જંક ફૂડથી બાળકોના માનસિક વિકાસ પર ખરાબ અસર પડે છે

અત્યારની જીવનશૈલીમાં કિશોર ઉંમરના બાળકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. કિશોર વયના બાળકો જંક ફૂડ ખાવાના વધારે શોખીન હોય છે. પરંતુ તેઓ એ વાત અજાણ હોય છે કે જંક ફૂડથી તેમના મગજના વિકાસ પર અસર થાય છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. નવા રિસર્ચના સંશોધક કેસાંદ્રા લોવે અને તેમની ટીમના જણાવ્યા પ્રમાણે, કિશોરાવસ્થા દરમિયાન બાળકો બે રીતે સંવેદનશીલ હોય છે.

એક તરફ બાળકોના મગજમાં નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થઈ રહી હોય છે તો બીજી તરફ તેમના મગજમાં પોતાને ખુશ કરવાની ઇચ્છા વધી જાય છે જેનાથી તેમની ખાવા-પીવાની આદત પર ખરાબ અસર થાય છે. આ બંને કારણોથી કિશોરોના મનમાં નકારાત્મક પરિવર્તન આવે છે. 'ધ લાન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ હેલ્થ' ના જણાવ્યા અનુસાર, કિશોરવસ્થામાં વર્તનમાં ઝડપથી ફેરફાર થાય છે અને તેને રોકવા માટે તે જરૂરી છે કે આ ઉંમરના બાળકોને સ્વસ્થ આહાર આપવામાં આવે તે જરૂરી છે. 

સંશોધકોના જણાવ્યા અનુસાર, કિશોરવયના બાળકો વધુ કેલરી અને ખાંડવાળા ખોરાકનું વધારે સેવન કરે છે કેમ કે, તેમનામાં પોતાની જાતને નિયંત્રણ રાખવાની ક્ષમતા ઓછી હોય છે. આ ઉંમરના બાળકોનો મગજનો વિકાસ થતો હોય ત્યારે આવી સ્થિતિમાં તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે આહારનું સેવન કરે છે. આ ઉંમર દરમિયાન તેમના મગજમા નિયંત્રણની ક્ષમતા ઓછી હોય છે જેના કારણે તેઓ પોતાની જાતને જંક ફૂડ ખાવાથી રોકી નથી શકતા. 

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, એક બીજી બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે જોવું જોઈએ કે કેવી રીતે કસરત મગજમાં થઈ રહેલા આ ફેરફારોને નિયંત્રિત કરી શકે છે અને કિશોરોને વધુ સારા આહારના વિકલ્પ પસંદ કરવામાં મદદ કરી શકે છે. આ રિસર્ચના પરિણામો દર્શાવે છે કે, કસરત મગજના જ્ઞાનાત્મક નિયંત્રણમાં સુધારો કરે છે અને રિવોર્ડ સિસ્ટમની સંવેદનશીલતાને પણ અટકાવે છે, જેનાથી બાળકો જંકફૂડ પસંદ કરવાનું ટાળે છે.

કિશોરવયના બાળકોને જંકફૂડને કારણે મગજને થતા નુકસાન વિશે જણાવવું મહત્વપૂર્ણ છે, જેથી તેઓ સ્વસ્થ આહાર પસંદ કરી શકે.  


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution