જીવનની ભાત દીસે શ્યામ તારા મોરપીંછમાં
રોમ રોમ રંગાયું તારી ભક્તિની રંગતમાં
સૂર્યદેવ જાણે વર્ષારાણી પર નારાજ હોય તેમ, ઓગષ્ટ મહિનાની વરસાદી વાતાવરણમાં પણ અસહ્ય ગરમી અને સખત તાપના ભંવરમાં આમ આદમી કેદ થઈ ચૂક્યો હતો. નાનકડી ખુશીના ચહેરા પરની બધી ખુશીઓનું સ્થાન ત્રણ ચાર દિવસની ભૂખ અને તરસની પીડાએ લઈ લીધું હતું. પોતે જે નિશ્ચય કર્યો હતો તેને એક સપ્તાહ વિતી ગયું હતું. નાનામોટા કામ કરી પૈસા એકઠા કરી રહી હતી. છતાં હજુ મંઝિલ તો જાણે ઘણી દૂર હતી. તેની માસૂમ આંખોમાં પોતાની નહીં, પણ પોતે ખુદને આપેલ વચનની ચિંતા હતી. નિર્ધાર એટલો મક્કમ હતો કે પાછા વળવાનો તો સવાલ જ નહતો.
ખુશી પોતાના માધવને યાદ કરતી રસ્તા પર ચાલી રહી હતી. શરીર હવે સાથ આપવા તૈયાર ન હોય તેમ ચક્કર આવતા તે લકઝરી કાર સાથે અથડાઈ. માથામાં લોહીની ધારા વહેવા લાગી, પણ કૃષ્ણના નામનું રટણ ચાલુ હતું.
આંખો બંધ થતાં પહેલાં નજરો સામે પોતાની જીંદગીનો ફ્લો ચાર્ટ ઉપસી આવ્યો.
“અલી શું આખો દિવસ હસ્યા કરે છે? ચાલ જા અહીંથી. કૃષ્ણ ભગવાનને જાેઈ ખુશ તો એવી થાય જાણે ભગવાન પણ તને જ જુએ છે!” મંદિરના પૂજારીએ ફરી એકવાર ખુશીને મંદિરમાંથી કાઢતા બરાડો પાડ્યો.
“હા..મારા કૃષ્ણની ખુશી તો હું જ છું. પૂજારીકાકા, તમે મને અહીંથી ગમે તેટલી વાર બહાર કાઢશો પણ મારા કૃષ્ણ મને ફરી અહીં લઈ જ આવશે. મારા વગર તો તેમને પણ ક્યાં ગમે છે! એટલે જ તો હું અહીં જ રહેવાનું પસંદ કરું છું.” આઠ વર્ષની ઉંમરમાં તેના વિચારોની પરિપકવતા જાેઈ પૂજારીકાકા પણ ઘણીવાર આભા બની જતાં.
“વાહ મારા કાનુડા.. તંે તો મને નામ આપી દીધું. હા, હું જ તારી ખુશી!” ત્યારથી ખુદને ખુશી નામ આપી, કશું પાસં ન હોવા છતાં બસ કૃષ્ણને જાેઈ તે ખુશીઓના આસમાનમાં વિહરતી.
ફૂટપાથની નજીક આવેલ કૃષ્ણ મંદિરનો બહારનો ઓટલો જ ખુશીનું નિવાસ સ્થાન. મેલાઘેલા કપડામાં પણ તેની ભાવવાહી આંખોનું તેજ અત્યંત દિવ્ય ભાસતું હતું. જીંદગીએ ઘણો અન્યાય કર્યો હતો છતાં પણ ખુશીના ચહેરા પર શિકાયતની એક લકીર પણ જાેવા ન મળતી.
મોટાભાગનો સમય તે મંદિરના ઓટલે બેસીને જ કાઢતી આખો દિવસ ફૂલમાંથી સુંદર હાર ગુંથતી, જેથી પોતાના પ્રિય કાનુડાને પહેરાવી શકે.
“પૂજારીકાકા, આજે તો જુઓ, કેટલો સુંદર હાર ગુંથ્યો છે. આ હાર મારા કૃષ્ણને મારા હાથે પહેરાવવા દો ને.”
“ચલ હટ, વેશ જાેયા છે તારા. કપડામાંથી તો કેટલી વાસ આવે છે. ભગવાનને હાર પહેરાવવો હોય તો તારા આ ગંદા હાથથી ગૂંથેલ નહીં પણ હીરા માણેક જડેલ સુંદર લઈ આવ. પણ એ તારી ઓકાત નથી.” કહેતા પૂજારી અટ્ટહાસ્ય કરવા લાગ્યાં.
પહેલીવાર તેનું કોઈ વાક્ય ખુશીને પારાવાર વેદના આપી ગયું. તેની આ હાલત જાેઈ પૂજારીને જાણે ખુશીને ભગાડવાનો રસ્તો મળી ગયો હોય તેમ તે વધુ ગુસ્સા અને કટાક્ષમાં બોલ્યાં, “તું આ મંદિરમાં આવી ભગવાનની પૂજા કરવાનું સપનું જાેવાનું બંધ કરી દે. કેમ કે ભગવાનના શ્રૃંગાર ખરીદવા ઘણા રૂપિયા જાેઈએ. વળી આરતી ઉતારવા કે બીજું કશું ધરાવવા તારે બધી વસ્તુઓની સાથે સાથે તારે ખુદના હાલહવાલ પણ સુંદર કરવા પડશે. અને આ બધું જ કરવા ઘણા રૂપિયાની જરૂર પડે. એટલે છોકરી, તું તારી જીદ છોડી કોઈ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પકડી લે. ત્યાં કોઈ ખૂણામાં પડી રહેજે. ત્યાં તને તારી વસ્તુ ખરીદનાર મળશે અને મને તારાથી છુટકારો!”
અત્યાર સુધી સડસડાટ જવાબ આપનાર ખુશી પાસે આજે બોલવા માટે કોઈ શબ્દ જ નહતા. રોજ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેનાર ખુશીનાં ચહેરા પર ઉદાસી અને દુઃખની લાગણી તરવરી ઊઠી. તેની માસૂમ આંખો આંસુઓથી છલકી ઊઠી.
આખો દિવસ તે મંદિરથી દુર સુન્ન થઈ પડી રહી. પણ પોતાના હ્રદયમાં બિરાજમાન કૃષ્ણથી તે દૂર ક્યાં સુધી રહી શકે! બીજા દિવસે કંઈક નિશ્ચય કરી તે ઉભી થઈ.
રોજ કરતા વહેલા મંદિરમાં આવી.મંદિરમાં હજુ તાળું હતું. પણ જાળીમાંથી ભગવાન દેખાઈ રહ્યા હતાં.
તે હાથ જાેડી ઉભી રહી અને બોલી,“ કૃષ્ણ! આખરે તારે પણ મારી ભક્તિની સાબિતી જાેઈએ છે. એટલે જ તો તે આ પરિસ્થિતિ ઊભી કરી. પણ ઠીક છે. હું તે આપેલ દરેક ચુનૌતી સ્વીકારવા તૈયાર છું. હા, પણ એક વાત યાદ રાખજે, મારી હાર થશે તો તારી પણ હાર થશે. અમે તો તારા હાથની કઠપૂતળી છીએ. અસલી ખેલાડી તો તું જ છે. જાવ છું આજે અહીંથી. પરત ત્યારે જ આવીશ જ્યારે તારા શ્રૃંગાર મારા હાથમાં હશે. એ પણ તને શોભે તેવા! મને તારા પર શ્રદ્ધા છે. શ્રદ્ધાનું આ વહાણ ડુબાડવું કે તારવું તે તારા હાથમાં.”
આખો ચિતાર પૂરો થયો અને ખુશીની આંખો ખુલી. ખુદને એક વિશાળ મહેલ જેવા ઘરમાં જાેઈ તે આભી બની ગઈ.
ત્યાં જ એક સજજન આવ્યા અને બોલ્યાં, “દીકરી, મારી ગાડીની ટક્કર વાગતાં તારી આ હાલત થઈ. એક આખો દિવસ તું બેહોશ રહી, પણ હવે તું એકદમ ઠીક છે.”
ખુશી હજુ અશક્ત હતી પણ, સજ્જનના ચહેરાનું તેજ તેને શકિત આપતું હોય તેમ તે તેમને પગે લાગતા બોલી, “મારો જીવ બચાવ્યો તે માટે તમારી આભારી છું. મારે હમણાં જ કૃષ્ણમંદિર પહોંચવું છે.”
“દીકરી, આજે જન્માષ્ટમી છે અને બાર વાગ્યે કૃષ્ણ જન્મમાં આ શ્રૃંગાર ચડાવવો છે. વર્ષોથી તારા જેવી દીકરીની ખેવના હતી. અને મારા ગોપાલે તને મોકલી. હવે પૂજા તો તારા હાથે જ થશે.” ખુશીની આંખોમાંથી સ્નેહધારા વરસી પડી.
આખું કૃષ્ણ મંદિર અવનવી રોશનીથી ઝળહળતું હતું. રાતના બાર વાગવામાં થોડો જ સમય બાકી હતો. ત્યાં જ પીળા પીતાંબરધારી એ સજજને મંદિરમાં પ્રવેશ કર્યો.
તેમને જાેઈ પૂજારી તેમની આગતાસ્વાગતા કરતા બોલ્યાં, “આવો, આવો, ભૂદેવ! તમારી જ પ્રતીક્ષા હતી. કાલે તમે કહી ગયા હતા ને! ભગવાનનો શ્રૃંગાર અને આરતી તમારા હાથે જ થશે.”
“પૂજારીજી, આજે તો મારી દીકરી જ બધું કરશે.” ત્યાં જ સુંદર ચણિયાચોળીમાં તૈયાર ખુશીએ હાથમાં કૃષ્ણના તમામ શ્રૃંગારનો થાળ લઈ પ્રવેશ કર્યો.
પૂજારી તો વિસ્ફારિત નયને જાેતા જ રહી ગયાં. ખુશી એક રાજકુમારી જેવી લાગતી હતી. તેણે પોતાના માધવને શ્રૃંગાર અર્પિત કર્યો અને બાર વાગતાં તેના જ હાથે પારણું ઝુલાવી આરતી કરાઈ.
પોતાનો નિશ્ચય અને જીવનની સૌથી મોટી આરઝુ પૂરી થતાં ખુશીની ખુશી રોમરોમમાં વ્યાપ્ત થઈ રહી હતી. તેના ચક્ષુઓના નીર તળે ભગવાનની લીલા પથરાઈ રહી.
કૃષ્ણની મૂર્તિમાં એ જ પીળા પીતાંબરધારી સજજનને નિહાળી ખુશી બધું જ સમજી ગઈ. પૂજારી પણ પ્રભુની લીલા જાેઈ પશ્ચાતાપમાં પીગળવા લાગ્યાં. તેમણે ખુશીના માથા પર હાથ મૂકી કહ્યું, “ દીકરી,જેના પિતા માધવ હોય તેનો અનાદર હું કેવી રીતે કરી શકું? મને માફ કરી દે. આજથી આ મંદિરની સાચી ધરોહર તું છે. અહીં મારા જેવા પૂજારીની નહીં, તારી જેવા ભક્તની જરૂર છે.”
ખુશીની સાથે આખું મંદિર ‘હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલકી’ના નાદથી ગુંજી ઉઠ્યું.
Loading ...