સુરત-
રાજકીય કાર્યક્રમો અને નેતાઓને કોરોનાની ગાઇડલાઇન લાગુ ન પડતી હોય તેવો બનાવ ફરી સુરત શહેરમાં સામે આવ્યો છે. અહીં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યક્રમમાં જ કોરોનાની ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ થયો હોય તેવો બનાવ સામે આવ્યો છે. આ અંગેની તસવીર અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. આ તસવીર ફરતી થતા જ લોકો સવાલ પૂછી રહ્યા છે. કે શું રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષો માટે યોજાતા કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડલાઇન લાગુ નથી પડતી? શું નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ છે? શું રાજકીય નેતાઓ અને પક્ષોને કોરોનાની ગાઇડલાઇનના પાલનમાંથી મુક્તિ મળે છે? આ માટે મંજૂરી લેવાની શું કોઈ ખાસ વ્યવસ્થા છે? મળતી માહિતી પ્રમાણે થર્ટી ફર્સ્ટના સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
લોકો ઉજવણી માટે બહાર ન નીકળી પડે તેમજ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ મોડી સાંજે રૂસ્તમપુરાની એક વાડીમાં ભાજપની પેજ કમિટીના સભ્યોને પેજ કમિટી કાર્ડ વિતરણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સી.આર.પાટીલ ઉપરાંત ભાજપના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકઠા થયા હતા. સ્વાભાવિક છે કે ભીડ એકઠી થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ કે અન્ય કોઇ નિયમોનું પાલન ન થાય. અહીં અનેક કાર્યકરો માસ્ક વગર જાેવા મળ્યા હતા. કાર્યક્રમ ખાતે સી.આ. પાટીલે ભાષણ આપ્યું હતું. કાર્યક્રમ બાદ કાર્યક્રોએ સી.આર. પાટીલ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ સી.આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. અહીં તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અનેક નેતાઓ અને કાર્યકરો કોરોના સંક્રમિત થયા હતા. ખુદ પાટીલ પણ કોરોના સંક્રમિત થયા હતા અને તેમણે અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લીધી હતી.