અમદાવાદ-
ગુજરાતમાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરીને સફળતા મેળવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કરતા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠક જીતી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતું. સુરતમાં અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. અને સુરતની જનતાનો આભાર વ્યક્ત કરશે. ૨૫ કે ૨૬ ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે.
આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજાે પક્ષ સફળ થયો નથી તે વાત હવે જૂની થવા જઇ રહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઓફિશિયલ રીતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ગઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરીને સુરતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે અને તેઓ રોડ શો કરવા સુરત આવશે. સુરતમાં ૧૨૦ બેઠકોમાંથી ભાજપે જીત મેળવી પરંતુ આમ આદમી પાર્ટીએ સુરતમાં ખાતું ખોલાવતા ૨૭થી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે.
આપે પ્રથમ વખત સુરતમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. હાલની સ્થિતિમાં આપ વિરોધ પક્ષમાં બેસી સત્તા પક્ષને હંફાવવા એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત રાજકારણમાં એન્ટ્રી લેનાર આપે સુરતમાંથી પોતાના શ્રી ગણેશ કર્યા છે. સુરતમાં ભાજપ પછીથી બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. હાલની સ્થિતિ જાેતા એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ ભલે સત્તા પક્ષે બેસે પરંતુ વિરોધ પક્ષમાં આપના સભ્યોને સ્થાન ચોક્કસ મળશે.