વડોદરા : જાણે ઉચ્ચ પોલીસ અધિકારીની કોઈ ધાક જ ન હોય અને મોટાભાગનું પોલીસતંત્ર ‘રોકડી’ કરી લેવામાં વ્યસ્ત હોય એમ છેલ્લાં કેટલાંક મહિનાઓથી વડોદરામાં વધી રહેલી ગુનાખોરીમાં શીર્ષમોર કહેવાય એવો એક ગુનો પોલીસના દફતરે નોંધાયો છે. જેમાં વડોદરા પાણીગેટ પોલીસ મથકના પીઆઈના સગા જમાઈ એવો એક બૂટલેગર દારૂના જથ્થા સાથે પીસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયાનો છે. દારૂ-જુગારના અડ્ડાઓ પાસેથી તગડા હપ્તા વસૂલ કરી છડેચોક ધંધા ચાલવા દેવા પાછળ ઉચ્ચ પોલીસ અધિકારીના આશીર્વાદ હોય જ એમ માનતા સ્ટેટ વિજિલન્સે તાજેતરમાં વડોદરામાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી જંગી જથ્થો ઝડપી પાડયો હતો. આથી પોતાની જાંઘ બચાવવા માટે પીસીબીએ પણ એક અડ્ડા પર દરોડો પાડી સંચાલકને દારૂના જથ્થા સાથે દબોચી તો લીધો, પણ પછી ખબર પડી કે એ બૂટલેગર તો પાણીગેટ પોલીસ મથકના પીઆઈ રાઠવાના જમાઈરાજ છે!
પોતાની આબરૂ બચાવવા માટે પીસીબીએ પાણીગેટ વિસ્તારમાં પાડેલી રેડમાં ઝડપાયેલો આરોપી નીતિન દીપકભાઈ દેવરે પાણીગેટ પોલીસ મથકના સેકન્ડ પીઆઈ રાઠવાનો જમાઈ છે અને યોગાનુયોગ પીઆઈ કોલચા તા.ર૩મીએ રજા ઉપર હોવાથી ચાર્જ પીઆઈ રાઠવા પાસે હતો, એ સમયે પીસીબીએ જ પાડેલા દરોડામાં જુદી જુદી પ્રિમિયમ ક્વોલિટીનો વિદેશી દારૂના ૪૦ હજાર ઉપરાંતના જથ્થા સાથે નીતિન દેવરેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર સેલવાસનો આકર્ષ રાજાવતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પાણીગેટ પીઆઈનો જમાઈ દારૂના જથ્થા સાથે ઝડપાતાં આ મામલાની તપાસ વાડી પોલીસને સોંપવામાં આવી હતી. વાડી પોલીસે નીતિન દેવરેને અદાલતમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને વધુ પૂછપરછ પીએસઆઈ પઢિયાર કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન સેલવાસના આકર્ષ રાજાવત પાસેથી વિદેશી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું જણાવતાં વાડી પોલીસની ટીમ નીતિન દેવરેને સેલવાસ લઈ જઈ દારૂના સપ્લાયર રાજાવતને વોટ્સએપ કોલથી બોલાવતાં આકર્ષ આવ્યો હતો અને બપોરે ર.૩૦ વાગે વાડી પોલીસે તેને ઝડપી પાડી વડોદરા લઈ આવવા રવાના થઈ છે. ત્યાર બાદ કોરોનાનો ટેસ્ટ કરાવી એના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જાે એની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવશે તો શહેરના અનેક મોટા બૂટલેગરોને સપ્લાય કરેલા વિદેશી દારૂના જથ્થા અંગેની ચોંકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે.
નીતિનને દારૂ સપ્લાય કરનાર સેલવાસનો આકર્ષ ઝડપાયો
દમણ લાઈન બંધ થતાં શહેરના બૂટલેગરો સેલવાસના આકર્ષ રાજાવત પાસેથી દારૂનો જથ્થો મેળવી લાવતા હતા. બૂટલેગરો પાસેથી પહેલા રૂપિયા લઈ લીધા બાદ પણ બૂટલેગરોને લાંબા સમય સુધી રોડ ઉપર ઊભો રાખતો આકર્ષની ભમી રહી હતી એટલે વાડી પોલીસે નીતિન દેવરે પાસે વોટ્સએપ કોલથી વાત કરાવતાં જ રાજાવત તરત જ પોલીસના કહેવાથી નીતિન દેવરેએ જણાવેલી જગ્યાએ આવતાં જ ઝડપાઈ ગયો હતો. પોલીસ આકર્ષની કડક પૂછપરછ કરે તો વડોદરાના અનેક બૂટલેગરોને સપ્લાય કરેલા દારૂના જથ્થાની વિગતો બહાર આવી શકે એમ છે. મોનિટરિંગ સેલના દરોડાને કારણે પીસીબીએ કાર્યવાહી કરવી પડી
સામાન્ય રીતે પોલીસ પોલીસના ઘરે જ દરોડો પાડતી નથી, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેરમાં પાણીગેટ અને ગોરવામાં દરોડો પાડતાં રઘવાઈ બનેલી શહેર પીસીબીએ દરોડો પાડી ઝડપાયેલા દારૂના જથ્થાની ઉતાવળે જાહેરાત કરી દીધી હતી. બાદમાં પાણીગેટ પીઆઈનો જમાઈ હોવાની વિગતો બહાર આવતાં પોલીસ વિમાસણમાં મુકાઈ હતી. પરંતુ આ દરોડાની વિગતો જાહેર થઈ ચૂકી હોવાથી નાછૂટકે પીસીબીએ કાર્યવાહી કરવી પડી હોવાની વાતોએ પોલીસબેડામાં ચકચાર જગાવી છે.