જૂનાગઢ-
જિલ્લાના વંથલી તાલુકામાંથી સગીર વયની યુવતીના અપહરણના ગુનામાં યુવકને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ભવનાથમાં કોરોના કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો.
જ્યાંથી આ આરોપી બારીના સળિયા તોડીને રાત્રિના સમયે ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે તેને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. આરોપી કોરોના પોઝિટિવ આવતા તે ડરનો માર્યો કોવિડ કેર સેન્ટરમાંથી ફરાર થયો હતો. આ આરોપી ફરાર થયા બાદ વંથલી તાલુકાના બંટીયા ગામમાં તેના કાકા મજૂરી કામ કરી રહ્યા હતા, ત્યાં જઈને આ યુવક રોકાયો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે આ ફરાર આરોપી યુવકની ધરપકડ કરી હતી અને સમજાવટથી કોરોના જેવી બીમારીમાંથી મુક્તિ પણ મળી શકે છે તેવી સમજણ આપીને તેનો ફરીથી કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જ્યાં આ યુવકનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેને જૂનાગઢમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો.