અમદાવાદ-
સમગ્ર ગુજરાતમાં અને દેશ ભરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવશે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાર્વજનિક ગણેશ સ્થાપન માટે 4 ફૂટ સુધીની મૂર્તિઓની સ્થાપન કરવા માટે સરકારે મંજૂરી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવવામાં આવશે . જેમાં કુલ 37 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવશે. સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ ના શાસકોએ લોકો ગણેશ વિસર્જન કરી શકે તેના માટે લાઈટ, પાણી, ક્રેન અને અન્ય વ્યવસ્થા કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે ગણેશ વિસર્જનના કુંડ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને 20 બાય 20ના કુંડ બનાવવામાં આવશે. ચાર ઝોનમાં નાના અને મોટા કુલ 37 જગ્યાએ કુંડ બનાવવાની તૈયારી કોર્પોરેશન એ કરી છે. જેમાં મધ્ય ઝોનમાં 16, પશ્ચિમ ઝોનમાં 10, ઉત્તર ઝોનમાં 6 અને દક્ષિણ ઝોનમાં 5 કુંડ બનાવવામાં આવશે. મધ્ય ઝોનમાં 7 ફૂટ ઊંડાઈ વાળા મોટા 11 અને નાના 5 કુંડ બનાવવામાં આવશે. અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે આ ગણેશ વિસર્જન કુંડ તૈયાર થશે. પોલીસ જાહેરનામા અને કોરોના ગાઈડલાઈન નો ભંગ ના થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવશે.
શહેરમાં સાર્વજનિક ગણેશોત્સવ અને લાઉડ સ્પીકર વગાડવાની માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરમિશન લેવાની રહેશે. ગણેશોત્સવની પરમિશનની સાથે વિસર્જન તેમજ સરઘસ માટે પણ અરજી કરવાની રહેશે. સરકારના જાહેરનામા મુજબ સાર્વજનિક ગણેશોત્સવ માટે 4 ફૂટ અને ઘરમાં બે ફૂટની મૂર્તિની જ સ્થાપના કરી શકાશે. તમામે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ગણેશ પંડાલ માં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કુંડાળા કરવાના રહેશે. પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ જ કરી શકાશે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી નહિ શકાય. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન માટે નીકળવામાં આવતા સરઘસ માટે પણ પોલીસ પરમિશન લેવાની રહેશે. સરઘસમાં વધુમાં વધુ 15 લોકો જ જોડાઈ શકશે. સરઘસમાં પરમિશનમાં આયોજક અને તેમાં જોડાનાર લોકોના નામ સરનામાં આપવાના રહેશે. રૂટ અને મૂર્તિ વિસર્જન સ્થળની પણ વિગત આપવાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવાનું રહેશે. ઘરમાં સ્થાપના કરેલી મૂર્તિઓનું ઘરે જ વિસર્જન કરવાનું રહેશે.