આણંદ : ખંભાતનો પતંગ ઉદ્યોગ આ વખતે કોરોનાની ઝપટમાં આવી ગયો છે. કલાત્મક કારીગરીને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત ખંભાતનો પતંગ ઉદ્યોગ તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત મુંબઈ, કોલકાતા સહિતના વિવિધ શહેરોમાં પણ ખંભાતના પતંગોની માગ રહેતી હોય છે. વિદેશોમાં પણ ખંભાતનો પતંગ પહોંચી ચૂક્યો છે. આ વ્યવસાય હજારો કારીગરોને રોજગારી આપી રહ્યો છે. દર વર્ષે ખંભાતનો પતંગ ઉદ્યોગનું ટર્નઓવર લગભગ ચારથી પાંચ કરોડની આસપાસ રહે છે.
આ વર્ષે કોરોના મહામારીને પગલે ખંભાતની સ્થિતિ ખૂબ જ કપરી બની છે. પતંગની બજારમાં આ વર્ષે કાગડા ઉડી રહ્યાં છે. આ વર્ષે પતંગ ઉદ્યોગ માંડ ૫૦થી ૬૦ ટકા થઈ જતાં પરિવારોનું ગુજરાન અટકી પડ્યું છે. અહીંના વેપારીઓનું કહેવું છે કે, પતંગ-દોરીની ડિમાન્ડ ગુજરાત તેમજ અન્ય રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ ખૂબ જ છે. ખંભાતી પતંગોની મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. ચાલું વર્ષે કોરોના મહામારીને પગલે પતંગ વેપાર ઠપ છે. હાલમાં ૫૦ ટકાથી ઓછો વેપાર થયો છે. ચરોતર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચ જેવાં શહેરોમાં ખંભાતના પતંગની હંમેશાં માગ રહે છે. એક અંદાજ મુજબ, અમદાવાદ અને સુરતમાં જ ખંભાતની ૫૦ લાખથી વધુ પતંગોનું વેચાણ દર વર્ષે થાય છે. આ આંકડો મકરસંક્રાંતિ આવતાં સુધીમાં એક કરોડને વટાવી જાય છે.
ખંભાતના વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે પતંગના કાગળના ભાવમાં વધારો થતાં પતંગ મોંઘા પડી રહ્યાં છે. માર્કેટ ડાઉન હોવાથી નાના-મોટા વેપારીઓનો ભયંકર સંકડામણ અનુભવી રહ્યાં છે. સાથે જ લોકડાઉનને કારણે પતંગ બનાવવામાં વપરાતી સળીઓ પણ જરૂર પ્રમાણમાં મળી નથી. કેટલીક જગ્યા પર ડબલ ભાવમાં વેચાણ થતું હોવાથી મોટી મુશ્કેલીઓ પડી છે.
ખંભાતમાં અંદાજે ૧૦૦૦થી વધુ લોકો પતંગના વેપાર સાથે જાેડાયેલાં છે, પરંતુ કોરોનાને પગલે ૩૦ ટકાથી વધુ વેપાર અટકી જતાં બેરોજગાર જેવી હાલત થઈ છે. લોકડાઉનને કારણે ફેક્ટરીમાં ભેગાં ન થઈ શકેલાં લોકો ઘરે બેસીને જ હાથેથી પતંગો તૈયાર કરી રહ્યાં છે. મશીનો બંધ હોવાથી સમયસર પતંગોનો જેટલો જથ્થો જાેઈએ એટલો બનાવી શકાયો નથી. કોરોનાકાળને કારણે ખંભાત પતંગ ખરીદવા આવતાં લોકો પણ આ વર્ષે ફરક્યાં નથી. પરિણામે વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.
વર્ષે ૪થી પાંચ કરોડનું ટર્નઓવર, પણ આ વર્ષે..!
ખંભાતનગરના કારીગરોને પતંગ ઉત્પાદનની કલા તેમના વડીલો પાસેથી મળી છે. તેઓ દર વર્ષે કંઈક નવું કરવાની પોતાની ઈચ્છાશક્તિને કારણે પતંગોને અદ્યતન રૂપરંગ અને આકાર આપવામાં અનેરા ઉત્સાહી છે. આણંદ જિલ્લાનું નવાબીનગર વર્ષોથી પતંગ ઉત્પાદનક્ષેત્રે પ્રખ્યાત છે. ખંભાતના પતંગ ઉદ્યોગનું વાર્ષિક ૪થી પાંચ કરોડનું ટર્નઓવર છે. ખંભાતના ચુનારા અને મુસ્લિમ સમાજના લોકો મળી બાર હજાર ઉપરાંત કારીગરોને રોજગારી આપે છે.
પતંગ કેટલી પ્રક્રિયામાંથી પસાર થાય છે?
ખંભાતમાં એક ડઝનથી વધારે જાતની પતંગો તૈયાર થાય છે. પતંગો માટે વાંસ વલસાડ અને આસામથી મગાવવામાં આવે છે. પતંગ હવામાં સ્થિર રહી શકે એ માટે વાંસને છોલી એનું કમાન તૈયાર કરાય છે. આ પતંગ આઠ પ્રકારની વિવિધ પ્રક્રિયામાંથી પસાર થાય છે.
વિવિધ પતંગોના ખંભાતે શું નામ રાખ્યાં છે?
રાજ્યનાં અન્ય શહેરોની સરખામણીમાં ખંભાતી પતંગોના કાગળ ઉચ્ચ ગુણવત્તાવાળા જાેવા મળે છે. એક કાગળમાંથી છ, ત્રણ, બે પતંગ બને છે. આ પતંગને અડધિયું, પાવલું, પોણિયું કે આખું કહેવાય છે, જ્યારે ચિલ, ઘેસિયો, ચાંપટ, ગોળ અને સૂર્ય પતંગો પણ વિવિધ કલરમાં ખંભાતમાં બનાવવામાં આવે છે.
ખંભાતની પતંગો આફ્રિકામાં નૈરોબીમાં ખાસ ઉડે છે!
આફ્રિકામાં નૈરોબી સ્થિત વિવિધ સંસ્થાઓનાં મેદાનોમાં પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે મેદાનોમાં ગ્રૂપ પ્રમાણે ખાણી-પીણી સાથે પતંગની મોજ લૂંટવામાં આવે છે. વિદેશમાં ખંભાતી કલાત્મક પતંગની માગ વધુ હોવાથી ઘણીવાર મૂળ કિંમત કરતાં ૧૦ ગણા વધારે ભાવે પતંગ વેચાય છે. જાેકે જે ચિલ પતંગની કિંમત ૫ રૂપિયા છે એ ૫૦થી ૬૦ રૂપિયામાં વેચાય છે.
જાણો છો ખંભાતમાં સૌથી મોંઘો પતંગ કેટલાં રૂપિયાનો છે?
ખંભાતની વિવિધ વેરાઇટીની પતંગો ગુજરાત ઉપરાંત આફ્રિકા, કેનેડા, લંડન જેવાં અનેક દેશોમાં જાય છે. ખંભાતના પતંગો ગુજરાત અને અન્ય રાજ્યોમાં ખૂબ પ્રખ્યાત છે. બે ઈંચથી માડીને બાર ફૂટ સુધીના પતંગો મળે છે, જેની કિંમત પાંચ રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની હોય છે.
ખંભાતમાં ૩૦૦થી વધુ સ્થળો પર પતંગો મળે છે!
ખંભાતના મોટા ભાગના વિસ્તારોમાં પતંગબજારો આવેલાં છે. ગવરા રોડ, ચકડોળ મેદાન, સ્ટેશન રોડ, લાલ દરવાજા જેવાં વિવિધ વિસ્તારોમાં પતંગના સ્ટોલ છે. કુલ ૩૦૦થી વધારે જગ્યાએ પતંગ તથા ફિરકીનું વેચાણ થઈ રહ્યું છે.