કાકુડાઃ ચલત મુસાફિર કટ ગયો હો..!

એક એવું ગામ જેના દરેક ઘરમાં બે દરવાજા છે. એક મુખ્ય અને બીજાે નાનો. દર મંગળવારે સાંજે સવા સાત વાગે આખું ગામ ખાલી..! બધાં ઘરમાં ભરાય જાય. અને મુખ્ય દરવાજાે બંધ કરી નાનો દરવાજાે ખોલી નાંખે. કેમ..? કોના માટે..? તો કહેવાય કાકુડા માટે. ગામનું નામ રતૌડી. અને હા, જાે કોઈ એમ ન કરે તો કાકુડા એ નાનો દરવાજાે જાતે ખોલી કાઢે. અ દરવાજા બહાર બે પગ લટકતાં દેખાય. અને એ ઘરના યુવાનની પીઠ પર મોટુ કુબડ નીકળે. બરાબર તેર દિવસ સુધી તડપ્યા પછી તેનું મોત..! આવું ગામના અનેક યુવાનો સાથે થઈ ચૂક્યું છે, કારણ ગામને કાકુડાનો શ્રાપ છે.

આદિત્ય સરપોતદાર દિગ્દર્શિત ફિલ્મ કાકુડાની વાર્તા અવિનાશ દ્વિવેદી અને ચિરાગ ગર્ગે લખી છે. રિતેશ દેશમુખ, સોનાક્ષી સિન્હા, હુમા કુરેશીનો ભાઈ સાકિબ સલીમ અને આસિફ ખાન અભિનિત આ ફિલ્મ આ મુખ્ય ચાર કળાકારો પર જ કેન્દ્રિત છે. ફિલ્મનો વિચાર લેખક અવિનાશ દ્વિવેદીને ત્યારે આવ્યો જ્યારે એણે ખરેખર એક એવું ગામ જાેયું હતું જેમાં દરેક ઘરને બે દરવાજા હતાં. આ લોકકથા પાછળનો સંદર્ભ એટલો જાેરદાર હતો એ વાર્તા પર આધારિત ફિલ્મ બનાવવાની શક્યતા દેખાઈ. ફિલ્મના પાત્રો અને અન્ય ઘણી બાબતો કાલ્પનિક છે, ગામનું નામ પણ. ટૂંકમાં ફિલ્મનો આધાર લોકકથા છે, પણ સર્જકોએ તેના આધારે પોતાનું કથાનક ઉભું કર્યું છે. દિગ્દર્શક આદિત્ય સરપોતદારે આ પહેલાં 'મુંજ્યા’ અને 'ઝોમ્બીવાલી’ જેવી હોરર કોમેડી ફિલ્મો બનાવી છે.

સની(સાકિબ સલીમ) અને ઇન્દિરા(સોનાક્ષી સિન્હા) એકબીજાના પ્રેમમાં છે, પણ ઈન્દિરાના પિતા (રાજેન્દ્ર ગુપ્તા) એવા છોકરા સાથે ઈન્દિરાના લગ્ન કરાવવા છે જે ફર્રાટેદાર અંગ્રેજી બોલતો હોય. ઈન્દિરા અનેક છોકરાઓને રીજેક્ટ કરી ચૂકી છે, કારણ તેણીને તો સની સાથે લગ્ન કરવા છે. અનેક કોશિશ પછી બંને ભાગીને લગ્ન કરવાનું નક્કી કરે. પંડીત લગ્નનું મુહૂર્ત મંગળવારે સાંજે પાંચ વાગ્યાનું નક્કી કરે. પણ સનીએ સવા સાત વાગ્યા પહેલાં ઘેર પહોંચી ઘરનો મુખ્ય દરવાજાે બંધ કરી કાકુડા માટે નાનો દરવાજાે ઉઘાડવાનો છે. લગ્ન તો થઈ જાય પણ દરવાજાે ઉઘાડવામાં ચૂક થતાં સનીની પીઠ પર મોટું કુબડ નીકળે અને તેર દિવસ પછી તેનું મૃત્યુ થશે.

ફિલ્મની મઝા એ છે કે ફિલ્મની શરૂઆત જ રોચક છે. આરંભથી જ ફિલ્મ દર્શકને જકડવામાં સફળ રહે છે. સુમસામ રસ્તે આગળ વધતી એવા સ્થાને ઉભી રહે જ્યાં દૂર-દૂર સુધી કંઈ જ દેખાતું નથી. એક વૃદ્ધ ઉતરે અને સમય થઈ ગયો હોવાથી સાયકલ ભગાવતો ગામ પહોંચે. ટાવરની ઘડીયાળમાં સવા સાત વાગ્યાના ટકોરા પૂરા થાય તે પહેલાં તે ઘરમાં દાખલ થઈ જાય.

“હાય રે લલના, હાય રે મુન્ના જા વૈકુંઠ.ચલત મુસાફિર કટ ગયો હો..!” ગીત ફિલ્મની હાઈલાઈટ છે, કારણ જ્યારે પણ કોઈને કુબડ નીકળે એટલે લાલ વસ્ત્રોમાં સજ્જ ગામની સ્ત્રીઓ તેના ઘેર પહોંચી જાય. કુબડ નીકળેલ યુવકને ધોતી પહેરાવી સામે બેસાડાય અને તેની વિદાય(મૃત્યુ)ને આ ગીત સાથે સેલિબ્રેટ કરવામાં આવે..! હવે ઈન્દિરાના સનીનું પણ આવું જ થશે. જાે કે ઈન્દિરા આને અંધશ્રદ્ધા માને છે એટલે ગામલોકોની ના છતાં સનીને ઈલાજ કરાવવા દિલ્હી લઈ જાય. કુબડ સાથે કોઈ હાડકું જાેડાયેલ નથી, એ માત્ર માંસનો પીંડ હોય તેનું ઓપરેશન થાય. કુબડ નીકળી જાય. જાે કે બીજી સવારે કુબડ પાછું નીકળી આવે..! ઘેર પાછા જતી વખતે એક વ્યક્તિ મળે જે હોસ્પિટલમાં વોચમેન છે. એનું નામ વિકટર જેકોબ જે ઘોસ્ટ હંટર પણ છે. તેને રતૌડી બોલાવાય. અને શરૂ થાય ભૂત અર્થાત કાકુડાને પકડવાની કવાયત. વિકટર જેકોબની ભૂમિકા રીતેશ દેશમુખે ભજવી છે.

કાકુડા, તેની શૈલી અનુસાર, દર્શકને હસાવે અને ડરાવે છે. હીરામંડી પછી સોનાક્ષી સિન્હા ફરી એકવાર ડબલ રોલમાં (ઈન્દિરા અને ગોમતી) તરીકે જાેવા મળે છે. ગોમતીને ઉંઘમાં ચાલવાની બિમારી છે એટલે તેણીની સગાઈ પણ તૂટી ગઈ હતી. ગોમતીએ પોતાના જ ઘરમાં કેદ રહેવું પડે છે. રાત પડતા જ ગોમતીના રૂમનો દરવાજાે ઘરના જ લોકો બહારથી બંધ કરી દે છે.

ફિલ્મમાં રિતેશ દેશમુખની એન્ટ્રી થોડી મોડી છે, પરંતુ જ્યારે તે સ્ક્રીન પર આવે છે, પછી એ ધમાલ મચાવે છે. ઘોસ્ટ હંટર તરીકે અજીબ વેશભૂષા, મેકઅપ અને બોલચાલ. કરંટ મીટર જેવાં દેખાતા યંત્રથી ભૂતની હાજરી પકડી પાડવામાં કે ચીસાચીસ કરતા ભૂતના ખિખિયાટને ડિકોડ કરતો રમૂજ કરાવે છે. આમ પણ શરારતી રોલ રીતેશ બહુ ફાવે છે અને એટલે જ કાકુડા ફિલ્મમાં એ છવાઈ જાય છે. સાથે કાકુડાના સત્યને પણ શોધે છે. ફર્રાટેદાર અંગ્રેજી બોલતો હોવાથી ઈન્દિરાના પિતા તેનામાં જમાઈ જૂએ છે. વિકટર પણ ગોમતી તરફ આકર્ષાય છે. સનીના દોસ્ત કિલવિશના પાત્રમાં આસિફ ખાન હસાવે પણ છે અને ડરાવે પણ છે. સાકિબ સલીમ અભિનેતા તરીકે નબળો છે.

ફિલ્મનું શૂટિંગ અદ્‌ભૂત લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. દિગ્દર્શક આદિત્ય સરપોતદારનો હોરર કોમેડી અનુભવ જાેરદાર રીતે કરાવે છે. સાથે લાગણીશીલ દ્રશ્યો પણ ખરા. ફિલ્મમાં ફહ્લઠનો ઉપયોગ સચોટપણે કરાયો છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોરર અને કોમેડી બંને ભાવ રચવામાં સફળ રહ્યું છે. હા, ફિલ્મે શરૂઆતમાં ઉભી કરેલ રહસ્ય અને રોમાંચની પકડ જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તેમ ઢીલી પડતી જાય છે. કેટલીક જ્ગ્યાએ ફિલ્મ અનુમાનિત લાગે છે. શું વિક્ટર અને ઈન્દુ મળીને સનીને બચાવી શકશે? જવાબ હા છે તો કેવી રીતે..? અને ના હોય તો કેમ..? ગામલોકોને દર્દનાક મોત આપનાર કાકુડા સત્ય શું છે..? કાકુડાની પાછળનું રહસ્ય શું છે..? એ કોણ છે..? સવાલોના જવાબ માટે તો ફિલ્મ જાેવી પડશે. અને ફિલ્મ જાેવી તમને ગમશે પણ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution