રશિયન રુલેટનો ખેલ ખેલીને રોમાંચિત થતાં જ્હોન મૈકાફીએ છેવટે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી!

લેખકઃ દીપક આશર | 

વર્ષ ૧૯૮૬ની વાત છે. જ્હોન એક મેગેઝિન વાંચી રહ્યો હતો. આ મેગેઝિનમાં જ્હોનને બ્રેન વાઇરસ પર એક આર્ટિકલ વાંચવા મળ્યો હતો. બસ, અહીંથી જ જ્હોનની જિંદગી બદલાઈ ગઈ હતી. જ્હોને નક્કી કર્યું કે, તે પોતે એન્ટિવાયરસ પ્રોગ્રામ બનાવશે. તેણે એક નાની કંપની ખોલી અને પોતાના જ નામે નામ રાખ્યું - મૈકાફી અસોસિએટ્‌સ. તે કમ્પ્યૂટર્સને વાયરસથી સુરક્ષિત રાખવા માટે સોફ્ટવેર બનાવવા લાગ્યો હતો. તેણે પોતાના પહેલાં કોડ પ્રોગ્રામને નામ આપ્યું - વાયરસ સ્કેન. શરૂઆતમાં તેણે બનાવેલું એન્ટિવાયરસ મોટી કંપનીઓને ફ્રીમાં આપવાનું શરૂ કર્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ ફોચ્ર્યૂન ૧૦૦ ની લગભગ ૫૦ ટકા કંપનીઓ મૈકાફી એન્ટિવાયરસ યૂઝ કરવા લાગી હતી. કંપનીઓએ મૈકાફીને લાયસન્સ આપવાનું પણ શરૂ કરી દીધું હતું. ૧૯૯૦ સુધીમાં તો મૈકાફીનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં પહોંચી ગયું હતું અને છેવટે એન્ટિવાયરસની દુનિયામાં મૈકાફીનું નામ થઈ ગયું હતું.

વર્ષ ૧૯૯૪માં જ્હોને રાજીનામું આપી કંપનીમાંથી છુટો થઈ ગયો હતો. જ્હોન પાસે લગભગ ૬૦૦ કરોડના શેર્સ આવી ગયાં હતાં. વર્ષ ૨૦૧૦માં કમ્પ્યૂટર ચીપ બનાવતી કંપની ઇન્ટેલે મૈકાફીને ખરીદી લીધી હતી. આપણે હવે ફરી જ્હોનની કહાની પર આવીએ. મૈકાફી આસોસિએટ્‌સમાંથી નીકળી ગયાં પછી પણ જ્હોનટેક બિઝનેસમાં ટકી રહ્યો હતો. તેણે ફાયરવોલ બનાવતી કંપનીઓમાં રોકાણ શરૂ કર્યું હતું. રોકાણકારની સાથે હવે જ્હોન બિઝનેસ ગુરુ પણ કહેવાતો હતો. સ્ટાર્ટઅપ શરૂ કરનારા લોકો હવે જ્હોનને કન્સલ્ટ કરતાં હતાં. અલબત્ત, જ્હોન પાસે હવે પૈસા અને પ્રતિષ્ઠા બંને આવી ગયું હતું.

હવે સીધાં આવીએ નવી સેન્ચૂરી તરફ. વાત વર્ષ ૨૦૦૭-૦૮ની. દુનિયાભરમાં વૈશ્વિક મંદી આવી ચૂકી હતી. મૈકાફીનો બિઝનેસ ધરાશાય થઈ ગયો હતો. રોકાણકારો ડૂબી ગયાં હતાં. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોેર્ટ મુજબ મંદી પૂર્વે કંપની પાસે રૂ.૭૫૦ કરોડની સંપત્તિ હતી. મંદી પછી આ સંપત્તિ માત્ર રૂ.૩૦ કરોડ બચી હતી ! જ્હોન પર મુસિબતોનો પહાડ તૂટી પડ્યો હતો. ગભરાઈને જ્હોને એક એસ્કેપ પ્લાન બનાવ્યો, દેશ છોડીને ભાગી છૂટવાનો. એણે વિચાર્યું કે, બધું વેચીને કોઈ બીજા દેશમાં ભાગી જાઉં તો કોઈ મારું કંઈ બગાડી નહીં શકે. એટલાં માટે જ જ્હોને અમેરિકાની તેની બધી સંપત્તિની નિલામી કરી દીધી. ઘર, કાર, પોતાનું પ્રાઇવેટ એરપોર્ટ વગેરે બધુ વેચી નાખ્યું. બધા પૈસા ભેગાં કરીને તે બલીઝ પહોંચી ગયો હતો.

બલીઝ સેન્ટ્રલ અમેરિકામાં આવેલો એક નાનકડો દેશ છે. એક બાજુ જંગલો અને બીજી તરફ સમુદ્ર. એપ્રિલ, ૨૦૦૮માં જ્હોન અહીં શિફ્ટ થઈ ગયો હતો. તેનાં મનમાં હવે શહેનશાહોની જેમ જીવવાની ઈચ્છા હતી. તેણે સમુદ્રના કિનારે એક આલિશાન ઘર બનાવ્યું, તે અહીં આરામથી પિયાનો વગાડતો હતો અને સુખ-શાંતિની જિંદગી જીવવા લાગ્યો હતો. અહીં જ્હોને એક મોટું કામ કર્યું હતું. તેની પાસે બધી સુખ-સગવડો હતી, પણ ઘરમાં ઇન્ટરનેટ નોહતું! જ્હોન એવું સમજતો હતો કે, ઇન્ટરનેટ હશે તો તેને ફોલો કરવામાં આવશે અને તેની પ્રાઇવેસી ખતમ થઈ જશે. અહીં જ્હોને દુનિયાભરની બધી મોજમસ્તી કરી હતી. સાથે સાથે તેણે અહીં બિઝનેસ પણ શરૂ કર્યાં હતાં.

અલબત્ત, જ્હોનની આ ઐયાશ દુનિયા વધારે ટકી નહીં. તેની ગતિવિધિઓ સરકારના નિશાને ચડી ગઈ હતી. આરોપ હતો કે, જ્હોન પોતાની પ્રાઇવેટ આર્મી તૈયાર કરી રહ્યો છે, જેથી મોટાપાયે ડ્રગ્સનો કારોબાર કરી શકે. આ લેખની શરૂઆતમાં મેં ઉલ્લેખ કર્યો હતો આ વાતનો. એ પછી એક પત્રકાર તેનો ઇન્ટરવ્યૂ લેવાં પહોંચ્યો હતો. આ પત્રકાર હતા - જાેશુઆ ડેવિસ. ખેર, જ્હોન પરના આરોપો પછી સરકારે વારંવાર તેનાં ઘર પર છાપા માર્યાં હતાં, પણ કંઈ મળ્યું ન હતું. આ આરોપ પુરવાર થાય એ પહેલાં ૨૦૨૧માં જ્હોન પર તેનાં પડોશીની હત્યાનો આરોપ લાગ્યો હતો. પોલીસે પૂછપરછ માટે તેની ધરપકડ કરી હતી. જાેકેે, જ્હોન સામે પોલીસને છેવટે કોઈ પૂરાવાઓ મળ્યાં ન હતાં અને અનેક હરેસમેન્ટ પછી જ્હોનને છોડી મુકવામાં આવ્યો હતો.

જ્હોનને લાગ્યું કે, હવે અહીં બલિઝમાં રહેવું સુરક્ષિત નથી. તેણે ત્યાંથી ભાગવાની કોશિશ કરી અને ખબર આવી કે, જ્હોનને ગુઆટેમાલામાં અરેસ્ટ કરવામાં આવ્યો છે. તે ગેરકાયદે દેશમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો. જ્હોને ગુઆટેમાલા સરકાર પાસે આશરો માગ્યો પણ સરકારે તેને અમેરિકા ડિપોર્ટ કરી દીધો હતો. અલબત્ત, જ્હોન જે અમેરિકાથી ભાગ્યો હતો, નસીબે ફરી ત્યાં જ પટકી દીધો હતો. એ પછી અમેરિકામાં પણ જ્હોન પર વિવિધ કેસ નોંધાતા રહ્યાં હતાં. છેલ્લે ૨૦૧૬માં ખબર આવી કે, જ્હોન રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો છે. બધું છેવટે ઠરી ગયું અને ૨૦૧૯માં પ્લોરિડાની એક કોર્ટે મર્ડર કેસમાં જ્હોનને દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. જ્હોન અહીં પણ આડો ચાલ્યો અને દંડ ભરવાનો ઇન્કાર કરી દીધો. ઉપરથી ટ્‌વીટ કરીને ચેલેન્જ આપતાં લખ્યું કે, છેલ્લાં ૧૧ વર્ષમાં મારી ઉપર આવાં ૩૭ કેસ ચાલ્યાં છે અને એકમાં પણ દંડ ભર્યો નથી. એ પછીના વર્ષોમાં જ્હોન પર ક્રિપ્ટોકરન્સીમાં ફ્રોડ અને ટેક્સ ચોરીના મામલાઓ પણ ચાલ્યાં હતાં. કાર્યવાહીથી બચવા માટે જ્હોન ફરી દેશ છોડીને ભાગી ગયો હતો. અહેવાલો મુજબ, પકડાઈ ન જવાય એ માટે મહિનાઓ સુધી તે સમુદ્રમાં એક જહાજ પર રહ્યો હતો.

લાંબી ચોર પોલીસની રમત પછી ૩ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સ્પેનના બાર્સોલોના એરપોર્ટ પર તે ઝડપાઈ ગયો હતો. બાર્સોલોનાથી ફ્લાઇટ પકડીને તે ઇસ્તુંબલ જઈ રહ્યો હતો. સ્પેનની પોલીસે તેને જેલમાં ધકેલી દીધો હતો. બીજી બાજું અમેરિકા જ્હોનનો કબજાે માગી રહ્યું હતું. જ્હોને અદાલતને અપીલ કરી હતી કે તેને અમેરિકા મોકલવામાં ન આવે. તેણે અદાલતને એવું કહ્યું હતું કે - હું ૭૫ વર્ષનો છું. મને અમેરિકા મોકલશો તો મારી પાછલી જિંદગી જેલમાં જતી રહેશે. મારી સાથે અન્યાય થશે, સ્પેનની અદાલત આ અન્યાય નહીં થવા દે.

ગત ૨૩ જૂને સ્પેનની અદાલતે ફેંસલો સંભળાવ્યો અને જ્હોનને અમેરિકા મોકલવાની પરવાનગી આપી દીધી હતી. બસ, સ્પેનની અદાલતે પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધાં પછી થોડાં કલાકોમાં જ જ્હોનના મોતની ખબર દુનિયાને મળી ગઈ હતી. સ્પેનની ઓથોરિટીના જણાવ્યાં મુજબ, જ્હોન તેની કોઠડીમાં ફંદા સાથે લટકતો મળ્યો હતો. રશિયન રુલેટનો ખેલ ખેલીને રોમાંચિત થતાં જ્હોન મૈકાફીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી !

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution