જુનાગઢ: દારૂ પ્રકરણમાં PSI અને જમાદાર સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ

જુનાગઢ-

જૂનાગઢના બીલખા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી, રૂપિયા ૫૬ લાખના પકડી પાડેલ જંગી જથ્થામાં વિદેશી દારૂ, બિયર અને મુદ્દામાલ પ્રકરણમાં જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજાએ બિલખાના પીએસઆઇ અને બીટ જમાદાર ને સસ્પેન્ડ કરતો હુકમ જારી કર્યો છે.

મળતી માહિતી મુજબ તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના બીલખા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ એ બાતમીના આધારે દરોડો પાડી, બીલખા ગામમાં આવેલ એક ગોડાઉનમાંથી વિદેશી દારૂ તથા બીયરનો જંગી જથ્થો, એક ટ્રક, બે પીકઅપ બોલેરો વાન, સહિત કુલ રૂપિયા ૫૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો, અને આ અંગે સ્ટેટ વિજિલન્સ દ્વારા બીલખા પોલીસ સ્ટેશનમાં ૯ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવા પામી હતી જેની વધુ તપાસ એલસીબીના ઈન્ચાર્જ પોલીસ અધિકારી આર.જી. ચૌધરી ચલાવી રહ્યા છે.

આ ઘટનાના પગલે જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા પ્રદીપસિંહ જાડેજાએ ફરજમાં બેદરકારી બદલ બીલખા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.કે. માલમ તથા બીટ જમાદાર ભાવનાબેન અરજણભાઈ ગોસ્વામીને સસ્પેન્ડ કરતો હુકમ જાહેર કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજમાં બેદરકારી દાખવનાર બિલખાના પીએસઆઇ માલમ અને બીટ જમાદાર બી.એ. ગોસ્વામી સામે ખાતાકીય રીતે કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરતા, જિલ્લાના પોલીસ તંત્રમાં હલચલ મચી જવા પામી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution