૨૦૨૩માં શાહરુખ ખાનની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી. ‘ડંકી’ તો બોક્સ ઓફિસ પર ધાર્યા મુજબનો ડંકો નહોતો વગાડી શકી, પણ ‘પઠાણ’ અને ‘જવાન’ની અધધધ સફળતાએ શાહરુખ ખાનની ખોરંભે ચઢેલી ગાડીને ફરી પાટા પર લાવી દીધી હતી. બોલિવૂડના બાદશાહની આગામી ફિલ્મ યશરાજ બેનરની અતિ સફળ ફ્રેન્ચાઇઝી ‘ધૂમ‘ની ચોથી કડી ‘ધૂમ ૪’ છે, જેમાં કિંગ ખાન વિલનની ભૂમિકા ભજવવાના છે. પણ ‘ધૂમ ૪’ રિલીઝ થાય એ પહેલાં બીજી એક ફિલ્મ રિલીઝ થવાની છે જેમાં શાહરુખ ખાન વિલન તરીકે જોવા મળશે. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની પહેલી ફિલ્મ ‘આર્ચિઝ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં સુહાનાના અભિનયની ખૂબ ટીકા થઈ હતી. નિષ્ફળ ગયેલી એક ફિલ્મથી સુહાનાને કોઈ ફાયદો ન થતા સુપર સ્ટાર પિતા દીકરીની વહારે આવ્યા છે. સુહાનાની કારકિર્દીની ગાડી પાટે ચડે એટલા માટે શાહરુખ ખાન ‘કિંગ’ નામની ફિલ્મ ર્નિમાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને સુહાના ખાન ઉપરાંત અભિષેક બચ્ચન પણ જોવા મળશે. સુજોય ઘોષના ર્નિદેશનમાં બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે ૨૦૨૫માં રિલીઝ થશે. હાલમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે આ ફિલ્મમાં તે ગેંગસ્ટરની ભૂમિકા ભજવશે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે અને એમાં મારધાડ સાથે ઈમોશનલ ડ્રામા પણ જોવા મળશે. કારકિર્દીની શરૂઆતમાં ૯૦ ના દાયકામાં જ્યારે કોઈ એક્ટર નકારાત્મક ભૂમિકા ભજવવા તૈયાર નહોતો ત્યારે શાહરૂખખાને ‘બાઝીગર’, ‘ડર’ અને ‘અંજામ‘ જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને સન્નાટો મચાવી દીધો હતો અને સુપરસ્ટાર પદ મેળવ્યું હતું. એ પછી શાહરૂખ ખાને ‘રઈસ’ અને ‘ડોન’ જેવી ફિલ્મોમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી. ‘કિંગ’માં જીઇદ્ભ ગેંગસ્ટરની ભૂમિકામાં કેવો રંગ જમાવે છે અને આ ફિલ્મથી એની દીકરીની કારકિર્દી કેટલી આગળ વધે છે, એ જોવું રસપ્રદ રહેશે.