સવા સદી પહેલાનું કચ્છ ઃ એક રસપ્રદ પ્રવાસ વર્ણન

શુદ્ધ ઈતિહાસ લેખન માટે અનેક સાધનસામગ્રી,પૂરક માહિતી અને વિવિધ પ્રકારના આધારોની આવશ્યકતા રહેતી હોય છે. આવા અનેક પ્રકારો પૈકી પ્રવાસ વર્ણન ઐતિહાસિક દ્રષ્ટિએ ઉપયોગી પૂરવાર થયાં છે. આવા જ એક પ્રવાસ વર્ણનમાં મગનલાલ ખખ્ખરે આજથી સવાસો વર્ષ અગાઉના કચ્છની વાત કરી છે.

મગનલાલ દલપતરામ ખખ્ખરે ઈ.સ. ૧૮૮૬,૧૯૩૬ અને ૧૯૪૩માં કરેલા કચ્છના પ્રવાસના વર્ણનો તત્કાલિન કચ્છનું દર્શન કરાવે છે.

 રાજકોટ ઠાકોર પરિવારના ટયુટર દલપતરામ ખખ્ખરની ઈ.સ.૧૮૭૧માં રાજકોટના અંગ્રેજ સરકારના રાજકીય પ્રતિનિધિ બાર્ટને કચ્છના રાજવી પરિવારના ટયુટર તરીકે નિમણૂક કરી. નળિયાના પ્રવાસ દરમ્યાન તેમની તબિયત નાદુરસ્ત થતાં પુત્ર મગનલાલને તાત્કાલીક નળિયા આવી જવા કહેણ મોકલતાં મગનલાલ કચ્છ રાજ્યના દિવાન મોતીલાલ લાલભાઈની પરવાનગીથી નળિયા જવા નીકળ્યાં. આ સમયે રાજ્યએ દલપતરામને પ્રવાસ માટે મળતી શિગ્રામ,વહેલ,બે ઘોડા અસવાર સાથે, રસોઈયો,સિપાઈ અને બે ગાડાં સહિતની તમામ સુવિધાઓ પુરી પાડી હતી. તેમની ભુજથી નળિયા અને પરત ભુજની યાત્રા ૧૭મી માર્ચ, ૧૮૮૬ના આરંભાઈ હતી જે કુલ ૧૯ દિવસ ચાલી હતી.

પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો તેમણે નોંધ્યા છે એ પ્રમાણે રસ્તાઓ ખાડાટેકરાવાળા, ઊંચાનીચા અને કાચા હતાં. તેથી વાહન ઉથલી પડતાં તેમાં મુસાફરી કરનારાઓને નાનીમોટી અને હાડકા ભાંગી જવા સુધીની ઈજાઓ થતી. તેમની આ મુસાફરીમાં પણ એવું જ થયું હતું. તા.૧૮મીના દેશલપરમાં શિગ્રામ ઉથલી પડી હતી, તો સાથે નોકર જે જાગરિયો હતો તેની ઘોડીએ શીખ ખાતાં એટલે કે બે પગે ઉભી થઈ જતાં નોકર નીચે પટકાયો અને માથામાં ઈજા થઈ. ઘોડીના એક પેગડામાં તેનો પગ ભરાઈ જતાં તે માંડ નીકળ્યો. બીટ્ટાથી રોહા જતાંનો માર્ગ ખુબ જ ખરાબ હતો. રોહાથી ગઢશીશાના માર્ગમાં ગાડાંનું પૈંડું નીકળી ગયું આથી ટેગા બેસી ગયાં. રસ્તો રેતાળ હતો. અધુરામાં પુરૂં રાતના પટેલ રસ્તો ભૂલ્યાં. એક ટેકરો આવ્યો તેમાંથી બે શિગ્રામ તો પસાર થઈ ગઈ પણ પાછળ આવતી વહેલ ઉથલી પડી. આથી તેમાં સવારી કરતો ઈબ્રાહિમ પથ્થરના ઢગલા પર જઈ પડયો. તેને ઠીક ઠીક ઈજાઓ થઈ. વહેલનો હાંકનારો તો મરી જ જાત પણ ઈશ્વરકૃપાએ બચી ગયો.

તા.ર૯ના ગઢશીશાથી કેરા આવતાં રસ્તામાં દહીંસરા બે ગાઉ છેટું હતું ત્યારે દેવકોરબાની શિગ્રામ ભાંગી ગઈ, પૈંંડાના ચૂરેચૂરા થઈ ગયાં. માને બીજી વહેલમાં બેસાડયાં અને એક ગાડું લઈ આવ્યા. તે ગાડાં પર શિગ્રામ ચડાવી ખંેગાર અને ઈબ્રાહિમ તેના પર બેઠા. તા. ૪થી એપ્રિલના ભારાપરથી ભુજ આવવા નિકળ્યાં. લકી ડુંગરની વાટ ખૂબ જ ખાડાટેકરાવાળી હતી અને વળી તાપ પણ ભારે હોવાથી બળદો બેભાન થઈ ગયાં. કેમે કરી ઉઠે જ નહીં.

  પ્રવાસની આ વિગતથી કેટલાંક તારણો નીકળે છે તે મુજબ સમગ્ર મુસાફરી દરમિયાન થયેલી ઈજાઓની સારવાર કયાંય પણ કરાઈ નથી. આ પ્રવાસ દરમિયાન માર્ગમાં આવતા ગામોની તથા તે ગામમાં જાેવા લાયક સ્થળોની નોંધ પણ તેમણે કરી છે જે પ્રમાણભૂત ઈતિહાસ આલેખનમાં સહાયરૂપ થાય તેમ છે.

      તેમણે નોંધ્યુ છે કે કોઠારા ગામના ઘરો મુંબઈ જેવાં અને સારી બાંધણીના હતાં. શ્રીમંત ભાટિયાઓની અહીં વસતી છે. કોઠારાનું જૈન દેરાસર બહુ જ સરસ છે. તેનાં નિર્માણમાં સવા લાખ રૂપિયા ખર્ચાયા છે.

          ગામની પ્રાથમિક શાળા મકાનનું પણ સુંદર વર્ણન તે સમયની સ્થાપત્યકળાના દર્શન કરાવે છે. શાળાનુું મકાન પણ મજબૂત, સરસ અને સુવિધાસંપન્ન છે. તેની કમાનો પર સિંહનું કોતરકામ શાળાને વધુ સુંદરતા બક્ષે છે. ગેલેરીના થાંભલાઓ પર ઉત્તમ નકશીકામ છે. છોકરાંઓને બેસવા માટે ઉપરાછાપરી પગથિયાંઓની લાઈન છે અને તેની નીચે ભોયરું છે. મેડી ઉપર જાળીયાં છે તે બંધ કરો તો તે કબાટની ગરજ સારે તેવાં છે. શાળાના ભવન ઉપર બે મોટાં ટાવર છે જેના ઉપર સમડી અને વાંદરાઓની પ્રતિમા કંડારેલી છે.

     તેરા પ્રાથમિક શાળાનું આ મકાન રાવ ખેંગારજીના સમયમાં સંવત ૧૯૩૦(ઈ.સ. ૧૮૭૪)માં ડુંગરશી સેજપાલે પચાર હજાર કોરીના ખર્ચે બંધાવ્યુ હતું. જેનું ઉદ્‌ઘાટન સંવત ૧૯૪૦ના કારતક વદ નોમના કચ્છના કેળવણી નિરીક્ષક દલપતરામ ખખ્ખરના હાથે કરાયું હતું.

      ઠાકોરની સલામે ખાસ સોનેરી તારકસનો ફેંટો, સોનેરી ડગલો અને ચમકતા બૂટ-મોજા પહેરી ઠાઠમાઠથી શણગારીને ગયા હતા તેવું વર્ણન તે સમયની માનસિકતા છતી કરે છે. તેરા ઠાકોરના કુંવર ડાડુભાના લગ્નમાં પણ તેઓ સામેલ થયા હતાં તેનું વર્ણન પણ તેમણે કર્યુ છે. કુંવર ડાડુભાના લગ્ન સમયે શાળાના ટાવર પર મોટી મોટી લાઈટોની રોશની કરવામાં આવી હતી. તેરાના ત્રણ સુંદર તળાવોનું વર્ણન તેમના આ પ્રવાસ વર્ણનમાં છે.

     મોથાળાના રોકાણ દરમિયાન રતનશી ભોજકે મગનલાલભાઈને એક અવનવો પ્યાલો ભેટ આપ્યો હતો તેની વિગત નોંધતા લખે છે કે 'આ પ્યાલામાં પાણી નીચેથી ભરાય પણ ઉપરથી કંઈ નહીં’. આ નાની હકીકતથી કચ્છની એ સમયની કારીગરીની જાણકારી મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution