જુનાગઢ-
જૂનાગઢના રહેવાસીઓ માટે ઉષા બ્રેકો કંપનીએ કરી સ્પેશ્યલ રોપવે પ્રવાસની ઓફર ગિરનાર રોપવે યોજનાના અમલીકરણમાં જૂનાગઢવાસીઓએ આપેલા સહયોગબદલ 29 ઓકટોબરથી 15 નવેમ્બર સુધી ઉષા બ્રેકો એે ટીકીટના દરો ઘટાડી કરી વિશેષ ઓફર કરી છે.
ગિરનાર રોપવે યોજના અમલી બનાવવામાં જુનાગઢવાસીઓએ આપેલા સહયોગની કદર કરીને ગિરનારના અંબાજી મંદિર સુધી જતા વિશ્વના સૌથી લાંબા આ રોપવે માટે ઉષા બ્રેકો લિમિટેડે તેમના માટે વિશેષ ઓફરની જાહેરાત કરી છે.
આ વિશેષ ઓફર માં જૂનાગઢવાસીઓ ગિરનાર રોપવે ઉપર આવવા-જવાની રાઈડનો લાભ રૂ.500 ઉપરાંત જીએસટીના રાહત દરે લઈ શકશે. ઉપરાંત પાંચથી દસ વર્ષની ઉંમર ધરાવતાં બાળકો માટે આ દર રૂ.250 અને જીએસટી જેટલો રહેશે. ઉષા બ્રેકો કંપની દ્વારા આ વિશેષ ઓફરનો લાભ લેવા માટે જૂનાગઢનુ સરનામુ ધરાવતુ આધાર કાર્ડ દેખાડવું પડશે ઉપરાંત કોઈ પરિવાર કે ગ્રુપ સાથે પ્રવાસ કરતી વખતે દરેક સભ્યએ જૂનાગઢનું સરનામુ ધરાવતું આધારકાર્ડ બતાવવું ફરજિયાત રહેશે.
ઉષા બ્રેકોના મેનેજીંગ ડિરેકટર અપૂર્વ જાવર એ જણાવ્યું હતું કે તેમને ગિરનાર રોપવે પ્રોજેકટના અમલીકરણ દરમ્યાન જૂનાગઢવાસીઓએ તેમને જે સહયોગ આપ્યો છે તેની કંપની એ હૃદયપૂર્વક કદર કરી આ વિશેષ ઓફર કંપની તરફથી તેમના સહયોગની કદર કરવા માટે રજૂ કરવામાં આવી છે.જૂનાગઢવાસીઓ માટેની આ વિશેષ ઓફર તા. 29 ઓકટોબરથી 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે. સંજોગવશાત જુનાગઢના ઈતિહાસ સાથે જોડાયેલા બે ઐતિહાસિક પ્રસંગો આ ગાળામાં આવે છે. તા. 31 ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, જેમણે જૂનાગઢનાં દેશી રજવાડાંના ભારત સાથે વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા બજાવી હતી, અને 9 મી નવેમ્બરના રોજ જુનાગઢનો સ્વતંત્રતા દિવસ છે જૂનાગઢના આ ઐતિહાસિક દિવસોને સંભારણું બનાવવા માટે કંપની દ્વારા આ ખાસ વિશેષ ઓફર રજૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.