ચંડીગઢ :ખાલિસ્તાની તરફી સંગઠન ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહ માટે લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેઓ પંજાબની ખદુર સાહિબ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે. લોકસભા ચૂંટણી માટે અમૃતપાલ સિંહનું નામાંકન પત્ર ચૂંટણી પંચે સ્વીકારી લીધું છે.વાસ્તવમાં અમૃતપાલ સિંહ પર નેશનલ સિક્યુરિટી એક્ટ સહિત ઘણા ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. અને હાલમાં તે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. અને ત્યાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે ૧૦ મેના રોજ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
૧૦ મેના રોજ પંજાબ સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ખડુર સાહિબ બેઠક પરથી અમૃતપાલ સિંહ માટે ઉમેદવારી પત્ર ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વારિસ પંજાબ દે ઓર્ગેનાઈઝેશનના વડા સિંહ અમૃતપાલ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સરકારે આ માહિતી આપી હતી. જેમાં તેમણે ઉમેદવારી પત્રો ભરવા માટે સાત દિવસની હંગામી છૂટની માંગણી કરી હતી. આ સાથે, તેમણે વૈકલ્પિક રીતે પ્રતિવાદીઓને તેમના ઉમેદવારી પત્રો ભરવા માટેની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવા વિનંતી કરી હતી.
અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ગયા વર્ષે ૨૩ એપ્રિલે પંજાબના મોગાથી ધરપકડ કરી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર તેને આસામની ડિબ્રુગઢ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. અમૃતપાલ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેના સમર્થકોએ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને અપહરણ અને હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા અમૃતપાલના નજીકના ગણાતા લવપ્રીત તુફાનને મુક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે સાત તબક્કામાં યોજાઈ રહેલી પંજાબ લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં રાજ્યની ૧૩ લોકસભા બેઠકો પર ૧ જૂને મતદાન થશે. જ્યાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિત અનેક પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.