વડોદરા, તા.૬
વડોદરા શહેરની મધ્યમાં આવેલી જ્યુબિલીબાગમાં કોઈપણ પરવાનગી વગર ખાડો ખોદીને દુકાન વધારવાના પ્રયાસમાં દુકાનદારે ખોદેલો ખાડો પૂરવાની શરૂઆત કરી હતી. પરંતુ બીજી તરફ જ્યુબિલીબાગ વેચવાનું કૌભાંડ પણ દાટી દેવાયું? તેવી ચર્ચા પાલિકાની લૉબીમાં શરૂ થઈ છે.
વડોદરા કોર્પોરેશને ભાડાપટ્ટે આપેલી દુકાનો પૈકીના દુકાનદારે જ્યુબિલીબાગ પાછળના ભાગે કોઈપણ પરવાનગી વગર ખાડો ખોદીને દુકાનને ગેરકાયદે વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે એક સ્થાનિક કાઉન્સિલર અને શિક્ષણ સમિતિના એક સભ્યએ મેયરનું ધ્યાન પણ દોર્યું હતું. જાે કે, બગીચામાં મંજૂરી વગર ગેરકાયદે ખોદાયેલા ખાડા સંદર્ભે સ્થાયી સમિતિના એક સભ્યએ રૂા.રપ લાખ લઈને ખેલ કર્યો હોવાની વાતને લઈને ખળભળાટ મચી ગયો હતો.
જાે કે, બારોબાર ખાડો ખોદીને બાંધકામના પ્રયાસનો વિવાદ વકરતાં કામગીરી બંધ કરાવવામાં આવી હતી અને પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગે ખાડો ખોદનાર દુકાનદારને નોટિસ આપી રૂા.પ૦,૦૦૦ દંડ કરવાની સથે જગ્યાને મૂળ અવસ્થામાં ફરીથી રિસ્ટોરેશન કરી આપવા સૂચના આપી હતી.
પરંતુ બીજી તરફ પાલિકાની બગીચાની જગ્યામાં ગેરકાયદે ખોદકામથી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના નેતાઓ વાકેફ હોવા છતાં પડદો કેમ પડયો? તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. જાે કે, આખરે બગીચામાં મંજૂરી વગર ખોદાયેલ ખાડો રોડા-છારુ નાખીને ફરી પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ્યુબિલીબાગ વેચવાનું કૌભાંડ પણ દાટી દેવાયું હોવાની ચર્ચા હવે પાલિકાની લૉબીમાં થઈ રહી છે.
મેયર ગંભીર પ્રકરણમાં પગલાં લેતા કેમ ખચકાય છે?
લહેરીપુરા ગેટના રિપેરિંગ સંદર્ભે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને પત્ર લખી ફોજદારી રાહે પગલાં લેવાની ચીમકી આપનાર મેયર જ્યુબિલીબાગમાં ગેરકાયદે ખોદકામના આ કિસ્સામાં પગલાં લેતાં કેમ ખચકાય છે? કોર્પોરેશનની મિલકતોની જાળવણીની પાલિકાના ટ્રસ્ટી તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી છે તેવી ચર્ચાઓ પણ હવે થઈ રહી છે.