કાગઝ-૨ઃ સિસ્ટમ સામે અસહાય બાપની પીડાને રજૂ કરતી ફિલ્મ

લેખકઃ તરૂણ બેન્કર


૯ માર્ચ,૨૦૨૩ના દિવસે ફાની દુનિયાને છોડી ગયેલા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ કાગઝ-૨ હાલમાં જ રીલીઝ થઈ. વિનસ એન્ટરટેઈનમેન્ટના નિર્માતા રતન જૈને કાગઝ-૨ થકી દિવંગત અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી છે, કારણ આ અભિનેતા અને દિગ્દર્શક તરીકે તેમની છેલ્લી ફિલ્મ છે. ફિલ્મનો આધાર રાજકીય રેલીઓ અને રસ્તા પરના વિરોધને કારણે ટ્રાફિક જામના કારણે લોકોને વેઠવી પડતી સમસ્યા છે. વી.કે. પ્રકાશના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પાંચસોથી વધુ ફિલ્મમાં અભિનય કરનાર અનુપમ ખેર વકીલની ભૂમિકા છે. આ ઉપરાંત દર્શન કુમાર, નીના ગુપ્તા, સ્મૃતિ કાલરા, કિરણ કુમાર, કરણ રાઝદાન અને અનંગ દેસાઈએ અગત્યની ભૂમિકા ભજવી છે.


ફિલ્મની મૂળ વાર્તા એવી છે કે યુપીએસસીમાં ટોપર થયેલ સતીશ કૌશિકની દીકરી કબાટ પરથી બેગ ઉતારવાના પ્રયાસ દરમિયાન અચાનક ટેબલ પરથી પડી જાય છે. માથામાં ગંભીર ઈજા થાય છે. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે. પ્રાઈવેટ વાહન લઈ હોસ્પિટલ તરફ આગળ તો વધે છે પણ, રસ્તામાં ટ્રાફિક જામ છે. કારણ પોતાનો રાજકીય રસ્તો બનાવવા નેતાજી રેલી લઈને નિકળ્યા છે. ટ્રાફિક જામને કારણે પિતા સતીશ કૌશિક ઘાયલ દીકરીને સમયસર હોસ્પિટલ લઈ જઈ શકતા નથી અને પુત્રી આર્યા રસ્તોગીનું મૃત્યુ થાય છે. સતીશ કૌશિક પુત્રીના મૃત્યુ માટે આ કેસ લડે છે. ફિલ્મનો મુળભુત વિષય પણ આ જ છે. પોતાનો રાજકીય રસ્તો બનાવવા માટે બીજાના માર્ગને અવરોધશો નહીં. રાજકીય રેલીઓ અને વિરોધને કારણે વારંવાર ટ્રાફિકજામ થાય છે, જેના કારણે સામાન્ય લોકોને અસુવિધા થાય છે. જોકે ફિલ્મમાં આ મુદ્દાનો આરંભ ફિલ્મ લગભગ અડધી પૂરી થવા આવે છે, ત્યારે કરાયો છે..! ટૂંકમાં દિગ્દર્શક અને વાર્તા લેખક ફિલ્મને તેના મૂળ મુદ્દા સુધી પહોંડવામાં અડધી ફિલ્મ ખર્ચી નાખે છે.


આમ જાેવા જઈએ તો કાગઝ-૨ એ ૨૦૨૧માં આવેલ અને પંકજ ત્રિપાઠી અને મોનલ ગજ્જર અભિનિત ફિલ્મ કાગજની સિક્વલ છે. જાે કે પહેલી અને બીજી ફિલ્મને સીધી રીતે કંઈ લેવા-દેવા નથી, કારણ બંનેનું ક્લેવર, સ્ટોરી લાઈન અને ટ્રીટમેન્ટ બિલકુલ જુદા છે. આ સીરીઝની પહેલી ફિલ્મ કાગઝ સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી. કાગઝ-૨ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. ત્યારે આ ફિલ્મ બોક્ષ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે? ફિલ્મો જાેવા માટે થિયેટરોમાં કેટલા દર્શકો થિયેટરોમાં આવશે? તેનો જવાબ મળવો કે શોધવો અઘરો છે.


જાે કે ફિલ્મનો આરંભ ઈન્ડિયન મિલેટરી એકેડેમીથી થાય છે. ઉદય રાજ (દર્શન કુમાર) અને તેનો મિત્ર સત્તે (અનિરૂદ્ધ દવે) જેનો તે ચાહક છે. ફોલોઅર છે, તે બંને અહીં તાલીમ લઈ રહ્યા છે. કારણ બાળપણમાં જ સત્તેએ સોલ્જર બનાવાનું નક્કી કરી લીધું હતું, એટલે ઉદયે પણ સોલ્જર બનાવાનું નક્કી કર્યુ..! જાે કે અહીં તેને ફાવતુ નથી. એક બનાવના પગલે તેમને નીચલી કક્ષામાં પરત મોકલાય ત્યારે ઉદય એકેડેમી છોડી પરત ઘેર આવે છે. ત્યારે ઘણાં ભેદ ખૂલે છે. ઉદયના પિતા રાજ નારાયણ સિંહ તેને બાળપણમાં છોડીને જતા રહ્યા હતાં. તેની મા (રાધિકા ચૌહાણ) જે બુટિક ચલાવે છે તેમાં મદદ કરનાર અભિજિત સાથે લાગણીના તાંતણે બંધાયેલ છે. બીજી તરફ પિતા ઉદય પ્રતાપ સિંહ એકલા રહે છે. બિમાર હોવાથી પુત્રને મળવા બોલાવે છે. દીકરો કમને ત્યાં જાય છે. ખબર પડે છે કે તેમને કેન્સર છે અને તેના ઈલાજ માટે બોનમેરોની જરૂર છે. ઉદયને આમેય અફસોસ છે કે જાે તે તેના પિતાના ઉછેરમાં મોટો થયો હોત તો તેના જીવનનું લક્ષ્ય અલગ હોત. પરીણામે અહીં ગેરસમજ ઉભી થાય. પિતાને બોનમેરોની જરૂર છે, એટલે તેને બોલાવ્યો છે. ઉદય તૈયાર થાય પણ બદલામાં પાંચ લાખ રૂપિયાની માંગણી કરે..! કેમ..? શા માટે..? ફિલ્મ તો જાેવી પડે ને...


નારાજગી સાથે ઘેર પરત ફરી રહ્યો હોય ત્યારે પિતા રાજનારાયણ સિંહ જે કેસ લડી રહ્યા છે તેની ખબર પડે. એવો કેસ જે આમ આદમીને મૂળભુત અધિકાર ન મળવાના કારણે ઉભો થયો છે. રાજનારાયણ એ લાચાર પિતા સુશિલ રસ્તોગી (સતીશ કૌશિક) માટે લડી રહ્યા છે, જેણે ટ્રાફિક જામના કારણે પોતાની દીકરી ગુમાવી છે. આ કેસ રાષ્ટ્રીય આગેવાન કે. પી. દેવરંજન (અનંગ દેસાઈ) સામે હોવાથી અનેક તકલીફો, ધાકધમકી અને તોડફોડ કરાય તે સ્વાભાવિક છે. પણ બંને પુરૂષ (બાપ) ડર્યા વગર તેનો સામનો કરે. ટૂંકમાં બે બાપની વાર્તા છે, જે ભેગી મળી ત્રીજી વાર્તાને આકાર આપે છે.


કાગઝ -૨ની વાર્તા અંકુર સુમન અને શશાંક ખંડેલવાલે સાથે મળીને લખી છે. સુમન અને શશાંક કાગઝની લેખન ટીમનો પણ ભાગ હતા. બંનેએ ફિલ્મના મૂળ આત્માને જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. વાર્તા પ્રશાસનની એ ઉદાસીનતાની છે, જેના કારણે સામાન્ય લોકોએ પરેશાન થવું પડે છે. જાે કે આડ વાતનો વિસ્તાર એટલો લાંબો છે કે ફિલ્મ તેના મૂળ કથાનક સુધી પહોંચવામાં પોતાનો અડધો સમય ખર્ચી નાંખે છે. છતાંય એવું કહી શકાય કે ફિલ્મ તેનો પ્રભાવ જાળવી રાખે છે. કારણ ટાઈટ સંકલન અને સુંદર અભિનય. દિગ્દર્શનની જવાબદારી દક્ષિણ સિનેમાના જાણીતા નિર્દેશક વી.કે. પ્રકાશે લીધી છે, જે પહેલી ફિલ્મ કાગઝના દિગ્દર્શક સતીશ કૌશિકનું વિઝન જાળવી રાખે છે.


ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા છે પણ તે એકતરફી બનવી જાેઈતી નહતી. વિરોધપક્ષે સક્ષમ નેતાના વકીલ હોવા છતાંય તેમના વકીલો ક્ષુલ્લક દલિલો કરતા નજરે પડે છે. ત્યારે એવું લાગે કે દિગ્દર્શક કોઈ ચોક્કસ મેસેજ આપવા આવું કરે છે કે આવું થવા દે છે..! કોર્ટમાં દલીલો અને દાવપેચ ધારદાર રખાઈ હોત તો, ફિલ્મ વધુ પ્રભાવશાળી બની શકી હોત. કથા, પટકથા અને દિગ્દર્શક અહીં નબળા પડે છે. કારણ ફિલ્મમાં એવાં અનેક પ્રસંગો દર્શાવાયા છે જે માત્ર ઘટના પુરતા જ હોય તેમ લાગે છે. જજ તરીકે કિરણ કુમાર પ્રભાવશાળી લાગવાના બદલે કોઈના પ્રભાવમાં હોય તેવા વધુ લાગે છે. જાે કે અંતે ચુકાદો... અભિનયની વાત કરીએ તો કાગઝ-૨ અનુપમ ખેર અને દર્શન કુમારની ફિલ્મ છે. દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં ન હોવા છતાંય તે પોતાની છાપ છોડી જાય છે. આ ફિલ્મ અનુપમ ખેર પુનઃ તેની અભિનય શક્તિનો પરિચય કરાવે છે. સતીશ કૌશિક લાચાર બાપની ભૂમિકા ચુપચાપ નિભાવે છે. ફિલ્મના અંત ભાગમાં કોર્ટમાં તેની એકોક્તિ દર્શકોની આંખ ભીની કરવા જેટલી સમર્થ બને છે. દર્શનની પ્રેમીકા તન્વી (સ્મૃતિ કાલરા) અને માતા (નીના ગુપ્તા) પાસે નાની ભૂમિકા હોવા છતાંય તેઓ પોતાની છાપ છોડી જાય છે. અસહાય બાપની પીડાને રજૂ કરતી ફિલ્મ એક્વાર જાેવી તો જરૂર ગમશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution