જ્યારે પણ ભારત ઓલિમ્પિક્સ કે એશિયન ગેમ્સમાં સારો દેખાવ ન કરે ત્યારે આપણા પાનના ગલ્લાઓ પર ચર્ચા શરુ થઇ જાય છે કે ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચર નથી. લોકો તો આ ચર્ચા કરીને ઘરે પાછા જઈને ઊંઘી જતા હોય છે, પણ ખરેખર ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચર કેમ નથી એની ચિંતા કોઈ નથી કરતું હોતું. જાે ભારતીયો મોટા પ્રમાણમાં આ પ્રકારની ચિંતા કરતા હોત ઉપર કહેલા બે રમતોત્સવમાં આપણા ખેલાડીઓ ઢગલાબંધ મેડલ્સ લાવત.
છેલ્લા અમુક વર્ષમાં પરિસ્થિતિ સુધરી છે, પરંતુ આપણા સમાજમાં ખેલાડીઓને તો જવા દો તેમના પરફોર્મન્સ અને તે પણ વિજયી પરફોર્મન્સમાંથી પણ ભૂલો કાઢવાની ટેવ છે. હવે આવામાં કોણ ખેલાડી બનવાની ઈચ્છા રાખશે અને કોણ સારું રમવાનો પ્રયાસ કરશે એ એક મોટો પ્રશ્ન છે.
૧૯૯૨માં ભારતની કદાચ પહેલી સ્પોર્ટ્સ સાથે સંપૂર્ણ સંબંધ ધરાવતી ફિલ્મ ‘જાે જીતા વોહી સિકંદર’ આ જ પ્રકારનો સંદેશ આપે છે. આપણે આજે ફિલ્મની વાર્તા વિશે લાંબી ચર્ચા નહીં કરીએ. પરંતુ આ ફિલ્મમાં બે વખત આ સંવાદ આવે છે જેમાં અનુક્રમે કુલભૂષણ ખરબંદા અને અસરાની તેને ફિલ્મની શરૂઆત અને અંતમાં દોહરાવે છે તેની પાછળ રહેલા સંદેશને સમજીશું.
જ્યારે કુલભૂષણનો લાયક દીકરો માર્મિક ફિલ્મની શરૂઆતમાં ફક્ત અમુક સેકન્ડ માટે સાયકલ રેસ જીતતાં જીતતાં રહી જાય છે, ત્યારે અસરાની કહે છે કે આજે તો એ જીતી જ જવાનો હતો, બસ, થોડી સેકન્ડોથી રહી ગયો. ત્યારે કુલભૂષણ ખરબંદા જે બોલે છે તેનો અર્થ એ નીકળે છે કે બસ થોડા માટે રહી ગયા એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે કોઈ જીતી ગયું, અને જાે જીતા વોહી સિકંદર!
તો છેલ્લે જ્યારે કુલભૂષણનો નાલાયક દીકરો આમિર ખાન જે એક આકસ્મિક ઘટનાને કારણે સુધરી જઈને અને મહેનત કરીને એ જ રેસ જીતી બતાવે છે ત્યારે અસરાની જેને તેઓ કોઇપણ કામ માટે લાયક નહોતા ગણતા એવા આમિરની જીતને જાેઇને કુલભૂષણે જે શરૂઆતમાં કહ્યું હતું તેને માની જાય છે અને કહે છે કે ખરેખર, જાે જીતા વો હી સિકંદર!
આપણે ત્યાં ક્રિકેટનું અનેરું મહત્વ છે. ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ ઘણીબધી નાલેશીભરી હાર મેળવી છે તો ઘણી અશક્ય લાગતી જીતના દ્વાર સુધી પહોંચીને પણ ટીમ મેચ હારી છે. ટીમ જ્યારે મેચ હારે ત્યારે તેની ચર્ચા થાય એ તો બરાબર છે જ, પરંતુ જ્યારે ટીમ જીતે ત્યારે પણ ‘જાે અને તો’ને વચ્ચે મૂકીને આપણા દેશવાસીઓ એ જીતના મહત્વને ઘટાડે ત્યારે આ કુલભૂષણ ખરબંદા અને અસરાની યાદ આવી જતા હોય છે.
હમણાં જ રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં જ્યારે ભારત જીતની નજીક હતું, પરંતુ જીત પાક્કી ન હતી ત્યારે છેલ્લી ઓવરના પહેલાં બોલે સૂર્ય કુમાર યાદવે લોંગઓફ બાઉન્ડ્રી પર એક અદ્ભુત કેચ પકડી બતાવ્યો હતો. આ કેચને લીધે ભારતની જીત પાક્કી થઇ ગઈ હતી. ખરેખર તો આ કેચ માટે સૂર્ય કુમાર યાદવની સ્કિલ્સની થાય એટલી પ્રશંસા ઓછી છે.
મોટાભાગના લોકોએ આ કેચની પ્રશંસા કરી પણ ખરી, પરંતુ આપણે ત્યાં અમુક લોકોની આદત છે ને કે તેઓ કાયમ જીતના દૂધપાકમાંથી પોરાં કાઢવા જ બેઠા હોય છે. આ લોકોએ એક નવી થિયરી શરુ કરી કે ‘જાે સૂર્યાએ એ કેચ ન પકડ્યો હોત તો પછી ભારતને બાકીના પાંચ બોલમાં દસ રન કરવાના આવત અને કદાચ ભારત હારી જાત!’
અરે ભાઈ! જ્યારે એ કેચ થઇ ગયો અને ભારત જીતી ગયું તો પછી જાે અને તો ક્યાંથી આવ્યું? પરિણામ સ્પષ્ટ છે કે ભારતટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ જીતી ગયું અને આપણી ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ તો વાત ત્યાં પૂરી થઇ ગઈ. એટલેકે જાે જીતા વોહી સિકંદર નક્કી થઇ ગયું છે તો પછી આમ થયું હોત અને આમ ન થયું હોત એ બધું ક્યાંથી આવ્યું?
આપણે ભારતીયો આવી નાનીમોટી જીતની ઘટનાઓમાંથી આનંદ લેવાનું ભૂલી જઈને તેમાં ખોટ કે ભૂલ શોધતાં હોઈએ છીએ અને દુઃખી થતાં હોઈએ છે અને તેને કારણે જ આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસવામાં આટલાં બધાં વર્ષો નીકળી ગયા છે.
જાે જીત્યા છીએ તો તેને બે હાથે વધાવી લો ને? હવે એ પરિણામ ક્રિકેટ ઇતિહાસના પાનાંઓમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે એથી એ બદલાઈ જવાનું નથી. તો પછી ‘જાે જીતા વોહી સિકંદર’ની ફિલ્મોસોફી અપનાવીને વિજયનો આનંદ માણો!