જાણો, અધિકમાસની ઉપાસનાનું વૈજ્ઞાનિક મહત્વ કેટલું?

આ વર્ષે 18 સપ્ટેમ્બરથી શરૂ થયેલ અધિકમાસ બે રીતે વિશિષ્ટ છે. એક તો લીપયરમાં આસો અધિક માસ આવ્યો છે એટલે કે લીપયર અને આસો અધિકમાસ સાથે આવ્યા છે. જે અગાઉ ૨૦૦૧માં આવેલા પરંતુ તે વખતે લીપયર સાથે નહોતું. આ વર્ષ જેવો વિશિષ્ટ સંયોગ ૧૬૦ વર્ષ પહેલાં 1860માં આવેલો એ દૃષ્ટિએ આ વખતનો અધિકમાસ વિશિષ્ટ છે. 

અધિકમાસના બે મુખ્ય નામ છે. ૧) મળમાસ અને ૨) પુરુષોત્તમમાસ. અધિકમાસનું વિજ્ઞાન સમજતા પહેલા એ સમજી લઈએ કે અધિકમાસને આવા બે ભિન્ન અને એકબીજાથી સંપૂર્ણ વિરોધી નામે કેમ ઓળખવામાં આવે છે. કેમ કે 'મળ' અશુદ્ધિનો સૂચક છે જ્યારે 'પુરુષોત્તમ' શ્રેષ્ઠ, પવિત્ર અને શુદ્ધિનો સૂચક છે. તો આવો નામવિરોધાભાસ કેમ? સામાન્ય રીતે વર્ષ, માસ, દિવસ, ઘડી, મળ એ બધા કાળના વિભાગ છે. વળી આ બધા વિભાગોના જુદા જુદા અધિષ્ઠાતા દેવો હોય છે.

અધિકમાસ સંજોગોવશાત વધારાનો ઉત્પન્ન થયેલ મહિનો છે જેને કોઈ અધિષ્ઠાતા દેવ નથી જેથી તેને અશુદ્ધ કે અપવિત્રતાના સૂચક તરીકે 'મળમાસ' તરીકે ઓળખવામાં આવે છે. આ જાણ્યા પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે કોઈ માસ ઓચિંતો કે સંજોગોવશાત કેવી રીતે ઉદભવી શકે? તો આવો સમજીએ પ્રથમ તેનું વિજ્ઞાન. આપણે જાણીએ છીએ કે સૂર્યમંડળમાં કુલ ૨૭ નક્ષત્રો છે. નક્ષત્ર એટલે તારાઓનો સમૂહ. આવા સવા બે નક્ષત્ર ભેગા મળી એક રાશિ બને. સૂર્યમાળામાં કુલ 12 રાશિઓ છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે ત્યારે વારાફરથી સૂર્યની પાછળવાળી રાશિ ઢંકાઈ જાય. આ રીતે પૃથ્વી એક વર્ષે સૂર્યનું એક ચક્ર પૂરું કરે, જે કરતા પૃથ્વીને 365 દિવસ લાગે. આ 365 દિવસને બાર મહિના એટલે કે બાર વડે ભાગતા 30.5 આવે. એ જ રીતે ચંદ્ર પૃથ્વીની ફરતે એક ચક્કર ૩૫૪ દિવસમાં પૂરું કરે. આમ સૂર્યવર્ષ ૩૬૫ દિવસનું અને ચંદ્રવર્ષ 354 દિવસોનું છે. ચંદ્રવર્ષના ૩૫૪ દિવસ ભાગ્યા બાર મહિના કરતા જવાબ આવે 29.5. સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષના આવા દિવસોના તફાવતને લઈને દર વર્ષે ૧૧ દિવસનો તફાવત પડે. હવે આ જે 11 દિવસનો ફરક પડે તે અઢીથી પોણા-ત્રણ વર્ષે 29.5 દિવસો જેટલો થાય. જ્યારે ચંદ્રએ તો એકમથી અમાસ સુધીની યાત્રા પુરી કરી લીધી હોય, પરંતુ સૂર્યે પોતાનું ઘર એટલે કે રાશિ બદલી ન હોય. આવા મહિનાને હિંદુધર્મ અધિકમાસ તરીકે ઓળખે છે. 

આજનું વિજ્ઞાન જણાવે છે કે સૂર્યની સંક્રાંતિની જીવસૃષ્ટિ પર ખૂબ ગહેરી અસર થતી હોય છે અને ખૂબ ઉત્તમ અસર પણ થતી હોય છે. જે અધિકમાસમાં શક્ય બનતી નથી જેથી તેને અપવિત્ર માસ કહે છે. કેમ કે સૂર્ય દ્વારા થતી સફાઈ કે શુદ્ધિ આ માસમાં શક્ય બનતી નથી. વાતાવરણમાં અશુદ્ધિ વધે છે. સૂર્ય વાસ્તવમાં ભાગ્ય, શક્તિ, પ્રકાશ અને શ્રેષ્ઠતાનો કારક હોવાથી સૂર્યની સ્થિરતા શરીર, મન અને આત્મા પર ગહેરી અસર કરે છે. આમ પણ આપણે જાણીએ છીએ કે સૂર્યશક્તિથી જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. અધિકમાસની સૂર્ય સ્થિરતાની સ્વચ્છતા અને શુધ્ધતા પર અશુભ અસર ટાળવા વધુ સારા કાર્યો આવશ્યક છે. જેથી પૂજા-પાઠ, દાન-ધર્મ વધારીને અશુદ્ધિની અસરને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભાવિકો આ માસને મલિન, અશુદ્ધ કે અપવિત્ર સમજી સારા કાર્યો કરવાનું પસંદ કરતા નથી. આમ અપવિત્રતા કે અશુદ્ધિનો કારક અધિકમાસ મળમાસ તરીકે જાણીતો છે. શાસ્ત્રો અનુસાર આ રીતે તિરસ્કાર અને અપમાનથી દુઃખી અધિકમાસ ભગવાન વિષ્ણુની શરણમાં જાય છે અને પ્રભુ તેને આશીર્વાદ આપી કહે છે કે હું તને મારા ગુણો, કીર્તિ, પ્રભાવ અને પરાક્રમો આપું છું અને સૌથી મહત્વનું મારુ શ્રેષ્ઠ નામ 'પુરુષોત્તમ' (એટલે કે પુરુષોમાં ઉત્તમ) તને સમર્પિત કરું છું. જેથી આ માસને 'પુરુષોત્તમમાસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. એ દૃષ્ટિએ અધિકમાસ ભક્તિનો મહિનો છે. 

હિન્દુધર્મગ્રંથો જેવા કે 'ધર્મસિંધુ' અને 'નિર્ણયસિંધુ' મા અધિકમાસ અંગેના ઘણા નિયમો દર્શાવ્યા છે. જે અતિ વૈજ્ઞાનિક છે. જેમ કે ધ્યાન, યોગ, ભક્તિ, જપ, તપ,દાન, સ્નાન, પૂજા-પાઠ, નામસ્મરણ, ભાગવતકથાશ્રવણ-મનન, અનુષ્ઠાન વગેરે વગેરે. ટૂંકમાં અધિકમાસ એટલે સ્નાન, દાન અને ધ્યાનનો મહિનો. સ્નાન એ શુદ્ધતા અને પવિત્રતાનું સૂચક છે. દાન એ ઉદારતાનું સૂચક છે એટલે કે ત્યાગ અને વહેંચીને ખાવાની ભાવનાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જયારે ધ્યાન એટલે આત્મનિરીક્ષણ એટલે કે પોતાની ક્રિયા અને કર્મો તરફ ધ્યાન આપી યોગ્ય અને અયોગ્યને સમજવું. સંયમ અને નિયમિતતાના સિધ્ધાંત દ્વારા તન, મન અને આત્માની પુષ્ટિ કરવી. આમ અધિકમાસ એટલે સ્નાન, દાન અને ધ્યાન દ્વારા દેહશુદ્ધિ, મનશુદ્ધિ અને ચિત્તશુદ્ધિની વ્યવસ્થા. અધિકમાસમાં જો આ ત્રણ શુદ્ધિ થાય તો મનુષ્યનું કલ્યાણ થવું સ્વાભાવિક છે. એટલા માટે અધિકમાસમાં આહાર વિહારના ચોક્કસ નિયમો દર્શાવવામા આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution