કર્ણાટકનું શિવ સમુદ્રમ્‌ : બારે માસ પડતા ધોધના કારણે પ્રખ્યાત પ્રાકૃતિક સૌૅદર્યથી ઓપતું સ્થાન

કર્ણાટકમાં બેંગ્લોરથી ૧૫૦ કિમી દૂર આવેલું શિવ સમુદ્રમ્‌ નજીકમાં લગભગ બારે માસ પડતા ધોધ અને લીલોતરીથી આચ્છાદિત જગ્યાને કારણે ખૂબ પ્રખ્યાત છે અને રજાના દિવસે તો ખૂબ ભીડ રહે છે. નજીકમાં જ વૈજનાથેશ્વર નામનું પ્રાચીન દક્ષિણી શૈલીનું મંદિર, રેતીમાં નિશ્ચિત પથ પર ચાલીને જવાનું પાતાલેશ્વર, ગગનચુક્કી, બારાચુક્કી વગેરે ધોધ આવેલાં છે.

બેંગલોરથી જતાં રસ્તે રામનગર ગામ આવે છે. જ્યાં શોલે ફિલ્મથી પ્રખ્યાત થયેલુ સ્થળ રામગઢ આવેલ છે. જ્યાં ગબ્બરર્સિહને બેઠેલો ફિલ્મમાં દેખાડ્યો હતો એ ટેકરી હાઇવે પરથી દૂરથી દેખાય છે.રામનગર ગામની વચ્ચેથી પસાર થઈએ એટલે હારબંધ દુકાનોમાં સિલ્કની સાડીઓ, શાલ, વસ્ત્રો, ધોતી ઉપરાંત સિલ્ક યાર્નનાં રીલ, રેશમના કોશેટા પણ વેંચાતા દેખાય છે. એક જગ્યાએ તો રેશમના કીડા પણ વેચાતા જાેયા. આગળ જતાં એ જ રસ્તે ચેનપટ્ટમ નામનું ટાઉન આવે છે જે લાકડાંનાં રંગબેરંગી અને ટકાઉ રમકડાં માટે પ્રખ્યાત છે. એ રમકડાંના કલર્સ એકદમ બ્રાઇટ, ધ્યાનાકર્ષક હોય છે. ખાસ જાતની પ્રક્રિયા કરી એનું લાકડું રમકડાંને લાયક બનાવાય છે  તે પછી એક અણીદાર વ્હીલ સાથે લાકડું ઘસી, તેને જરૂર પડ્યે ખૂણે ખાંચરેથી છોલી, છીણી જેવાં એકદમ નાનાં ઓજારથી યોગ્ય આકાર આપવામાં આવે છે. પછી અગાઉથી ગરમ કરી સૂકવેલા ખાસ રંગોથી એક સરખો સ્પ્રે અને ક્યારેક હાથેથી રંગીને રમકડાં બનાવાય છે. એ આપણે કોઈ એમ્પોરિયમના શો કેસોમાં જાેઈએ છીએ. બાળકો માટે આ રમકડા દેખાવે સુંદર અને હસ્તકલાની બનાવટના હોવાથી નુકસાન કરતા નથી. મોદીજીએ પણ ‘મન કી બાત’ના એક એપિસોડમાં આનો ઉલ્લેખ કર્યો હતો.

એક જગ્યાએ મૈસુર ૫૮ કિમી દુર હોવાનું અંતર દેખાડતુ બોર્ડ આવે છે અને બે હાઇવે જુદા ફંટાય છે ત્યાં નામનું સરસ રેસ્ટોરાં જાેયું અને ત્યાં સરસ દક્ષિણી નાસ્તો કર્યો. એ શિવ સમુદ્રમ્‌ જતાં છેલ્લું નાસ્તા પાણી માટેનું વિશ્રામસ્થાન છે. મોટી ઈડલી અને સ્વાદિષ્ટ દક્ષિણી વાનગીઓ માણી. શિવ સમુદ્રમ્‌નો દૂરથી પણ વિશાળ, ધીમો ગર્જતો, દૂધની ધારા જેવો ધોધ જાેઈ અમે ગગનચુક્કી આવ્યાં. ત્યાં નજીકમાં કાવેરી નદીનો રીતસરનો બીચ છે અને ઝડપથી વહેતું પાણી હોવા છતાં કાંઠા નજીક રહી લોકો સ્નાન પણ કરે છે. ત્યાં ગરમાગરમ મિર્ચી પકોડા અને આખું કેળું ચણાના લોટમાં તળ્યું હોય તેવાં કેળાં ભજિયાં ખાધાં. નજીકમાં તલક્કડુ નામનાં ગામમાં સ્ટીલના ગ્લાસમાંથી વાટકામાં રેડી પીવાતી તૂરા સ્વાદવાળી દક્ષિણી કોફીની મઝા પણ માણી.

તલક્કડુ પાસે કાવેરીમાં ગોળ, મોટી ટોપલી આકારના નેતરના તરાપામાં બેસવાની મઝા જરૂર માણવા જેવી છે. નદીની મધ્યે જઈ એ એક લાકડીથી તરાપો ઝડપથી ગોળગોળ ફેરવે છે એનો રોમાંચ પણ અવર્ણનીય છે. ગગનચુક્કીથી વળતાં ગ્રામ્ય કર્ણાટકમાંથી પસાર થતાં પીળાં સોનેરી નારિયેળ, સોપારી અને નારિયેળી સાથે ફણસ જેવી ચીજાેનાં ખેતરો પણ જાેયાં. અણીદાર અને નાનાં શિંગડાંવાળી ત્યાંની ગાયો અને બેઠા ઘાટનાં, ખાસ્સા એવા ઢાળવાળાં છાપરાં પણ જાેયાં.તલક્કડુ કે ગગનચુક્કી નજીક કેટલાંક ખેતરોને શેઢે છાયાદાર વૃક્ષો નીચે બેસી અમુક લોકો બિયરનાં ટીન ખોલી ખોલીને પીતા પણ જાેયા. હા, ગામો આવે એણે પાદર હાથેથી દોડીને રસ કાઢતા હોય એવા તાજી શેરડીના રસના સંચાઓ પણ જાેયા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution