લોકપ્રિય કોમેડી શો ‘ખિચડી’માં ચક્કીનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ રિચા ભદ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિચાએ ઈન્સ્ટાગ્રામમાં આ અંગેની માહિતી આપી હતી. રિચા ઘરમાં જ ક્વૉરન્ટીન છે. રિચા હાલમાં જ પ્રયાગરાજથી પરત ફરી હતી. શરદી-તાવ હોવાને કારણે રિચાએ ટેસ્ટ કરાવ્યો હતો.
રિચાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, તમામને હેલ્લો, આજ સવારે મારો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મેં BMCને આ અંગે માહિતી આપી દીધી છે. હાલમાં હું હોમ ક્વૉરન્ટીન છું. મારામાં કોરોનાના માઈલ્ડ લક્ષણો છે. હું તમામને સલાહ આપીશ કે છેલ્લાં થોડાં દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો ટેસ્ટ કરાવી લે. મને પ્રાર્થનાઓમાં યાદ રાખો. મારી તબિયત સુધારા પર છે. મહેરબાની કરીને સુરક્ષિત રહો, પોતાનું ધ્યાન રાખો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રિચાએ કહ્યું હતું કે તે મુંબઈમાં એકલી હતી. પછી તેણે પોતાની માતાને બોલાવી હતી. ત્યારબાદ તે પતિ પાસે પ્રયાગરાજ જતી રહી હતી. થોડાં દિવસ પહેલાં જ તે પ્રયાગરાજથી મુંબઈ પરત ફરી હતી. તેની ગંધ તથા સ્વાદ પારખવાની ક્ષમતા જતી રહી હતી. આટલું જ નહીં તેને શરદી પણ થઈ ગઈ હતી. તેણે માતાને આ અંગે સવાલ કર્યો હતો અને પછી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘ખિચડી’, ‘બા, બહુ ઔર બેબી’ તથા ‘મિસિસ તેંડુલકર’ જેવી સીરિયલ્સ કર્યાં બાદ રિચાએ ‘ગુમરાહ’ સીરિયલનો એક એપિસોડ કર્યો હતો. રિચાએ 23 વર્ષની ઉંમરમાં જ વિવેક સાથે 2017માં લગ્ન કર્યાં હતાં.