વડોદરા, તા. ૨૯
પંદર વર્ષ અગાઉ રાજ્યભરમાં રોકાણ કરીને જંગી નફો મેળવવાની લોભામણી સ્કીમો મુકી તેમાં દોઢ હજારથી વધુ ગ્રાહકો બનાવીને તેઓની પાસેથી દસ કરોડ જેવી માતબર રકમ ઉઘરાવ્યા બાદ રાતોરાત વિદેશ ફરાર થયેલા કલરવ પટેલની આજે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેને આજે કોર્ટમાં રજુ કરાતા પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો.
શહેરના ભાયલીરોડ પર રહેતા કલરવ વિનોદ પટેલે ગત ૨૦૦૭ની સાલમાં આસ્મા ગ્રુપ અને સ્માર્ટ સોલ્યુશન સહિત અલગ અલગ નામે કંપનીઓ ઉભી કરી હતી અને તેમાં રોકાણ કરનાર ગ્રાહકો માટે લલચામણી સ્કીમો મુકી હતી. તેની સ્કીમો પર ભરોસો મુકી રાજ્યભરના ૧૫૦૦થી વધુ ગ્રાહકોએ ૧૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. જાેકે જંગી નાણાં ભેગા થતા જ કલરવ રાતોરાત તાન્ઝાનિયા ફરાર થઈ જતા તેના વિરુધ્ધ ૨૦૦૭માં વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં કાવત્રુ રચીને ઠગાઈ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન પંદર વર્ષ સુધી તાન્ઝાનિયામાં છુપાયેલો કલરવ ઈન્ડિયા આવતો હોવાની જાણ થતાં જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ પર પહોંચી કલરવને ઝડપી પાડ્યો હતો.
અત્રે લવાયેલા કલરવે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા તેને સારવાર તેમજ કોવિડ ટેસ્ટ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગઈ કાલે સાંજે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પી બી દેસાઈએ તેની ધરપકડ કરી હતી. આજે કલરવને અત્રેની કોર્ટમાં રજુ કરવામાં આવતા પોલીસે તેના રિમાન્ડની માગણી કરી હતી. કલરવ પંદર વર્ષ અગાઉ દસ કરોડથી વધુ નાણાંની ઠગાઈ કરીને ભાગ્યો હોઈ તેની પાસેથી રોકાણકારોના નાણાં રિકવર કરવાના બાકી છે, તેને જે કંપનીઓ ખોલેલી તેમાં અન્ય કોણ કોણ ભાગીદાર હતા અને તેઓને આ ઠગાઈમાં કેટલો ભાગ મળ્યો છે , ઠગાઈના નાણાંનું કલરવ પટેલે ક્યાં રોકાણ કર્યું છે અને તેનાથી કોઈ સ્થાનિક-જંગમ મિલકતો ખરીદી છે કે કેમ અને અત્રેથી ભાગ્યા બાદ તે કોના કોના સંપર્કમાં હતો વિગેરે મુદ્દાઓની તપાસ કરવાની બાકી હોઈ અદાલતે પોલીસની રિમાન્ડ અરજીને મંજુર કરતા ઠગ આરોપી કલરવ પટેલને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.