મુંબઇ-
દેશમાં સૌથી વધારે કોરોના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયેલા છે.આજે રાજ્યસભામાં આ મુદ્દે મહારાષ્ટ્રનો બચાવ કરતા શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ભાજપના મંત્રી પર ટોણો માર્યો હતો.
રાઉતે કહ્યું હતુ કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે.ધારાવી જેવા વિસ્તારમાં પણ કોરોના પર નિયંત્રણ મેળવી શકાયુ છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ મામલામાં મુંબઈ કોર્પોરેશનના વખાણ કર્યા છે.આ બધા તથ્યો એટલા માટે મારે કહેવા પડી રહ્યા છે કે, કેટલાક સભ્યોએ કાલે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી.
રાઉતે કહ્યું હતુ કે, કેન્દ્રના મંત્રી અર્જુન મેઘવાલે કોરોના સામે લડવા પાપડ ખાવાની સલાહ આપી હતી.મારે અહીંયા સભ્યોને પૂછવુ છે કે, આટલા બધા કોરોનાના દર્દીઓ શું ભાભીજીના પાપડ ખાઈના સાજા થયા છે...આ કોઈ રાજકીય લડાઈ નથી.લોકોની જીંદગી બચાવવા માટેનો જંગ છે.
આ પહેલા જ્યારે ભાજપના સાંસદોએ કોરોનાના સૌથી વધારે કેસના મામલે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી ત્યારે સાંસદ જયા બચ્ચને ઉધ્ધવ સરકારનો બચાવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં બુધવારે કોરોનાના 23000 નવા કેસ નોંધાયા છે.તેની સામે 17000 જેટલા લોકો સાજા થયા છે.નાગપુરમાં તો શનિવાર અને રવિવારે જનતા કરફ્યુ લગાવવા માટે ર્નિણય લેવાયો છે.