વડોદરા, તા.૨૪
વારંવાર વિવાદોમાં સપડાતા જવાહરનગર પોલીસ મથકના પીએસઆઈ અને ડીસ્ટાફના જવાનોના હપ્તાખોરીના ભ્રષ્ટ્રાચારના કારણે ધમધમતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસના કાર્યકરોએ આજે સાંજે જનતા રેડ પાડીને હલ્લાબોલ કરતા ચકચાર મચી છે. જનતા રેડમાં નામચીન મહિલા બુટલેગરના ઘરમાંથી દેશી દારૂનો જંગી જથ્થો મળી આવતા પોલીસની નશામુક્ત વડોદરાની પોલ ફરી ઉઘાડી પડી છે.
જવાહરનગર પોલીસ મથકની હદમાં આવતા ગોરવાથી ઉંડેરા તરફ જતા માર્ગ પર કેનાલ નજીક આવેલી સોફિયા સ્કુલની પાસેના મેઈનરોડ પર સોનાબેન નામની મહિલાના દેશી દારૂના અડ્ડા પર સાંજ પડતા જ મેળો ભરાતો હતો. તેના આ દેશી દારૂના અડ્ડા પર ગોરવા હાઉસીંગ, કરોડિયા, ઉંડેરા અને ગોરવા ગામના અનેક યુવાનો દારૂ પીવા જતા હોઈ અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા છે અને દારૂની લતથી કેટલાય લોકો મોત પણ પામ્યા છે. શહેરના કોંગી કાર્યકરોએ તાજેતરમાં શહેર પોલીસ કમિ.ને શહેરમાં આવા દારૂ-ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવવા માટે વિનંતી કરી હતી અને જાે પોલીસ કામગીરી નહી કરે તો કોંગી કાર્યકરો જનતા રેડ પાડી આવા અડ્ડાઓ બંધ કરાવશે તેવી ચિમકી પણ આપી હતી.
જાેકે આ ચિમકી બાદ પણ જવાહરનગર પોલીસ મથકના વિવાદાસ્પદ ઈન્ચાર્જ પીઆઈ એસ એસ આનંદ તેમજ વહીવટદાર ધર્મેન્દ્રસિંહના હપ્તાખોરીના કારણે બૂટલેગર સોનાબેનનો અડ્ડો ધમધમતો રહેતા આજે સાંજે શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદિપસિંહ વાઘેલાની આગેવાનીમાં જયદીપ ગોહીલ, પવન ગુપ્તા,તૃષેન દેશમુખ,નરેશ ગોહિલ સહિતના કોંગી કાર્યકરોએ મોટી સંખ્યામાં ભેગા થઈ સોનાબેનના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. સોનાબેનના મકાનમાં તેમજ આસપાસમાં દેશી દારૂની પોટલીઓ અને દુધીઓ તેમજ તપેલામાં છુટ્ટક વેચાણ માટે ભરેલો દેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ બનાવની પોલીસ કન્ટ્રોલ રૂમ મારફત જાણ થતાં જવાહરનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે મહિલા બુટલેગર સામે કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે.
૨૦૦થી વધુ નશેબાજાેનો મેળો જામેલો
સોફિયા સ્કુલથી માંડ ૨૦૦ મીટરના અંતરે આવેલા સોનાનું જવાહરનગર પોલીસને જંગી ભરણ ચુકવાતુ હોઈ તેને ધંધો કરવા માટે તેમજ તેના અડ્ડા પર નશો કરવા આવતા ગ્રાહકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ટિકીટબારીની જેમ નશેબાજાે પાસેથી પૈસા ઉઘરાવી તેના ૫ંન્ટર દ્વારા ઘરની બારીમાંથી દારૂની પોટલી વેંચાણ થતુ હતુ. કોંગી કાર્યકરોએ જનતારેડ કરી ત્યારે સોનાના અડ્ડા પર ૨૦૦થી વધુ નશેબાજાેનો મેળો જામ્યો હતો. જાેકે જનતારેડનું નામ સાંભળતા જ નશેબાજાે પણ ચહેરો છુપાવીને તેમજ વાહનો ત્યાં જ છોડીને ભાગ્યા હતા.
જવાહરનગર પોલીસ પર ઉપરાછાપરી ભ્રષ્ટાચારના આક્ષેપો
જવાહરનગર પોલીસ મથકની હદમાં આવેલી સોસાયટીમાં રહેતી પોતાની પુત્રીના ઘરે આવેલા એક આધેડે પાડોશમાં રહેતી સાઉથ ઈન્ડિયન પરિવારની બાળકીની છેડતી કરી હતી જેથી સોસાયટીના રહીશોએ આધેડને ફટકાર્યો હતો. જાેકે પોલીસે આધેડને સારવાર માટે મોકલ્યો હતો પરંતું સેટીંગ થઈ જતા તેની સામે કોઈ જ કાર્યવાહી નહી કરતા ચકચાર જાગી હતી. આ ઉપરાંત જવાહરનગર પોલીસે શિવરાત્રીના દિવસે એટીએમ ચોરીના ગુનામાં એક શંકાસ્પદ યુવકને પોલીસ મથકે લાવી હતી. જાેકે આ યુવક સચિવકક્ષાના અધિકારીનો સંબંધી હોઈ ગાંધીનગરથી સચિવકક્ષાના અધિકારીએ યુવક સામે કોઈ ખોટી કાર્યવાહી નહી કરવા માટે ફોન કરવા છતાં પીએસઆઈ આર.પી.ડોડિયા અને કોન્સ્ટેબલ ભરત રબારીએ યુવક પાસેથી એક લાખ ખંખેરી લઈ તેને રવાના કર્યો હોવાની વાતે ભારે જાેર પકડ્યું હતુ. એટલું જ નહી એક એવી વાત પણ વહેતી થયેલી કે રિલાયન્સ કંપનીમાંથી કરોડો રૂપિયાની પાઈપોની ચોરી થઈ હતી જે પાઈપ શહેર અને મુંબઈના ૧૬ ભંગારિયાઓએ કમિશન લઈ વારાફરતી વેંચાણ કરી હતી. આ તમામ ૧૬ ભંગારીયાઓને જવાહરનગર પોલીસે શોધી કાઢ્યા હતા અને તેઓની પાસેથી ૨૬ લાખ રૂપિયા ખંખેરી લઈ તેેઓની સામે કોઈ જ કાર્યવાહી નથી કરી અને માત્ર કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ચોરીની પાઈપ સાથે ઝડપી પાડ્યાની જાણ કરી હતી. આ બનાવમાં હજુ પણ ચોરીનો કેટલો મુદ્દામાલ જપ્ત કરવાનો બાકી છે તે અંગે પણ રહસ્ય છે.