કાલસર્પ-યોગ? શેરબજારના સોદાગર નહીં પણ સલાહકાર બનો!

મારી પાસે એક યુગલ આવ્યું. બંને ખાતાપીતા ઘરનાં દેખાતાં હતાં. પુરૂષના ચહેરા પર થોડી સુસ્તી હતી. તેની પત્નીએ મારી સામે તેની કુંડળી મૂકી. પતિનું નામ જણાવતાં તેણે કહ્યું કે મારે આમના ગ્રહો વિષે જાણવું છે. મેં કુંડળી જાેઈ અને સીધું પૂછી લીધુંઃ “શેર બજારમાં સટ્ટો રમો છો?” તે ભાઈ મારી સામે ચૂપચાપ જાેઈ રહ્યાં. એ પછી તેમણે પત્નીની સામે જાેયું. પત્નીએ મને પૂછ્યુંઃ “શેર બજાર એમના માટે કેવું?” એટલે મેં સામો સવાલ કર્યોઃ “અત્યાર સુધી શેર બજારમાં કેટલા ગુમાવ્યા છે? બસ, મારા આ સવાલમાં જ તમારા સવાલનો જવાબ છે!” આ સાંભળી પતિએ પ્રથમ વાર મોં ખોલતાં પૂછી લીધુંઃ “તમે એવું શા માટે પૂછો છો કે કેટલા ગુમાવ્યા છે?” મેં કહ્યુંઃ “કારણ કે તમારી કુંડળીમાં કાલસર્પયોગ છે અને આ યોગ ધરાવતી વ્યક્તિઓ શેર માર્કેટમાં બીજી રીતે તો સફળ થાય છે પરંતુ ક્યારેય સોદાઓમાં સફળ નથી થતી.” તેમની પત્નીએ તરત પૂછ્યુંઃ “પણ એવું કેમ? એમને શેર માર્કેટનું જે નોલેજ છે તે બહુ ઓછા લોકો પાસે હોય છે. ઉપરાંત તે બીજાઓને જે ટીપ્સ આપે છે અને એના પરથી એ લોકો જે સોદા કરે છે તેમાં તે સફળ રહે છે પરંતુ મારા વર પોતે જાે એ સોદા કરે છે તો ખોટ જ ખાય છે.”

 આ પ્રકારનો સવાલ મારી સામે પ્રથમ વાર નહોતો આવ્યો. કાલસર્પયોગ ધરાવતી કુંડળીના માનવો માટે આ એક સર્વસામાન્ય ઘટના છે. તે પોતે શેરબજારના સોદાઓમાં ક્યારેય સફળ નથી રહેતાં પરંતુ તે જાે બીજાને ટીપ્સ આપે તો એમની ટીપ્સ પરથી બીજાઓ સારું એવું કમાય છે! કાલસર્પયોગ ધરાવતા લોકોને શેરબજારનું સૌથી સારું જ્ઞાન હોય છે. સોદાઓની સમજ તેમને સૌથી વધારે પડતી હોય છે. શેરબજારની ચડતી-પડતી વિશે પણ તે સચોટ આગાહી કરી શકતા હોય છે પરંતુ આ બધું જ બીજાઓ માટે! જાે તે પોતે કોઈ સોદો કરવા જશે તો તે ખોટ જ ખાશે! એમની જે ટીપ્સ પરથી બીજાઓએ સોદા કરીને સારો એવો નફો મેળવી લીધો હશે તે જ ટીપ મુજબ જાે તે પોતે સોદો કરશે તો તેમાં તે મોટા ભાગે ખોટ કરશે!

 આવું કેમ થાય છે? આનું કારણ છે રાહુ! કાલસર્પયોગ એટલે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ, આ સાતે સાત મુખ્ય ગ્રહોનું બે છાયાગ્રહો રાહુ અને કેતુની પકડમાં આવવું. જે માનવની કુંડળીમાં સાતે મુખ્ય ગ્રહો બે છાયાગ્રહોની વચ્ચે હોય તેની કુંડળી કાલસર્પયોગ ધરાવતી કુંડળી કહેવાય છે. આમાં કેતુ એ ખોટ કરાવતો ગ્રહ છે જ્યારે રાહુ ખોટ કરાવતી સ્થિતિ સર્જતો ગ્રહ છે! રાહુ ખટપટનો ગ્રહ છે. બીજું કે તે હંમેશાં સટ્ટો કરાવે છે. તે માનવને આંધળા સાહસ તરફ દોરી જાય છે. ત્રીજું કે તે માનવને જિદ્દી અને અહંકારી બનાવે છે. રાહુ પ્રધાન વ્યક્તિ ક્યારેય બીજાઓનું સાંભળતી નથી. તે પોતાનું ધાર્યું જ કરે છે. તેમ કરતાં જાે તે નિષ્ફળ જાય તો ફરી વાર બેવડા જાેરથી તે સફળતા મેળવવાના ઝનૂને ચડે છે. ઉપરાંત તેની સલાહથી બીજાઓને જ્યારે લાભ થાય છે ત્યારે તે એમ જ માનવા લાગે છે કે મારી આમાં માસ્ટરી છે અને હું જે કરીશ તે બિલકુલ બરાબર જ હશે.

 પરંતુ એવું નથી બનતું. રાહુ દશમાંથી નવ કિસ્સામાં તેને ખત્તા ખવડાવે છે. જ્યાં એની સલાહથી બીજા સફળ બને છે ત્યાં એ પોતે અત્યંત ખરાબ રીતે નિષ્ફળ રહે છે. વધારે ખરાબ તો એ હોય છે કે ખોટ ખાઈને સોદા કરવાનું પડતું મૂકવાને બદલે માનવ સટ્ટાની મનોસ્થિતિમાં આવી જાય છે. તે વારંવાર ખોટ ખાતો રહે છે અને વારંવાર સોદા કરતો રહે છે. મારી પાસે આવાં એક નહીં, અનેક ઉદાહરણો છે. એક તો મારા પોતાના પરિવારમાં છે.

 આનું નિવારણ શું? આનું કોઈ જ નિવારણ નથી. હા, એક ઉપાય અવશ્ય છે. જાે તમે કાલસર્પયોગ ધરાવો છો અને તમને શેર બજારની સારી એવી જાણકારી છે તો મારી બે સલાહ માનો. પહેલી સલાહ તો એ કે ક્યારેય તમે પોતે સોદા ના કરો. યોગ્ય સલાહસૂચન સાથે બીજાઓને સોદા કરાવો. એટલે કે શેરબજારના સોદાગર નહીં પણ સલાહકાર બનો! બીજું એ કરો કે તમારી પોતાની કોઈ વ્યક્તિને સોદા કરાવો અને તેના લાભના ભાગીદાર બનો. જાે કે અહીં પણ તમે જે વ્યક્તિને સલાહસૂચન આપતા હો તે વ્યક્તિના ગ્રહયોગો શેરબજારના સોદાઓ માટે સાનુકૂળ હોવા જરૂરી છે. જાે એના ગ્રહો સાનુકૂળ નહીં હોય તો અંતે તેમાંય ખોટ ખાવાનો જ સમય આવશે.

 તો સાચવો. સટ્ટો કદી ના કરો. સોદો પોતે ના કરો, બીજાને કરાવો અને તેના લાભમાં પોતાનો ભાગ રાખો!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution