કૃષ્ણ: ભક્તોના જીવનરથનો સારથી

આવતીકાલે જન્માષ્ટમી છે. દરેક ગલી, મહોલ્લા, મંદિરો, દેરીઓ અને હવેલીઓ તથા જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ મૂર્તિસ્વરૂપે પૂજાય છે ત્યાં તેમનો જન્મોત્સવ ઉજવાશે. કૃષ્ણ મોટાભાગે આપણી સ્મૃતિમાં ચમત્કારિક વ્યક્તિ અથવા તો ભગવાન રહ્યા છે પણ જાે ખરેખર તેમના જીવનને સમજીએ તો જણાશે કે તેમણે પરિસ્થિતિમાં રહીને સ્થિતિ બદલવાના ઉપાયો આપ્યા છે. પોતે પીડા સહન કરીને બીજાને સ્મિત કરાવવાની સહજતા તેમનામાં છે. કૃષ્ણની બાળલીલા ઉપર નજર કરીએ તો સમજાય છે કે, કૃષ્ણ એટલે મોરલી, મોરપીંછ અને માખણ. જ્યાં કૃષ્ણ હોય ત્યાં આ બધું જ હોય. વાંસળી વગાડીને ગોપીઓ, ગાયો અને ગોકુળવાસીઓને વૃંદાવનમાં બોલાવી શકતા હોય તો તેમના સ્નેહની પરાકાષ્ઠા કેવી હશે તેની કલ્પના જ કરવી રહી. માત્ર ટચલી આંગળીએ ગોવર્ધન ઉંચકી લીધો. ટચલી આંગળીએ ગોવર્ધન ઉચકનારા અને બે હાથે વાંસળી પકડીને વગાડનારા કૃષ્ણને તેમના વ્યક્તિત્વ, તેમની જવાબદારીનું સુપેરે ભાન હતું. માખણ ચોરી શકે અને ચોરાયેલો શ્યમન્તક મણી શોધી પણ શકે. ગોપીઓના ચીર ચોરે અને હસ્તિનાપુરની રાજસભાથી જાેજનો દૂર રહીને પણ દ્રૌપદીના ચીર પૂરી શકે તે પરાક્રમ પણ કૃષ્ણ પાસે જ હતું. તે છાતી ઠોકીને કુરુક્ષેત્રમાં કહી શકતા હતા કે, હે પાર્થ, હું જ ભગવાન છું. હું જ ઈશ્વર છું.

કૃષ્ણની કેટલીક બાળલીલાઓ અને વિષ્ણુના અવતારની લોકવાયકાઓ અદભૂત છે. કૃષ્ણની માટલી ફોડવાની આદતથી આખું ગોકુળ વ્યથિત હતું. માત્ર થોડી ઘણી ગોપીઓ જ તેમાંથી બચી જતી હતી. એક વખત આવી જ એક ગોપીને ગામની બીજી ગોપીઓએ પૂછ્યું કે, કૃષ્ણ અમારી માટલીઓ ફોડી નાંખે છે પણ તારી કેમ ફોડતો નથી. ગોપી જવાબ આપે છે કે, મારો નાથ માધવ જાણે છે કે, આપણા માથે જાે અહમના માટલા હશે તો આપણે આગળ નહીં વધી શકીએ. મનના માટલા ખાલી હશે તો આ મોરારિ તેને ભરી દેશે પણ જાે અહમના માટલા ભરેલા હશે તો મનમોહન તેને તોડ્યા વગર રહેશે નહીં.

આ એક જ ઈશ્વર છે જેને તુંકારો કરીને પણ સ્નેહ કરી શકાય છે. કૃષ્ણ એક જ એવો ઈશ્વર છે જે આપણને દરેક સ્વરૂપે ગમે છે, ગમતો આવ્યો છે અને કદાચ યુગો સુધી ગમતો પણ રહેશે. કૃષ્ણ એક જ એવા ભગવાન છે જે પોતે જીવીને આવ્યા છે તેના પછી લોકોને કહે છે કે, કેવી રીતે જીવવું જાેઈએ. તેમની પાસે દરેક સમસ્યાના પ્રેક્ટિકલ સોલ્યુશન છે. તેમના દ્વારા કહેવાયેલી ભગવદ ગીતા આજના સમયમાં પણ મેનેજમેન્ટ ગુરુઓને ઘુંટણીયે લાવી દે તેટલી અસરકારક છે.

તેર વર્ષની ઉંમરે યાદવંના ભાગ્યવિધાતા બન્યા તો બીજી જ ક્ષણે સત્તા અને પાવરને લાત મારીને નોલેજ માટે શિક્ષણ માટે સાંદિપનીના શરણે જતા રહ્યા. ગોવર્ધન ઉચકીને આખા ગામને બચાવી લે ત્યારે તેઓ સમગ્ર સૃષ્ટિને સમજાવે છે કે, આ મારા માટે તુચ્છ કામ છે. પણ આ જ માધવ જ્યારે મોરલી વગાડે ત્યારે તેમને બે હાથ જાેઈએ. કારણ કે તેમને ખબર છે કે, પ્રેમ અને સ્નેહ સાથે કેટલી જવાબદારીઓનો ભાર રહેલો છે. બીજી વાત એવી છે કે, કૃષ્ણ વિઝન, રિઝન, ઈનોવેશન અને સોલ્યુશનના ઈશ્વર છે. ૨૧મી સદીના યુવાનોને મોટિવેશન આપનારા ગુરુ છે તો લાખો વર્ષો પહેલાં માત્ર અર્જુનને આખેઆખી ગીતા સંભળાવીને ધર્મયુદ્ધ કરાવનારા યોગેશ્વર કૃષ્ણ છે. આપણે વિષાદયોગથી માત્ર અર્જુનને ઓળખીએ છીએ. ક્યારેય વિચાર કર્યો છે કે, આ સ્થિતિમાં ક્યારેક કૃષ્ણ પણ પોતે હતા. આ બધું સહન કરીને બેઠેલી વ્યક્તિ કૃષ્ણ કુરુક્ષેત્રમાં વલોપાત કરતા અર્જુનને ગીતા સંભળાવે છે.

કૃષ્ણ અવતારમાં માત્ર અર્જુનને જ આ સુખ કેમ સાંપડ્યું. ક્યારેય વિચાર્યું છે. અર્જુન પોતાના મનની દરેક વાતો, દરેક શંકા, દરેક ભય અને દરેક પીડા રજૂ કરે છે. યોગીઓના યોગી એવા કૃષ્ણ ત્યારે સારથી સ્થાનેથી ઊભા થાય છે અને જે તર્જનીએ સુદર્શન ચક્ર ધારણ કરે છે તે જ તર્જની અર્જુન સામે તાકીને શબ્દોના સુદર્શન ચલાવે છે. અર્જુનને ખાલી થવા દે છે અને પછી તેને ભરે છે. અર્જુનના અજ્ઞાનનો અંધકાર ચારેકોર ફેલાય છે પછી તે જ્ઞાનનો સુર્યોદય કરે છે. કૃષ્ણ હંમેશા મદદ કરે છે. તે લોકોની સાથે રહે છે, તેમને માર્ગ બતાવે છે અને માર્ગદર્શન પણ આપે છે. આ બધું કરવા માટે પહેલાં અર્જુન થવાના કાબેલિયત હોવી જાેઈએ છે. કૃષ્ણ નામના કુવાનું જળ ગ્રહણ કરવું હોય તો મનના ઘડાને ઉચેલીને ખાલી કરવો પડે. ડિપ્રેશન અને ઈમ્પ્રેશન બંને દૂર કરવા તેમના માટે રમત વાત છે પણ તમારે તેમની રમતમાં જાેડાવું પડે.

આવી માર્વેલસ જિંદગી જીવેલો એક વ્યક્તિ એટલે મેઘધનુષી માધવ. આ માધવ એટલે કેવા જે સરાજાહેર કહે કે વેદોમાં હું સામવેદ છું, ઋતુઓમાં હું વસંત છું, હું કામદેવ છું. અર્જુન હું જ ઈશ્વર છું. આ માધવ એટલે એવા ઈશ્વર જેની પ્રતિભા અત્યંત પ્રાચીન છે છતાં વિચારો આધુનિક છે. તેમની કથાઓ ચમત્કારિક છતાં માનવતાથી ભરેલી છે. એક એવા ઈશ્વર જે તમારી સમસ્યાનું પ્રેક્ટિકલ સોલ્યુશન આપે. જે યુદ્ધે ચડે તો સુદર્શન ફેંકે અને પ્રેમમાં પડે તો વાંસળી વગાડીને પરાસ્ત કરી નાખે. એંગ્રી યંગમેન હોય છતાં વૃંદાવનમાં નૃત્ય કરે ત્યારે ચોકલેટી હીરો જેવા અલગ તરી આવે. જે મૂળને છોડે નહીં છતાં સતત નવીનતા સાથે વિકસતા રહે.

તેના કારણે જ દેવકીનો દેવકીનંદન, યશોદાનો કનૈયો, રાધાનો રમણ, ગોકુળનો ગિરિધર, મથુરાનો માધવ, વ્રજની નારનો વ્રજેશ, અર્જુનનો કૃષ્ણ, યાદવોનો કેશવ, ધરતીને પાપ મુક્ત કરનારો મધુસુદન અને સમગ્ર વિશ્વને પોતાના વિરાટસ્વરૂપની છત્રછાયા હેઠળ રાખનારો દ્વારકાધિશ આપણને ગમે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution