વડોદરામાં ખુરાના ગ્રૂપને ત્યાં આઇટીના દરોડા  મોટી ગેરરીતિ ઝડપાવાની શક્યતા

વડોદરા લોકસભાની ચૂંટણી પહેલા શહેરના જાેય ઈ-બાઈક કંપનીમાં આઇટી દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું. ત્યારે હવે, ગુજરાતમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ ફરી એક વખત આઇટી દ્વારા વડોદરા અને અમદાવાદમાં એક સાથે ૨૭ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. ખુરાના ગ્રુપ સાથે સંકળાયેલાઓના વડોદરાના સુભાનપુરા વિસ્તાર સહિત ૭ સ્થળે દરોડા પડ્યા હતા. જયારે અમદાવાદમાં પણ આઇટી વિભાગની ટીમો દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આઇટી વિભાગ પાસે થોડા સમય પહેલા કેટલાક શંકાસ્પદ નાણાકીય વ્યવહારો આવ્યા હતા. જેની પણ તપાસ હાલ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, કંપનીની વડોદરા ઉપરાંત દેહરાદૂન, બેંગલુરુ અને ભોપાલ ખાતે પણ બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. આ તમામ ઓફિસમાં પણ આઇટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. શનિવારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વડોદરા અને અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વિભાગની ૨૭ જેટલી ટીમોએ વડોદરા અને અમદાવાદમાં જુદી જુદી ૨૭ જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો હતો. ટીમો તપાસ કરવા આપવામાં આવેલા સરનામે પહોંચ્યા બાદ જાહેર કરવામાં આવ્યું કે, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રકશન ઉપર રેડ શરૂ થઇ છે. જે બાદ ટીમો દ્વારા એકસાથે ઓફિસ અને ઘર ખાતે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. મોદી સાંજ સુધી સર્ચ ચાલી રહ્યું છે. જે આગામી બેથી ત્રણ દિવસ ચાલશે તેમ જાણવા મળી રહ્યું છે. આઇટી વિભાગ દ્વારા થોડા સમય પહેલા થયેલા શંકાસ્પદ ટ્રાન્જેક્શનની માહિતીના આધારે આજે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના ખુરાના ગ્રૂપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં આઇટી વિભાગની ટીમો સર્ચ શરૂ કર્યું છે. જયારે અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ સર્ચ ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સર્ચ બાદ મહત્વના ડોક્યુમેન્ટ અને ટ્રાન્જેક્શનની વિગત બહાર આવે તેવી શક્યતા છે. તાપસ દરમિયાન આગામી સમયમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તમામના બેંક લોકર અને અન્ય જગ્યાએ પણ તપાસ કરવામાં આવશે તે નક્કી છે. વડોદરામાં માધવ ગ્રૂપની સુભાનપુરામાં આવેલી સેન્ટ્રલ ઓફિસ પર આઇટી વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. તેની સાથે સાથે અન્ય ૬ જગ્યા પર પર તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખુરાના ગ્રુપ બાંધકામ અને સોલાર પેનલના કોન્ટ્રાક્ટના કામો સાથે સંકળાયેલી છે. એટલું જ નહીં કંપનીના હાલ ગુજરાતમાં અનેક સ્થળે બ્રિજ અને હાઇવે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. કંપનીની વડોદરા ઉપરાંત દેહરાદૂન, બેંગલુરુ અને ભોપાલ ખાતે પણ બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. આ તમામ ઓફિસમાં પણ આઇટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution