કૃષ્ણ રાધાઃ સાત ભાવથી પરે આઠમો મહાભાવ

વિરહની વેદનાનો સૂર હૃયમાં જેટલો ધારદાર,

તેટલો જ મિલનનો મલકાટ આંખોમાં અપરંપાર.

– નીરવ જાેશી ‘વેદાર્થ’

અરબી સમુદ્રની લહેરો સાથે સમી સાંજે ઊછળતા રાધામય બનેલા કૃષ્ણનું શબ્દચિત્ર પ્રેમીહૃદયનું સૌથી શ્રેષ્ઠતમ સ્પંદન છે. હજારો સ્ત્રીઓથી ઘેરાયેલા કૃષ્ણની પ્રેમિકાનું નામ લેવાનું મન થાય તો કેમ રાધાનું જ નામ આપણા હોઠ પર આવે છે? કેમકે કૃષ્ણ-રાધા બંનેએ એકબીજાંને પામીને પણ પામવા માટે હંમેશાં પ્રતિક્ષા જ કરી છે.

અધૂરી સાંજે

ઊભો હું અટારીએ

ઉરે રાધા જ.

આમ તો પ્રેમ અને પીડા બંને એકબીજાના સમાનાર્થી શબ્દો જેવા જ છે... પ્રેમ અને પીડા શું છે? તેના માટે રાધામય બનેલા કૃષ્ણના વિચારરસમાં નહાવું, ડૂબવું જ રહ્યું.

વેદના અને આનંદ એ બે માનવહૃદયની એવી ભાવસ્થિતિઓ છે, જેમાં એકમાં વેદના કે જે સૂવા નથી દેતી અને બીજાે આનંદ, જેમાં આપણે સૂવા માંગતા નથી. અને જ્યારે આ સંવેદનાઓ માનવસ્વરૂપે કૃષ્ણ અનુભવે ત્યારે એક નવા પ્રેમની પરિકલ્પના રચાય છે. રતિ, સ્નેહ, માન, પ્રણય, રાગ, અનુરાગ અને ભાવ – આ સાત ભાવોને પાર કરી આઠમા મહાભાવમાં પ્રવેશતાં કૃષ્ણ અને રાધાના પ્રેમની અને પીડાની વાત...

ભાવ જગતનું ખૂબ સુંદર તથ્ય છે અને જેને વિજ્ઞાનીઓ ટેલિપથી નામે ઓળખે છે. જ્યારે તમારું હૃદય કોઈ વ્યક્તિના હૃદય સાથે જાેડાઈ જાય ત્યારે સ્થળ કે કાળથી પર એ તમારા મનના તરંગો તે વ્યક્તિ સુધી પહોંચી જાય છે અને તમારું મન ને તન તે વ્યક્તિના આનંદમાં આનંદિત અને દુઃખમાં ઉદાસીનતા અનુભવે છે. આ જ ટેલિપથીને કારણે શ્રીકૃષ્ણ અને રાધાનો વિરહ અને પ્રેમ પીડા સ્વરૂપે વ્યકત થાય છે.

વિચારોનું આકર્ષણ અને સૌંદર્ય

સારા વિચારો માણસને ખેંચે છે, પ્રેરે છે, શીખવાડે છે, સહજ બનાવે છે અને મનની સુંદરતાને તનની, વ્યક્તિત્વની સુંદરતામાં પરિવર્તિત કરે છે. એમાં પણ જ્યારે તેને દિવ્યતાનો સ્પર્શ થઈ જાય ત્યારે બંને પ્રિયજન વચ્ચેનું વાતાવરણ જ અલગ બની જાય છે. જેમ આ રીતે આપણે ખુશ હોઈએ તો આસપાસની પ્રકૃતિ નાચવા લાગે છે તેમ રાધાજીની ખાલી ભૂતકાળની વાતો ને વિચારો જ શ્રીકૃષ્ણને આજીવન અભિભૂત કરવા માટે પૂરતાં હતાં.

સ્મૃતિ અને વિસ્મૃતિ ઈશ્વરના બે આશીર્વાદ. સ્મૃતિ એટલે ઈશ્વર પાસેથી આપોઆપ મળેલી એક ચમત્કારિક ઔષધિ જે વ્યક્તિને સફળ બનાવે છે, અને વિસ્મૃતિ એટલે ઈશ્વર પાસે માંગેલી સર્વ પીડા અને વેદનાઓને ભૂલવાની ઔષધિ, એ વેદનાઓ જે સફળતાને માણવા નથી દેતી. અને એટલે જ ઈશ્વરીય કૃપાથી જે વ્યક્તિ સાચા પ્રેમનો અનુભવ કરી લે છે તેને પીડામાં પણ પ્રેમ જ અનુભવાય છે.

પ્રેમ આપણને પીડા આપે તે તો સમજાય છે, પરંતુ પીડા આપણને પ્રેમ આપી શકે? હા, આપી શકે કારણ કે પીડા એ સૌથી મોટો શિક્ષક છે. આપણે આપણી જાત પ્રત્યે જાગૃત થઈએ છીએ આપણે પોતાની જાતને અભિનંદન આપવા જાેઈએ, કારણ કે સાચા પ્રેમ વિના તો પીડા જ શક્ય નથી અને તે સાચો પ્રેમ કરી શકવાની ક્ષમતા આપણામાં છે. પ્રેમની પીડા આપણને કોઈ સુંદર કળા તરફ વાળે છે.

તો પ્રેમમાંથી પીડા?

કે પીડામાંથી પ્રેમ?

શું મેળવવું તે તો આપણા પર ર્નિભર છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution