આણંદ : અમૂલ ડેરીના નિયામક મંડળની બિનહરિફ સિવાયની બાકી રહી ગયેલી ૧૧ બેઠકો માટેની ચૂંટણી આગામી ૨૯મી ઓગસ્ટના રોજ યોજાવાની છે. એ પૂર્વે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે હરિફ ઉમેદવારોની છેલ્લી યાદી બહાર આવી ચૂકી છે. આ યાદી મુજબ, અમૂલની ૧૧ બેઠકોમાં આણંદ જિલ્લાની ૪ બેઠકો પર રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે. ખાસ કરીને આણંદમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર વચ્ચે સૌથી રસપ્રદ જંગ હશે.
સૂત્રોના જણાવ્યાં મુજબ, અમૂલની ચૂંટણીનો તખતો ગોઠવાઈ ગયો છે. ઉમેદવારોને પ્રતીકોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ પણ ઝંપલાવ્યું છે. આણંદ અને ઉમરેઠ તાલુકાની બનેલી આણંદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત ગોપાલપુરાના પૂર્વ અમૂલના ડિરેક્ટર શિવાભાઈ પરમાર ઊર્ફે શિવરામ મુખી, ખોરવાડના નટવરસિંહ ચૌહાણ અને ખાંધલીના ભરતભાઈ સોલંકી પણ ચૂંટણીના મેદાનમાં ઊતર્યાં છે. જાેકે, આણંદ બેઠક પર રસાકસીનો જંગ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર વચ્ચે હોવાનું મનાઈ રહ્યું છે. બંને ક્ષત્રિય છે અને સહકારી ક્ષેત્રે મજબૂત પકડ ધરાવે છે. કાંતિભાઈ સોઢા પરમાર ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં વાઇસ ચેરમેન છે અને કોંગ્રેસ પક્ષનું સીધું સમર્થન ધરાવે છે. બીજી તરફ ગોવિંદભાઈ પરમાર ચિખોદરા દૂધ મંડળી તરફથી ઉમેદવારી કરી છે. તેઓ ઉમરેઠના ધારાસભ્ય પણ છે. પરિણામે આ બંને વચ્ચેની જંગ પર બધાની નજર ટકેલી છે.
આણંદમાં કુલ ૧૦૭ મતદારો છે. બંને તરફથી ચૂંટણી અભિયાન જાેરમાં શરૂ થઈ ગયું છે. ગણતરીના દિવસો બાકી હોવાથી બંનેએ બેઠક મેળવવા એડીચોટીનું જાેર લગાવ્યું છે. મતદારોને રિઝવવા માટે દરેક પ્રયાસો શરૂ થઈ ગયાં છે.
બંને મજબૂત ઉમેદવારો
સોજિત્રા અને પેટલાદ તાલુકાની બનેલી પેટલાદ બેઠક પર ગયાં વખતે અપક્ષ ચૂંટાઈ આવેલાં પીપળાવના તેજસભાઈ પટેલ અને રંગાઈપુરાના વિપુલભાઈ પટેલ વચ્ચે જંગ જામશે. આમ તો બંને મજબૂત ઉમેદવારો છે, છતાં તેજસભાઈ પટેલનો હાથ અહીં ઉપર દેખાઈ રહ્યો છે. તેજસભાઈ પટેલ ઊર્ફે જીગાભાઈ
પેટલાદ એપીએમસીમાં ચેરમેન પણ છે. તેમનો રેકરેડ એવું કહે છે કે, ગત ઇલેક્શનમાં તેઓએ રામસિંહ પરમારની પેનલના ઉમેદવારને હરાવ્યો હતો.
બંન ધારાસભ્યોને મત કપાવાનો ડર!
બંને ધારાસભ્યોને છોડીને બાકીના ત્રણ ઉમેદવારો દ્વારા પણ મતબેંકમાં ગાબડું પાડવા માટે એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે. હાલ એવું કહેવાઈ રહ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને બીજા ત્રણ ઉમદેવારોને કારણે તેનાં મતો કપાઈ જશે તેવો ડર સતાવી રહ્યો છે.
બોરસદ બેઠક પર રાજેન્દ્રસિંહનો હાથ ઉપર
આંકલાવ અને બોરસદ તાલુકાની બનેલી બોરસદ બેઠક પર અમૂલના વાઈસ ચેરમેન અને બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સામે આંકલાવના જિતેન્દ્રકુમાર પટેલ ચૂંટણી મેદાનમાં છે. અહીં રાજેન્દ્રસિંહ પરમારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. વર્ષોથી તેઓ સહકારી ક્ષેત્રે કાર્યરત છે. ઉપરાંત દૂધ મંડળીઓ ઉપર તેમની મજબૂત પકડ છે. આ બંને બાબતનો લાભ રાજેન્દ્રસિંહ પરમારને મળશે.
ખંભાત બેઠક પર મહિલાઓ વચ્ચે જંગ
તારાપુર અને ખંભાત તાલુકાની બનેલી ખંભાત બેઠક મહિલા અનામત બેઠક છે. પરિણામે આ બેઠકને લઈને અહીં પૂર્વ ડિરેક્ટર ચંદુભાઈ પરમારના પત્ની સીતાબેન પરમાર ઉપરાંત દક્ષાબેન પટેલ અને હિરણાક્ષીબેન પટેલે પણ ઝુકાવ્યું છે.