષના આંસુ હતાં તો બીજી બાજુ દેશના ભાગલાનું દુઃખ હતું. આઝાદી પછી છ વર્ષ તેઓ કરાંચીમાં રહ્યાં; આ દરમ્યાન પણ અનેક જનસેવાના કાર્યો કરતા રહ્યાં. પાકિસ્તાન સરકાર અને દેશ છોડી રહેલા લોકો વચ્ચે માધ્યમ બની અનેક લોકોને સલામત રીતે ભારત મોકલવામાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું.

કાકુ મહારાજ કાનજી જાદવજીની કંપનીમાં નોકરી કરતાં હતાં. આ કંપની કરાંચી અને મુંબઈ વચ્ચે સ્ટીમર તથા વિમાની સેવા ચલાવતી હતી. એ સમયે કેટલાંય કરાંચીવાસીઓ પાકિસ્તાન છોડી ભારત આવવા મથતા હતાં. રોજ હજારો લોકો ભારત આવવા કાકુ મહારાજના ઘર પાસે કતારોમાં ઉભા રહી ટિકિટ મેળવવા કાલાવાલા કરતાં. આ સમયે કાકુ મહારાજે દિવસ–રાત ટિકિટ આપવાનું ચાલંુ રાખી હજારો લોકોને ભારત પહોંચાડવાની કપરી કામગીરી કરી. કરાંચીના કીયામારી બંદર પર લોકોની ભારી ભીડ રહેતી. સ્ટીમરની મર્યાદાની બહારના મુસાફરો ભરીને જાેખમ ખેડીને પણ તેમણે આ કામગીરી ચાલંુ રાખી હતી. કેટલાંયને વિના ટિકિટે પણ સ્ટીમરમાં બેસાડી દીધાં હતાં.

ભાગલા પછી અંદાજે દશ લાખ લોકોને ભારત પહોંચાડવાની કામગીરી તેમણે કરી હતી. તેમની આ કામગીરીથી ચોંકી ઉઠેલી પાકિસ્તાન સરકારે તેમને માત્ર ચાર દિવસમાં કરાંચી છોડી જવા ફરમાન કર્યુ. આથી ૧૯પ૩ના વર્ષમાં કાકુ મહારાજ પરિવાર સાથે કરાંચી છોડી વતન કચ્છ પરત આવ્યાં અને માંડવીમાં સ્થાયી થયાં.

માંડવી આવીને પણ જાહેર જીવનની પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને માંડવી કોંગે્રસના મંત્રી, નગરપાલિકાના કાઉન્સિલર પણ બન્યા હતાં.૧૯૭રમાં ભારતની આઝાદીની રજતજયંતીની ઉજવણી સમયે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હાથે તેમને તામ્રપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

હદયરોગની બિમારીને કારણે આ સ્વાતંત્ર્ય સેનાનીનું ૧૫મી મે,૧૯૮૦ના દિવસે અવસાન થયું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution