ગાંધીનગર-
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ પુડુચેરીના મુખ્ય સચિવ બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકારે જયંતી રવિને રાજ્યની સેવામાંથી છૂટાં કરવા માટેની ઔપચારિકતા આરંભી દીધી છે. આવતાં સપ્તાહ સુધીમાં જ જયંતી રવિને છૂટાં કરવાનો આદેશ બહાર પડી શકે છે.
પુડુચેરીમાં ૬ એપ્રિલે ૩૦ બેઠકો માટેની વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે, તે પૂર્વે જ જયંતિ રવિ ત્યાં જઈને આ ચાર્જ સંભાળી લેવાનાં છે. તેમના ગયા પછી રાજ્ય સરકારમાં આવતાં સપ્તાહના અંત ભાગ સુધીમાં જ સચિવ તથા અન્ય કક્ષાએ ફરજ બજાવતા આઇએએસ અધિકારીઓની બદલીઓના હુકમો થશે. આ અગાઉ ગુજરાત સરકારના ૧૯૮૭ બેચના લાલનુનમાવિયા ચુઆઉંગોને પ્રતિનિયુક્તિ પર એપ્રિલ ૨૦૧૮માં મિઝોરમના મુખ્ય સચિવ બનાવાયા હતા. તે જ મુજબ જયંતિ રવિને પણ પ્રતિનિયુક્તિ પર પુડુચેરીમાં મુખ્ય સચિવ બનાવાશે.