ભારતની તાંબાની આયાતમાં મોટા પાયે ઘટાડો થવાની અપેક્ષા
અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! આગામી કેટલાક અઠવાડિયાઓમાં કોપર સ્મેલ્ટરનું કામકાજ શરૂ થવાના એંધાણ છે. મુન્દ્રા સ્થિત કોપર સ્મેલ્ટર વિશ્વના એક જ સ્થાન પરના સૌથી મોટા સ્મેલ્ટરમાંનું એક હશે. કોપર વિસ્તરણ ખર્ચ આશરે ૭૦૦-૮૦૦ મિલિયન ડોલર થવાની ધારણા છે, જે યુનિટનો કુલ ખર્ચ આશરે ઇં૨ બિલિયન સુધી જશે.
કચ્છ કોપર હાલમાં લેટિન અમેરિકન દેશોમાંથી તેના કોપર કોન્સન્ટ્રેટનું સોર્સિંગ કરશે, પરંતુ કોન્સન્ટ્રેટ માટે વધારાના સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના સપ્લાયર્સ સાથે પણ ચર્ચા-વિચારણા જારી છે. નજીકના બે-ત્રણ ક્વાર્ટરમાં અપેક્ષિત ૫૦૦,૦૦૦ ટન યુનિટના સ્થિરીકરણ બાદ તેની ક્ષમતા વધારીને દસ લાખ ટન કરવામાં આવશે.
વિશ્લેષકોના મતે આગામી નાણાકીય વર્ષ દરમિયાન સંપૂર્ણ વૃદ્ધિની ધારણા રાખીને કોપર સ્મેલ્ટર કામગીરી સંપૂર્ણ વર્ષના ધોરણે ઇં૨૫૦-૩૦૦ મિલિયનની રેન્જમાં વ્યાજ, કર, ઘસારો અને એમોર્ટાઇઝેશન પહેલાં કમાણી કરી શકે છે. કચ્છ કોપર સંપૂર્ણપણે અદાણી ગ્રુપની ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસની માલિકીની છે. એકવાર તે શરૂ થયા બાદ ભારતની તાંબાની આયાતમાં મોટા પાયે ઘટાડો થવાની અપેક્ષા છે.
ઉત્પાદિત તાંબાના લગભગ ૪૦% ભાગનો ઉપયોગ અદાણી ગ્રુપના કેપ્ટિવ હેતુઓ માટે કરવામાં આવશે જેમાં નવીનીકરણીય ઉર્જા અને ટ્રાન્સમિશન વ્યવસાયોનો સમાવેશ થાય છે. તાંબાનો ઉપયોગ ગ્રુપના વાયર અને કેબલ વ્યવસાયમાં પણ થશે જેની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.