વર્ષોથી ભારતમાં સૂર્યાસ્ત પહેલાં ભોજનની માન્યતા પર અમેરિકન સંશોધનકારોએ પણ મહોર મારી છે. તેમનો દાવો છે કે જો તમે સાંજે 6 વાગ્યા પછી ભોજન કરો છો તો તેનાથી મેદસ્વિતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે.
હકીકતમાં માણસના આરોગ્યની વાત આવે છે ત્યારે ‘આપણે શું ખાઈએ છીએ’ની સાથે એ પણ એટલું જ મહત્ત્વનું છે કે ‘આપણે ક્યારે ખાઈએ છીએ.’ અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે માનવશરીર તેની આંતરિક ઘડિયાળ પ્રમાણે પ્રતિક્રિયા આપે છે. આપણું પેટ પાચકરસ ઉત્પન્ન કરે છે અને રાત્રે પાચનતંત્ર ઓછી લાળ બનાવે છે. આ ઉપરાંત ભોજનને આગળ વધારતાં આંતરડા સંકોચાઈ જાય છે અને આપણે હોર્મોન ઈન્સ્યુલિન પ્રત્યે ઓછા સંવેદનશીલ થઈ જઈએ છીએ.
શરીરની આંતરિક ઘડિયાળ પર કામ કરતા કેલિફોર્નિયાની સાક ઈન્સ્ટિટ્યુટના પ્રો. સૈચિન પાંડાના કહેવા પ્રમાણે, શરીર આંતરિક ઘડિયાળનું ચુસ્ત પાલન કરે છે. આ વાતની પુષ્ટિ માટે ઉંદરનાં બે જૂથને એક સમાન કેલરી ધરાવતું ભોજન આપીને પ્રયોગ કરાયો હતો. ફર્ક ફક્ત એટલો હતો કે ઉંદરોના પહેલા જૂથની ભોજન સુધીની પહોંચ 24 કલાક હતી, જ્યારે બીજા જૂથને દિવસે આઠ કલાક જ ભોજન અપાતું. કેટલાક દિવસ પછી ખબર પડી કે પહેલા જૂથનું વજન વધ્યું હતું. આ જૂથમાં કોલેસ્ટરોલ પણ વધુ દેખાયું અને ટાઈપ-2 ડાયાબિટીસ જેવાં લક્ષણ દેખાવા લાગ્યાં. જ્યારે જે જૂથને નક્કી સમયે દિવસે ભોજન અપાયું હતું, તેઓ સ્વસ્થ જણાયા.
મહત્ત્વની વાત એ પણ સામે આવી કે બીજા જૂથમાં ટાઈપ-2 ડાયાબિટીસ સામે લડવાની ક્ષમતા વિકસી ગઈ હતી. અમેરિકન હાર્ટ એસોસિયેશનમાં રજૂ કરાયેલા આ સંશોધનથી માલુમ પડ્યું છે કે જે લોકો રાત્રે સૂઈ જાય તેના એક કલાક પહેલાં ભોજન કરે છે તેમનું શરીર લોહીમાં સુગર યોગ્ય રીતે નિયંત્રિત નથી કરી શકતું, પરંતુ દિવસે સમયસર ભોજન કરનારાનું શરીર બરાબર કામ કરે છે. પ્રો. પાંડા માને છે કે, સમયસર ભોજન આરોગ્ય માટે સારી બાબત છે કારણ કે તેનાથી આંતરડાંને પોતાની મરમ્મત કરવાનો પણ સમય મળે છે.
રોજેરોજ પાચન વખતે આંતરડાંની 10માંથી એક કોષિકાને નુકસાન પહોંચે છે. મોડી રાતે ભોજન અને સવારે ઝડપી બ્રેકફાસ્ટ કરવાથી આંતરડાને મરમ્મતનો સમય ઓછો મળે છે. એટલે દિવસે ભોજનનો સમય નક્કી કરો અને તેને વળગી રહો કારણ કે જુદા જુદા સમયે ભોજન કરવાથી પાચકરસ બનાવતી સિસ્ટમમાં ખલેલ પડે છે.