ભારતીય જૈન સાહિત્યના કચ્છી સંવર્ધક : ભીમશી માણેક શાહ

લેખકઃ નરેશ અંતાણી


કચ્છે એવા કેટલાય સપૂત આપ્યા છે કે, જેમણે કચ્છની સેવા તો કરી છે સાથે સાથે પોતે કચ્છ છોડી જ્યાં જ્યાં ગયા છે ત્યાંની પણ તેમણે સેવા કરી પોતાની અમીટ છાપ મૂકી ગયા છે. એમાં સાહિત્ય અને પત્રકારત્વની વાત આવે ત્યારે હાજી મહમદ અલ્લારખ્યા શિવજી, ડુંગરશી ધરમશી સંપટ વગેરેની યાદ પહેલાં આવે: આજે અહીં આવા જ એક કચ્છી સપૂત ભીમશી માણેક શાહની વાત કરવાની છે. એમણે અપ્રગટ તાડપત્રો, અને હસ્તપ્રતોમાં રહેલા જીર્ણશીર્ણ જૈન સાહિત્યની ચિંતા કરી તેને ગ્રંથ સ્વરુપે પ્રકાશિત કરી ઈતિહાસ રચ્યો છે.


મુંબઈ સ્થિત જૈન સાહિત્યના અભ્યાસુ અને યોગ જેવા ભારે વિષય પર મહાનિબંધ લખી વિદ્યાવાચસ્પતિની ઉપાધી હાંસલ કરનારા કચ્છી સર્જક ડો.રશ્મિબહેન ભેદાએ પોતાના એક શોધ નિબંધમાં ભીમશી માણેક શાહ અંગે વિગતે વાત કરી છે. ભીમશી માણેક શાહ મૂળ કચ્છના મંજલ(રેલડી) ગામના વતની. ભીમશીભાઈએ તેમની પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ દ્વારા વર્તમાન જૈન સમાજમાં લોકજાગૃત્તિ લાવવા અને તેમને જીવનના સાચા બોધનું દર્શન કરાવવાનું ઉત્તમ કાર્ય કર્યુ છે. જાે કે, તેની નોંધ જેટલી લેવાવી જાેઈએ તેટલી લેવાઈ નથી.


એક સમયે જૈન સાહિત્ય તો માત્ર તાડપત્ર પર જ લખાય, પુસ્તક છપાવવામાં જ્ઞાનની અશાતના થાય એ જાતનો વિચાર જૈન સાધુ અને શ્રાવકોમાં પ્રવર્તતો હતો. એવા સમયમાં જૈન સાહિત્યને ગંં્રથરૂપે છપાવવાની પહેલ કરી મોટું સાહસ ભીમશીભાઈએ કર્યુ હતું. ઓગણીસમી સદીના અંતમાં મુદ્રણકળાનો આરંભ થયો. આ કળાની મદદથી કચ્છી ઓસવાળ સમાજના ભીમશીભાઈએ તાડપત્રો અને હસ્તપ્રતોમાં ધરબાયેલા રહેલાં જૈન સાહિત્યને ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું.


સામાન્ય રીતે લક્ષ્મીના ઉપાસક મનાતા જૈન સમાજે કેટલાય સરસ્વતીના ઉપાસકો પણ આપ્યા છે. આજના નાયક ભીમશી માણેક એ પૈકીના છે. એમણે જૈન સાહિત્યના જતનમાં આપેલાં અમૂલ્ય યોગદાન બદલ જૈન સમાજે તેમને ‘ જૈન શ્રુત પ્રસારક’ તરીકે નવાજ્યા પણ છે. તેઓ માત્ર જૈન પ્રકાશક જ ન હોતા પરંતુ વિવિધ શાસ્ત્રોના સારા અભ્યાસુ અને જ્ઞાનપિપાસુ પણ હતાં. ભીમશીભાઈના પોતાના આ કાર્યની એક પ્રસ્તાવનામાં લખ્યું છે કે,જૈન સમાજના અનેક આચાર્યો અને વિદ્વાનોએ અનેક ધર્મગંં્રથો લખ્યાં, પરંતુ વિધર્મીઓના શાસનકાળ દરમ્યાન તેમાનું ઘણું નાશ પામ્યું. આ ઉપરાંત એ સમયે તેને જાળવી શકવાની આપણી બેદરકારી પણ એટલી જ જવાબદાર છે. આચાર્ય હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી, તેમજ હેમચંદ્રાચાર્યે સાડા ત્રણ કરોડ શ્લોક રચ્યાં તેમાંનું બહુ થોડું જ સાચવી શકાયું છે.મહાસાગરમાંથી એક બિંદુ સમાન સાહિત્ય જ આપણે બચાવી શકયાં છીએ. પરંતુ જે કાંઈ બચ્યું છે તેને સાચવવા અને તેનો સદુપયોગ થાય, સામાન્ય માનવી સમજી કરે એવા અર્થ સાથે તેને છપાવી પ્રસિદ્ધ કરવાં જરૂરી જણાતાં પ્રચંડ પુરુષાર્થ કર્યો.એ સમયે પ્રચલિત મૃત્યુ પાછળના કારજના જમણવારમાં કરાતો લક્ષ્મીનો વ્યય અટકાવી તેનો સદુપયોગ કરવા લોકોને સમજાવ્યા. ધર્મગ્રંથોનું અધ્યયન કરવા તથા યોગ્ય ગ્રંથોનું વાંચન કરી વિશાળ માનવ સમાજ પણ તેનો લાભ મેળવે એવી ભાવના જાગૃત કરવા ખાસી મહેનત કરી.


એમનો આ પ્રયાસ સફળ થયો અને કચ્છી દશા ઓસવાળ સમાજના કેટલાય દાતાઓ એમની આ સદ્‌પ્રવૃત્તિમાં મદદરૂપ થવા આગળ આવ્યા. ભીમશીભાઈએઈ.સ.૧૮૬પથી ઈ.સ.૧૮૭૩ સુધી સમગ્ર દેશનું ભ્રમણ કરી જૈન સાહિત્યની અમૂલ્ય હસ્તલિખિત ગ્રંથોની પ્રત મેળવવાનું શરુ કર્યુ. અને આ પછી મેળવેલા ગ્રંથોનું શુદ્ધિકરણ કરવાની કપરી કામગીરી કરી લખાણ ફરી સામાન્ય માનવી પણ સમજી શકે તેવી ગુજરાતી ભાષામાં મુળ શ્લોકોનું લખાણ તૈયાર કરી શુદ્ધ લિપિમાં અને મોટા સુવાચ્ય ટાઈપમાં આ ગ્રંથોને છાપવાનું શરું કર્યું. કેટલીક વખત આખાય ભારતમાં ફર્યા પછી પણ મુળ ગ્રંથની એક જ પ્રત મળતી ત્યારે તેની હાથે લખી બીજી પ્રત તૈયાર કરવાની અઘરી કામગીરી પણ કરતાં. આ કાર્યમાં ખુબ જ ધન અને સમયનો વ્યય થતો. સંવત ૧૯૩રમાં રત્નાકર ગ્રંથ એક લાખના ખર્ચે ચાર ભાગમાં મુંબઈમાં નિર્ણયસાગર પે્રસમાં છપાવી પ્રસિદ્ધ કર્યો હતો. આ માટેનો ખર્ચ કચ્છી દાનવીર કેશવજી નાયક તથા રાવ બહાદુર લક્ષ્મીપતિએ કર્યો હતો.


આની સાથોસાથ પાંડવચરિત્રનો બાલબોધ સાથે પ્રતિક્રમણસૂત્ર,વિવિધ પૂજાસંગ્રહ,સમ્યકત્વમૂલ વગેરે ગંં્રથો પણ સમાજને આપ્યાં હતાં. એ સમયના રૂઢીચૂસ્ત સમાજના આકરા વિરોધનો સામનો પણ તેમને કરવો પડયો હતો. અનેક દબાણ પણ આવ્યાં. આમ છતાં એમણે દ્રઢ બની પોતાનું કાર્ય સંપન્ન કર્યું હતું. વિવિધગચ્છીય શ્રાવકના દૈવસકાદિકના પાંચેય પ્રતિક્રમણસૂત્ર પણ એમણે સંવત ૧૯૪પમાં છપાવ્યાં. પ્રકાશક તરીકે ઉપાડવા પડતા તમામ જાેખમ વહોરીને પણ તેમણે પોતાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું. જૈન સાહિત્યનો એક મહત્વનો પ્રકાર રાસા સાહિત્ય છે. જૈન મહાત્માઓ તથા મહાપુરુષોના જીવતવૃતાંત વર્ણવતા આ રાસાઓ પણ તેમણે શોધી શોધીને પ્રકાશિત કર્યા હતા.જે રાસાઓનું વાચન જૈન મુનિઓ આજે પણ પોતાના ચાતુર્માસ દરમ્યાન કરે છે. અચલગચ્છની ગુરુપટ્ટાવીને શોભીને પ્રકાશિત કરવાનું શ્રેય પણ ભીમશીભાઈને જાય છે.એમણે પોતાનું અવસાન થયું ત્યાં સુધી ૩૦૦થી વધારે ગ્રંથોનું પ્રકાશન કરી સમાજની એક ઉત્તમ સેવાનો યજ્ઞ સંપન્ન કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution