ગાંધીજીના વ્યક્તિત્વને મહાન બનાવવામાં કસ્તુરબાનો અમૂલ્ય ફાળો

કસ્તૂરબાનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના લગ્ન લગભગ દસ-બાર વર્ષની ઉંમરે જ મોહનદાસ ગાંધી એટલે કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે થયાં હતાં.

આજે હું તે સમયની વાત કરવા જઈ રહી છું જ્યારે, ગાંધીજી ડરબનમાં વકીલાત કરતાં હતાં. તેમની પાસે કેટલાય કારકુન તેમના ઘરે આવતા હતાં. બાપુ તેમને અંગત માણસો માનતા હતાં. ત્યારે એક વખત એવું બન્યું કે એક અછૂત કારકુનને બાપુના ઘરે આવવાનું થયું. તે હજી નવો હતો. બીજા કોઈ આવે તો પેશાબનું વાસણ બા કે બાપુ ઉપાડી લેતાં. તે સમયે તેમના ઘરમાં પેશાબના નિકાલ માટે ચોકડી ન હતી. એટલે તે માટે વાસણ મૂકવામાં આવતું. જાે કે ઘણા ખરા નિકટ આવી ગયેલા કારકુનો પોતાના પેશાબનું વાસણ ઉઠાવી લેતાં હતાં. પણ આ નવા આવેલા કારકુને તેમ ના કર્યું. તે કારણે કસ્તુરબાને અતિ કષ્ટ થયું. તેઓ વાસણ ઉઠાવવા તૈયાર ન હતાં. અને બાપુ તે કામ કરે તે યોગ્ય ન હતું. છેવટે કસ્તુરબાએ તે વાસણ ઉપાડ્યું. આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. અને એક હાથમાં પેલું વાસણ લઈને તેઓ સીડીના પગથિયાં ઉતરી રહ્યા હતાં. તેમની આંખો લાલ થઇ ગઇ હતી. તે જાેઈ બાપુ ખૂબ જ નિરાશ થઈ ગયા હતાં. તેમણે આ બિલકુલ પસંદ ના આવ્યું. તેમણે કહ્યું, “આવા ફજેતા મારા ઘરમાં નહીં ચાલે.”

ગાંધીજીની વાત સંભાળી, કસ્તુરબા બહુ જ દુઃખી થઈ ગયા હતાં. તેઓ વ્યાકુળ થઈ બોલી ઉઠ્‌યા, “તો આ લો હું મારા ઘેર જાઉં છું.”

કસ્તુરબાના શબ્દો સાંભળી, ગાંધીજી ખૂબ જ ક્રોધિત થઈ ઉઠ્‌યાં. તેઓ કસ્તુરબાને હાથ પકડીને દરવાજા તરફ ખેંચવા માંડ્યાં. દરવાજાે અડધો ખુલ્યો એટલામાં કસ્તુરબાએ સાડીના પાલવથી આંસુ સાફ કરતા કહ્યું, “તમને તો શરમ નથી. પણ મને શરમ આવે છે. મારા માબાપ અહીં નથી, કે હું તેમના ઘરે જઈ શકું. મારે તો તમારા ઠુંસા ખાવા જ પડશે !”

કસ્તુરબાના શબ્દો સાંભળી, ગાંધીજીને ખૂબ જ અફસોસ થયો. તેમણે દરવાજાે બંધ કરી દીધો હતો. આમ, પતિ સાથે નાની - મોટી વાતોમાં મનદુઃખ થવા છતાં કસ્તુરબા જીવનભર એક આદર્શ પત્ની તરીકે રહ્યા હતાં. ગાંધીજીનો પડછાયો બનીને રહેતા તેમણે શીખી લીધું હતું. પતિ સાથે જ જમવા બેસતા, અને જમ્યા પછી જ્યારે ગાંધીજી છાપું વાંચવાનું શરૂ કરે ત્યારે કસ્તૂરબા તેમના પગના તળિયામાં ઘી ઘસી આપતા અને તેમને સૂતી વખતે માથામાં તેલ પણ ઘસી આપતા. આ સેવા તેમને આજીવન ચાલુ રાખી હતી.

ગાંધીજીના વ્યક્તિત્વને મહાન બનાવવામાં કસ્તુરબાનો અમૂલ્ય ફાળો રહ્યો છે. અને કસ્તુરબાના મૃત્યુ પછી આ વાત ગાંધીજીએ પણ કબૂલી છે કે, “કસ્તૂરબા મારી માતા, રસોઈ કરનાર, શીશીઓ ધોનાર અને બીજા અનેક કામો કરનાર તરીકે જીવી છે. હું તેના સંસ્મરણોને મારા મનમાંથી કદી દૂર કરી શકું નહિ. બાસઠ વર્ષની સહજીવનયાત્રા બાદ હું એકલો પડી ગયો તે મને ખૂબ જ ખટકી રહ્યું છે.”

તે સિવાય એક વખત ગાંધીજીએ એવું પણ કહ્યું હતું કે, “જનમોજનમની સાથી તરીકે હું ચોક્કસ કસ્તૂરબાની જ પસંદગી કરું.”

ખરેખર કસ્તૂરબા ભારતીય નારી સમાજના એક ઝગમગતા અણમોલ રત્ન હતાં. કારણ કે તેમણે જીવનના દરેક ચરણમાં ગાંધીજીનો સાથ આપ્યો હતો. પછી તે સ્વરાજ્યની લડત હોય કે દાંડીકૂચ. તેમણે ઘણી વખત જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ પણ ગાંધીજીની જેમ લોકસેવા કરવામાં માનતા હતાં. આજની દરેક પત્નીએ કસ્તૂરબાના જીવન પ્રસંગો પરથી શીખવાની જરૂર છે. મુશ્કેલ ઘડીમાં પતિનો સાથ કંઈ રીતે આપવો તે દરેકને જાણવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution