Kabul Blast: તાલિબાનનો મસ્જિદમાં વિસ્ફોટ બાદ ISIS પર હુમલાનો દાવો, ઘણા આતંકવાદીઓ માર્યા ગયાની આશંકા

અફઘાનિસ્તાન-

તાલિબાને સોમવારે જણાવ્યું હતું કે કાબુલમાં એક મસ્જિદની બહાર જીવલેણ વિસ્ફોટના કલાકો બાદ તેના દળોએ અફઘાનિસ્તાનની રાજધાનીમાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણા પર હુમલો કર્યો હતો અને કેટલાક આતંકવાદીઓ માર્યા ગયા હતા. રવિવારે ઇદગાહ મસ્જિદની બહાર વિસ્ફોટમાં પાંચ નાગરિકોના મોત થયા હતા. હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી, પરંતુ હુમલા પછી તરત જ, ઇસ્લામિક સ્ટેટ જૂથ પર શંકા ગઈ, જેણે ઓગસ્ટના મધ્યમાં કાબુલ કબજે કર્યા બાદ તાલિબાન સામે હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. સંગઠનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદની માતાના નિધન પર તાલિબાન અધિકારીઓ મસ્જિદમાં ભેગા થયા હતા.

રવિવારનો હુમલો સૌથી ખતરનાક 

મુજાહિદે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે તાલિબાન દળોએ કાબુલની ઉત્તરે ખૈર ખાનામાં ઇસ્લામિક સ્ટેટ કેન્દ્ર પર હુમલો કર્યો. જો કે, તેમણે એ નથી કહ્યું કે કેટલા IS આતંકવાદીઓ માર્યા ગયા છે અને કોઈ તાલિબાન લડવૈયાઓ પણ ઘાયલ થયા છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી રવિવારના વિસ્ફોટ સૌથી ઘાતક હતા. આ પહેલા 26 ઓગસ્ટના રોજ ઇસ્લામિક સ્ટેટ જૂથે આ ભયાનક હુમલાની જવાબદારી લીધી હતી જેમાં 169 થી વધુ અફઘાન અને 13 અમેરિકન સૈનિકો કાબુલ એરપોર્ટની બહાર માર્યા ગયા હતા. રવિવારે કાબુલમાં થયેલા વિસ્ફોટની માહિતી તાલિબાન દ્વારા આપવામાં આવી હતી. કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ હુમલો ISIS-K એટલે કે ઈસ્લામિક સ્ટેટ-ખોરસન દ્વારા કરવામાં આવ્યો હતો. તે વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખા છે. ISIS ને તાલિબાનનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. જે તાલિબાન સામે સતત હુમલાઓ કરી રહી છે.

લંચ પછી અચાનક હુમલાથી લોકો ડરી ગયા

તાલિબાનને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કાબુલની એક મસ્જિદની બહાર બોમ્બ વિસ્ફોટ થયો છે. પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટ કર્યું કે કાબુલની ઇદગાહ મસ્જિદના પ્રવેશ દ્વાર પર બોમ્બ ધડાકા થયા. જોકે, આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા છે તે અંગે તાલિબાન સરકારે કશું કહ્યું નથી. બપોરના ભોજન બાદ મસ્જિદના ગેટ પાસે અચાનક વિસ્ફોટ થયો. તે સમયે લોકોની ભારે ભીડ હતી, તેથી નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ઘણા લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મસ્જિદની બહાર બોમ્બ બ્લાસ્ટ થયા બાદ ફાયરિંગ પણ થયું હતું.

અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મુજાહિદની માતાનું ગયા અઠવાડિયે અવસાન થયું હતું. આ સંબંધમાં, લોકોને રવિવારે મસ્જિદમાં શોક સભા માટે બોલાવવામાં આવ્યા હતા. હુમલામાં તાલિબાનને નિશાન બનાવવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution