બેંગ્લુરુ-
દેશમાં કોરોનાની વકરેલી પરિસ્થિતિ વચ્ચે પ્રાણવાયુના પુરવઠાની ભારે માંગ ઉઠી રહી છે. સમયસર પ્રાણવાયુ નહીં મળવાથી અનેક સ્થળે દર્દીઓ મોટને ભેટ્યા હોવાનું પણ જણાયું હતું. સોમવારે પણ આવી જ એક દુઃખદ ઘટના ઘટી હતી. કર્ણાટકના ચામરાજાનગર જિલ્લાની હોસ્પિટલમાં સમયસર ઓક્સિજન ન મળવાથી 24 દર્દીઓના મોત થયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે કર્ણાટકના આરોગ્ય મંત્રી કે સુધાકર સ્થિતિની સમીક્ષા માટે ચામારાજાનગર પહોંચ્યા છે. ચામારાજાનગર જિલ્લો બેંગ્લુરુથી 175 કિલોમીટરના અંતરે આવેલો છે. જિલ્લાના પ્રભારી મંત્રી એસ સુરેશ કુમારે સમગ્ર બનાવની તપાસના આદેશ આપ્યા છે.
એસ સુરેશ કુમારના જણાવ્યા મુજબ પુરતો ઓક્સિજન નહીં મળવા બદલ જે લોકો જવાબદાર હશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રને ડેથ ઓડિટ રિપોર્ટ આપવા આદેશ આપવામાં આવ્યો છે. જ કે તેમણે તમામ દર્દીના મોત ઓક્સિજનની અછતથી નહીં થયા હોવાનું રટણ કર્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત હતી અને પાડોશી જિલ્લા મૈસૂરથી ઓક્સિજન મળવામાં વિલંબ થયો હતો. સરકારી હોસ્પિટલમાં પુરતો ઓક્સિજન પુરવઠો મેળવવામાં વિલંબ થતા દર્દીઓને સમયસર ઓક્સિજન ન મળવાથી કોરોનાના 23 દર્દી સહિત ટપોટપ 24 દર્દીના મોત થયા હતા. આ ઘટના બાદ કર્ણાટક સરકારના એ દાવાની પોલ ખુલી ગઈ છે જેમાં જણાવાયું હતું કે, ઓક્સિજન, દવાઓ, વેક્સિન અને સ્મશાન ઘાટમાં જગ્યાની કોઈ અછત નથી. જો કે વાસ્તવિકતા કંઈક જુદું જ ચિત્ર દર્શાવે છે. મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ સોમવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી અને તમામ જરૂરી મદદ પુરી પાડવા ખાતરી આપી છે. સીએમએ મંગળવારે કેબિનેટની ઈમર્જન્સી બેઠક પણ બોલાવી છે.