અમદાવાદ
કાલુપુર પોલીસે એવી ગેંગ પકડી પાડી છે જેનું નામ ‘ચીપકલી ગેંગ‘ છે. આ નામ કેમ પડ્યું તે જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે. આ ગેંગના સભ્યો જેમ ગરોળી દીવાલ પર ચઢી જાય તેમ ચઢી જતા હતા અને ઘરમાં ચોરી કરવા માટે ઘૂસી જતા હતા. પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ લોકોને પકડી કાલુપુરમાં એક સાથે થયેલી પાંચ દુકાનની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે જે તે ગેંગની કોઈને કોઈ વિશેષતા હોય છે. જેના પરથી આ ગેંગનું નામ રાખવામાં આવતું હોય છે. કાલુપુર પોલીસે બાતમી આધારે ત્રણ લોકોની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી નૂર મહોમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ ઉર્ફે હાડો શેખ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે. આરોપીઓએ તાજેતરમાં જ કાલુપુર વિસ્તારમાં પાંચેક દુકાનોમાં પાંચેક લાખની ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ લઈને ભાગે તે પહેલા જ આરોપીઓની કાલુપુર પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. જી. દેસાઈએ આ મામલે જણાવ્યું કે, આરોપીઓ જેલમાંથી બહાર આવી અન્ય રાજ્યોમાંથી બસ મારફતે શહેરમાં આવતા હતા અને બાદમાં જે તે જગ્યાની રેકી કરતા હતા. ચોરી કરવા માટે દીવાલ પર ક્્યાંથી ચઢી શકાશે અને જે તે મકાન કે દુકાનમાં ઘૂસી શકાશે તેનો પ્લાન બનાવતા હતા. આટલું જ નહીં પ્લાન મુજબ ચોરી કરવા જતા પહેલા અનેક દિવસો સુધી અવાવરું જગ્યાએ રોકાતા હતા. બાદમાં ચોરી કરવા જાય ત્યારે છીપકલી એટલે કે ગરોળીની માફક દીવાલો પર ચઢીને ચોરી કરી લેતા હતા.