લેખકઃ હેમંત વાળા
ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક, આશરે ૧૭૦૦ વર્ષ જૂનું આ શિવ મંદિર પ્રારંભિક બાંધકામ શૈલિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતના સ્થાપત્યના ઇતિહાસમાં ઐહોલેનું અગત્યનું સ્થાન છે. ઇતિહાસ એમ જણાવે છે કે શૈવ સ્થાપત્યની શરૂઆતનો તબક્કો અહીં પાંગર્યો હતો. તો સાથે સાથે રચના-મુલક એટલે કે સ્ટ્રક્ચરલ મંદિરની શૈલી પણ અહીં જ વિકસિત થઈ હતી. આ શિવ મંદિરની જેમ, અહીંનું મા દુર્ગા મંદિર પણ રચના-મુલક મંદિરનો એક મહત્વનો પડાવ છે. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશના શાસન દરમિયાન પાંચમી સદીથી શરૂ કરીને આશરે ૫૦૦ વર્ષ સુધીમાં અહીં ૧૨૫ કરતાં વધારે મંદિરો બનાવાયા હતાં. મંદિર વિકાસનો આ એક અદભુત તબક્કો તો હતો જ, પણ સાથે સાથે આટલા બધા મંદિરો એકસામટા હોવાથી રચના-મુલક મંદિરની શૈલીના વિકાસનો ઇતિહાસ પણ અહીં જાેવા મળે છે. એમ લાગે કે સ્થાપત્યના ઇતિહાસનું એક આખું પ્રકરણ અહીં સદેહે હાજર છે. રચનામુલક મંદિરની આ શરૂઆત હતી. વળી બાંધકામમાં પથ્થરનો ઉપયોગ અસરકારક રીતે થઈ શકે તે બાબતે પણ હજુ ‘પાઠ’ શીખાયા ન હતા. તેથી આ મંદિરની રચના પથ્થરથી કરાઈ હોવા છતાં તેની રચનામાં લાકડાના મકાનોના સિદ્ધાંત અનુસરાયા છે. લાકડાના બાંધકામનો અનુભવ અહીં સારી રીતે ઉપયોગમાં લેવાયો અને પરિણામ પણ સારું આવ્યું.
આ મંદિર પંચાયત શૈલીમાં બનાવાયું છે અને એમ માનવામાં આવે છે કે મૂળ રૂપે તે વિષ્ણુને સમર્પિત હતું. શિખરબંધ મંદિર નથી પણ પણ પથ્થરના ચોસલામાંથી ઢળતા છાપરાવાળા મકાન જેવું બનાવાયું છે. અહીં પ્રવેશની સામે બનાવેલ ગર્ભગૃહ એક નાનકડું સ્થાન છે જ્યાં લિંગની સ્થાપના થઈ છે, જ્યારે મંદિરની વચમાં નંદીની પ્રતિષ્ઠા કરાઈ છે. આ નંદીવાળો ભાગ મંદિરની છતથી દોઢ મીટર જેટલો ઉપર નીકળે છે, જ્યાંથી પ્રકાશની વ્યવસ્થા કરાઈ છે.અહીં નંદીની ચારે તરફ મંડપ છે, જેમાં વચ્ચેના સ્થાને ચાર સ્તંભથી અને તેની ફરતે બાર સ્તંભથી, બે પ્રમાણમાપ વાળી ચોરસ જગ્યા નિર્ધારિત કરાઈ છે. આ સ્થાનમાં એક તરફ પ્રવેશ છે તો બાકીની બાજુએ દિવાલ તથા જાળીથી સ્થાન નિર્ધારણ થયું છે. પ્રવેશ સ્થાન પર પણ બાર સ્તંભોવાળા પરંતુ પ્રમાણમાં એક નાના મંડપની રચના કરાઈ છે. આ મંદિરની રચનામાં ચોરસનું ખાસ મહત્વ છે - જે પૂર્ણ આકાર ગણાય છે. મંદિર એ પૂર્ણ અસ્તિત્વનું અધિષ્ઠાન હોવાથી તેની રચનામાં ચોરસ પ્રયોજાય તે સ્વાભાવિક છે.
પથ્થરમાંથી કરાયેલ પણ લાકડા જેવી રચના, લાકડાની રચનામાં જે પ્રમાણેનું ભારવાહક માળખું હોય તેવા જ માળખાનું કરાયેલ અનુકરણ, ભૌમિતિક ચોકસાઈ, મંદિરના દરેક ભાગમાં નિર્ધારિત થતું એક જ પ્રકારનું ભૌમિતિક પ્રમાણમાપ, મોટી જાળી થકી બહારની પરિસ્થિતિ સાથે સ્થપાતો મહામંડપનો સંબંધ, શિખર ન કહી શકાય તેવું વિશેષ પ્રકારનું શિખર - આ અને આવી બાબતો આ મંદિરને ઉલ્લેખનીય બનાવે છે.સમજવાની વાત એ છે કે આ રચના-મુલક મંદિરોની શરૂઆત હતી. અત્યાર સુધી રચના મુલક બાંધકામ લાકડામાંથી જ કરાતું અને તેથી જ આ મંદિરની રચનામાં લાકડાના બાંધકામની જાણે પ્રતિકૃતિ ઉભરે છે. આ એક એવું મંદિર છે કે જે એક વાર તો લાકડામાંથી બનાવ્યું હોય તેવી પ્રતીતિ થાય. આ મંદિર એ પાછળથી વિકસેલ મંદિર-શૈલીની નાનકડી શરૂઆત સમાન છે. અહીંથી જ શિખરની જરૂરિયાત સ્થાપિત થઈ ગઈ. વળી અહીં જે પ્રમાણે પૂર્ણ ભૂમિતિનો ઉપયોગ થયો છે અને જે પ્રમાણે પ્રમાણમાપ નિર્ધારિત થયા છે તે પાછળથી શાસ્ત્રીય રીતે બનાવાયેલ મંદિરનો મુખ્ય આધાર બની રહ્યા.
કેટલાક ઇતિહાસકારો હજુ પણ આ શિવ મંદિરને આજે પણ લાડ ખાન મંદિર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરે છે. વિજાપુરની સલ્તનતનો લાડ ખાન નામનો એક લશ્કરી નાયક આ મંદિરમાં થોડા સમય માટે રહેતો હતો, જેને કારણે કેટલાક ઇતિહાસકારો આ મંદિરને લાડખાનના નામ સાથે જાેડતા થયા. હવે આ મંદિર ઐહોલેનું શિવ મંદિર છે. મંદિર રચનામાં પરંપરા સાથે આસ્થા મહત્વની હોય છે. અહીં ગાણિતિક તેમજ ભૌમિતિક પૂર્ણતા પણ પ્રતીકાત્મક રીતે સ્થાપિત કરવામાં આવે છે. સંપૂર્ણતાનું આલેખન અહીં સચોટતાપૂર્વક થાય તે જરૂરી છે. સૃષ્ટિની રચનાની જેમ અહીં પણ પ્રત્યેક અંગ એકબીજાના પૂરક તથા સંવર્ધક ગણાય છે. પૂર્ણતાની સાક્ષી તરીકે લેખાતી આ રચનામાં કોઈપણ પ્રકારની અપૂર્ણતા સ્વીકૃત ન ગણાય - પછી તે ભૌમિતિક ગોઠવણ હોય, તકનીકી કારીગરી હોય, પ્રતિકાત્મક વિગતિકરણ હોય કે સાંદર્ભિક પ્રતિભાવ હોય. મંદિર એ સંપૂર્ણતાનું સાક્ષી પણ છે અને પ્રતિનિધિ પણ. મંદિર એ આસ્થાનું સ્થાન પણ છે અને પ્રેરક પણ. મંદિર આધ્યાત્મિક કેન્દ્ર પણ છે અને પ્રાસંગિક સમીકરણ પણ.