કર્ણાટકનું મરુડેશ્વર

લેખક : સુનિલ અંજારિયા | 


આ કર્ણાટકનું પ્રમાણમાં નવું, એકદમ હરિયાળું અને સમુદ્રી ખારી પણ ઠંડી હવાનો અનુભવ કરાવતું યાત્રા-કમ -પિકનિક સ્થળ બેંગલોરથી ૧૧ કલાકના અંતરે છે.

એકદમ ઊંચું ગોપુરમ(મંદિરનો ઘુમ્મટ), પર્વત, તેની ઉપર મહાભારત, રામાયણના પ્રસંગોનાં વિવિધ શિલ્પો (જે અહીં પથ્થર નહીં, પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ છે), નારિયેળીઓ અને સોપારીનાં વૃક્ષોથી છવાયેલું એક બે દિવસ શાંતિથી કાઢવા માટેનું પર્યટન સ્થળ ઉપરાંત નાનું માછીમારી અને ખેતી કરતું ગામ છે.

અહીંથી, રાવણના હાથમાંથી યુક્તિપૂર્વક ગણેશજીએ શિવલિંગ નીચે મુકાવેલું તે ગોકર્ણા દોઢ કલાક, વિખ્યાત જાેગનો ધોધ સવા બે કલાકના અંતરે છે. મરૂડેશ્વર વચ્ચે હોવાથી ત્યાં બે કે ત્રણ દિવસ રહી એક દિવસ ગોકર્ણા અને બીજે દિવસે જાેગનો ધોધ જાેવા પ્રાઇવેટ ટેક્ષી કરી જવું સારું રહે.

કહેવાય છે કે વિશ્વની બીજા નંબરની ઊંચી શિવ મૂર્તિ અહીં છે. ઉપરાંત ૨૦ માળનો ગોપુરમ પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં ટિકિટ લઈ લિફ્ટમાં બેસી ૨૦મા માળે જઈ ઉપરથી ગામ, દરિયો અને હરિયાળીનાં દર્શનનો લહાવો લેવા જેવો છે. હા, લિફ્ટ માટે લાઇન એકાદ કલાકની ખરી.

બેંગલોરથી બસ દ્વારા મરૂડેશ્વર જવાનો રસ્તો સુપર્બ હતો. ત્રિકોણ શંકુ જેવા છાપરાં, સતત નારિયેળી અને સોપારીનાં વન, જંગલમાંથી પસાર થતો ઘાટ અને વચ્ચે વચ્ચે મોટી નદીઓ પાસે રંગબેરંગી ફિશીંગ બોટ.

હોટેલના બીચ પરથી અફાટ દરિયામાં સૂર્યાસ્ત જાેવા જેવો હતો. ભૂરો સમુદ્ર સૂરજ ડૂબતાં જ એકદમ કેસરી થઈ જાય અને ક્ષિતિજ ગુલાબી. એ જ વખતે પવન અનુકૂળ રહેતો હશે એટલે કાંઠા પરથી રંગબેરંગી નાની બોટો મોજાં પર ઊછળતી કૂદતી સમુદ્રમાં અદ્રશ્ય થઈ જાય.

મરુડેશ્વર ખાતે ૨૫૦ ફૂટ ઊંચું ૨૦ માળનું ગોપુરમ, શિવજીની વિશાળ મૂર્તિ, (તેમના દાવા મુજબ વિશ્વમાં બીજા નંબરે ઊંચી), ગીતાજીનો બોધ આપતા કૃષ્ણ અને અર્જુન વગેરે જાેયાં.

આમ તો આ આખું સંસ્થાન એન. આર. શેટ્ટી નામના ઉદ્યોગપતિએ બનાવેલું છે. ત્યાં હાઈસ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, આ મંદિર, અમે રહેલ તે ઇદ્ગજી રિસોર્ટ, ઇદ્ગજી હાઇવે હોટેલ બધું એના નામે.

અમે તો વિપુલ હરિયાળી વચ્ચે ખોબા જેવડું મરૂડેશ્વર જાેઈ ૧૪ કલાકની રિટર્ન બેંગલોર જતી વિસ્ટાડોમ જર્ની કરી લીધી.

કોચ ઉપર છતમાં કાચની પટ્ટીઓ, છેક છતથી સીટ સુધીની બારી, પાછળનું પેડલ દબાવી ૩૬૦ અંશ ઘૂમી શકતી સીટ જેને યાત્રીઓ ૯૦ ડિગ્રી ફેરવી બારી સામે રાખતાં હતાં, બપોરે તડકો આવે તો ખેંચવાનો પડદો, કોચની અંદર જ ચા કોફી, બિસ્કીટ, વેફર જેવું વેચતો સ્ટોલ, કોચની બેય બાજુ બંધ ભીંતને બદલે ખુલ્લો કાચ જેથી જતી ટ્રેનમાં આગળ કે પાછળ જાેઈ શકાય, સામે ઇન્ડીકેટરમાં ટ્રેનની સ્પીડ અને હવેનું સ્ટેશન જાેઈ શકાય જેવી સુવિધાઓ હતી.

આ ટ્રેન અનેક ઘાટ વચ્ચે ભોંયરાઓ માંથી પસાર થાય છે. રસ્તે મોટી ખીણો અને વિશાળ નદીઓ આવે છે. ક્યાંક પર્વતો પર તડકા કે બીજા પર્વતના પડછાયાને લીધે લીલા રંગના અલગ અલગ શેડ જાેવાં મળ્યાં.

આખા રસ્તે માત્ર મેંગ્લોર ૨૦ મિનિટ ઊભી, બાકી બધે ૨ મિનિટ જેવું જ. મેંગ્લોરમાં યાત્રીઓએ નીચે ઉતરી ભાતના ફોઇલ લેવા પડાપડી કરી. અમે તો ૈષ્ઠિંષ્ઠ નું ઓનલાઈન ઓર્ડર કરેલ તે મેંગલોર સ્ટેશને જગ્યા પર આપી ગયાં. બપોરે ચા અંદર એ સ્ટોલની જ પી લીધી. સવારે ૭.૧૦ વાગે મરૂડેશ્વરથી ઉપડી છેક રાતે ૯ વાગે યશવંતપુર, બેંગલોર ઉતર્યાં.

હા, શરૂમાં દૃશ્યો માણવા ટ્રેન ૩૫ કિમીની સ્પીડે જતી હતી જે મેંગ્લોર પછી ક્યારેક ૧૦૨ જેવી સ્પીડ પકડતી યશવંતપુર સ્ટેશન પહોંચેલી. ખૂબ લાંબા રનમાં આ મુસાફરી પૂરી આનંદથી માણી. મારા મતે એકતરફી મેંગ્લોરથી મરૂડેશ્વર કે બેંગલોરથી ઉડીપી સુધી જ આ મુસાફરી કરવી સારી રહે. ૧૪ કલાકનો રન અને બીઝી લાઇનને લીધે ઉપર બીજી ૩૦-૪૦ મિનિટ મોડી થાય તો થાકી જવાય. ટ્રેન લગભગ મોડી હોય છે.

બસ, માણી લીધી એ મુસાફરી. આપણે અમદાવાદથી કેવડીયા વિસ્ટાડોમ જાય છે. નર્મદા જિલ્લો પણ આવો જ લીલો છે.

એમ વિસ્ટાડોમ કોચની મુસાફરી પણ ક્યારેક ચોક્કસ કરવા જેવી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution