વડોદરા-
રાજ્યની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પૂર્વ તૈયારીઓનો જાયજો લેવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.મુરલી કૃષ્ણએ મંગળવારે સંબંધિત બેઠકોના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે તેમને ચૂંટણી સૂસજ્જતાના 10 મુદ્દાના આધારે કરજણ બેઠક માટેની પૂર્વ તૈયારીઓની વિગતવાર જાણકારી આપી હતી. કાયદો અને વ્યવસ્થા, તકેદારીના લેવામાં આવેલા પગલાં, આ બાબતમાં પોલીસ તંત્ર સાથે સંકલન, ખર્ચ નોંધણી અને નિયમનની વ્યવસ્થા, ઉમેદવારી નોંધાવવાની હાલમાં ચાલી રહેલી પ્રક્રિયા, એબ્સેન્ટી વોટર માટે ટપાલ મતદાનના સંદર્ભે હાથ ધરવામાં આવેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ, મતદાન ટુકડી અને પોસ્ટલ બેલેટ માટે સેક્ટર અધિકારીઓને તાલીમ, મત ગણતરીને લગતી પૂર્વ વ્યવસ્થાઓ, આદર્શ આચાર સંહિતાના અમલ માટે લેવામાં આવેલાં પગલાં અને વેબ કાસ્ટીંગની સુચારુ વ્યવસ્થા માટે કરવામાં આવેલી કામગીરી જેવી બાબતોનો સમાવેશ થતો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષી અને સંબંધિત અધિકારીઓ જોડાયાં હતાં. આ ઉપરાંત બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.આર.પટેલ કરજણથી ઓનલાઇન જોડાયાં હતાં.