કનૈયાલાલ મુનશીનું નામ આપણાં દેશના દરેક વ્યક્તિ જાણે છે.એમનો જન્મ ભરૂચ જિલ્લાના એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ માણેકલાલ હતું. જેઓ સરકારી નોકરી કરતા હતાં. અને તેમની માતાનું નામ તાપીબહેન હતું.
કનૈયાલાલ મુનશીએ એલ.એલ.બી. સુધીનો અભ્યાસ વડોદરા અને મુંબઈની કોલેજાેમાં કર્યો હતો. અને તે પછી વકીલાતની શરૂઆત કરી હતી. તેઓ યુવાનીની ઉંમરથી જ સ્વપ્નસેવી હતાં. તેમના ચિત્તમાં અનેક રંગબેરંગી પતંગિયાઓની જેમ અનેક નવા નવા વિચારો જન્મતા રહેતા હતાં. ભારતની પ્રાચીન સંસ્કૃતિ, સાહિત્યસર્જન, રાજનીતિ, ઇતિહાસમાં સંશોધન અને ગુજરાતની અસ્મિતાનું નવેસરથી અવતરણ કરવાના સ્વપ્ન તેમણે સેવ્યા હતાં.
દરેક વ્યક્તિ તેમણે એક પ્રસિધ્ધ સાહિત્યકાર તરીકે ઓળખે છે. તે સિવાય પણ તેમણે જે કોઈ ક્ષેત્રમાં ઝુકાવ્યું તે દરેક ક્ષેત્રે તેમને ઉચ્ચ કોટિની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે તેમના વિશે કહ્યું હતું કે, “એમનામાં એક એવી ચુંબકીય શક્તિ છે કે જે કોઈ તેમના સંપર્કમાં આવે અથવા જે કંઈ તેમના હાથમાં લે છે તેમાં તેઓ નવો પ્રાણ ફુંકીને તેણે જીવંત બનાવવાની ક્ષમતા રાખે છે.”
કનૈયાલાલની પ્રતિભા વિવિધ ક્ષેત્રોમાં ફેલાઈ હતી પરંતુ તેમને વિશિષ્ટ ઊંચાઈ સુધી પહોંચાડનાર તેમની સર્જક તરીકેની સિદ્ધિઓ હતી. તેમણે ઐતિહાસિક, સામાજિક અને પૌરાણિક નવલકથાઓ લખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ આ બધી સોલંકી યુગના અજવાળાં પાથરતી તેમની યશદાયી નવલકથાઓ છે. ધારદાર સંવાદો, શૌર્યથી ધબકતા પાત્રો અને રસાળ શૈલી એ તેમની નવલકથાઓના મુખ્ય આકર્ષણો છે. તેમના દ્વારા પ્રયોજાયેલી ભાષા તેમની રચનાઓમાં ચેતના બની વહી રહી હોય તેવો અહેસાસ તેમની રચનાઓને વાંચતા જ થઇ જતો હોય છે.
' ભગવાન પરશુરામ‘ જેવી પૌરાણિક નવલકથા તેમજ 'અડધે રસ્તે સીધા સીધા ચઢાણ’ જેવી આત્મકથાની રચના તેમને ગુજરાતને ચરને ધારેલું અનુપમ સર્જન છે. તેમણે બ્રહ્મચર્યાશ્રમ, ડૉ. મધુરિકા જેવા પૌરાણિક નાટકોનું સર્જન પણ કર્યું હતું. તેમ જ ચારિત્રસાહિત્ય, ગુજરાતના સંસ્કૃતિ સંશોધન અને ઇતિહાસ ક્ષેત્રે રચેલા પુસ્તકો દ્વારા તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે. ગુજરાતી અને અંગ્રેજી મળીને લગભગ ૬૦ જેટલી સાહિત્યિક કૃતિઓ તેમને આપી છે.
' કૃષ્ણાવતાર’ એ તેમના દ્વારા લખાયેલ નવલકથા છે. જેમાં તેઓ સાત પ્રકરણ સંપૂર્ણ લખી શક્યા હતાં અને આઠમાં પ્રકરણના લેખન દરમિયાન તેમનું અવસાન થયું અને એ પૂરી ન થઇ શકી અને અપૂર્ણ રહી. આ નવલકથા કૃષ્ણના જીવન અને મહાભારત પર આધારિત છે. આમ, તેમને પોતાના જીવનના અંતિમ સમય સુધી સાહિત્યની રચના કરી હતી. તેવી જ રીતે દરેક લેખકે સાહિત્યના સર્જન માટે પોતાનો અમૂલ્ય ફાળો આપવો જાેઈએ. અને આપણી માતૃભાષાનું સંવર્ધન કરતા રહેવું જાેઈએ.
મુંબઈમાં અને જયપુરમાં એક મુખ્ય માર્ગને તેમના પરથી નામ અપાયું છે. તે સિવાય તિરૂઅનંતપુરમમાં એક શાળાને ભવન્સના કુલપતિ કે. એમ. મુનશી મેમોરિયલ વિદ્યા મંદિર સંકુલ તરીકે નામ અપાયું છે. તેમજ ભારતીય વિદ્યા ભવન તેમના માનમાં સામાજીક કાર્ય માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરે છે.
વિદ્વાનોએ તેમને સાહિત્યના સમર્થ ગદ્યસ્વામી અને કલ્પનાશીલ રંગદર્શી સાહિત્યશિલ્પી તરીકે ઓળખાવીને ભવિષ્ય અંજલિ આપી હતી.