જન્માષ્ટમીઃ મનમાં ભક્તિભાવના જન્મનું પણ પર્વ

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જગદગુરુ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ફક્ત ભારત દેશ કે ફક્ત હિંદુઓ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા વિવિધ ધર્મ અને સંપ્રદાયના કૃષ્ણ પ્રેમીઓ આ પર્વને ધામધૂમથી ઉજવે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું આ ભવ્ય તહેવાર વિશેની રોચક વાતો અને કૃષ્ણ જન્મની કથા સાથે જાેડાયેલા ચમત્કારો અને સંદેશ!

આમ તો તહેવારની શૃંખલા ત્રણ દિવસની છે. જે રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને ગોકુળ આઠમ એમ ત્રણ દિવસ સળંગ ઉજવાય છે. રાંધણ છઠ્ઠના દિવસે સૌના ઘરે બીજા દિવસ માટે મનગમતા ભોજન, મિષ્ટાન અને પકવાન બને છે. સાંજે ચૂલો ઠંડો કરી ચૂલાની અને છઠ્ઠ માતાની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે છઠ્ઠની રાત્રે શીતળા માતા વિહાર કરવા આવે અને જેને ઘર ચૂલો ઠંડો હોય તેમને આશીર્વાદ આપે. સાતમના બધા લોકો ઠંડુ ખાઈ વ્રત કરે અને શીતળા માતાની પૂજા કરી, કથા સાંભળે છે. જાે કે નાના-મોટા સૌને પ્રતિક્ષા હોય છે મધ્ય રાત્રીની! કૃષ્ણ ભક્તોનું ઘરનું મંદિર હોય કે જાહેર મંદિર, બધા ખૂબ હોંશથી મંદિર શણગારે છે. બાલ ગોપાલને અણમોલ પારણામાં પોઢાડી, માખણની મટકી અને મીસરીનો પ્રસાદ તૈયાર રાખે છે. ઘરોમાં સગા સંબંધી, અને જાહેર મંદિરમાં દર્શનાર્થીઓના ટોળેટોળા કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા એકત્ર થાય છે. શહેરોની બજારો અને મંદિરના શિખરો રોશનીથી ઝગમગતા હોય છે. બરાબર બાર વાગ્યાના ટકોરે પારણા ઉપરથી આવરણ હટે અને ભગવાનની મૂર્તિ આગળથી પડદા ખસે; ત્યારે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી!’ ના નાદ સાથે સૌ કૃષ્ણને આવકારી આરતી ઉતારે છે. એક તરફ બાળકો અને યુવાઓ મટકી ફોડી પ્રસાદ આપે તો બીજી તરફ લોકોમાં નંદ બનીને બાલ ગોપાલને તૈયાર કરી ટોકરીમાં બેસાડીને નાચવાનો ઉત્સાહ પણ જાેવા મળે. આ રીતે રાત્રિના કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યા પછી બીજા દિવસે પરોઢે સ્નાન કરીને લોકો મંગળા આરતીના દર્શન કરે છે. જન્માષ્ટમી એ વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવી, ગાયોને ઘાસ ખવડાવવું, ગૌ પૂજા કરવી કે અન્નદાન કરવાની પણ વિશેષ મહિમા હોય છે. આ ઉપરાંત સમગ્ર પરિવાર એકટાણો, ફળાહાર કે ઉપવાસ પણ રાખે છે. ગોકુળ આઠમ એ ઉચ્ચતમ મુહૂર્ત હોતા વિવાહ કરવાનો પણ શ્રેષ્ઠ સમય માની ગોકુળિયા લગ્ન કરવાનું ચલણ પણ જાેવા મળે છે. આ તહેવારોમાં વિશેષ ઉમંગ ઉમેરતા લોકમેળાઓ પણ સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે.

જન્માષ્ટમીનું પર્વ જેટલો રોચક છે એટલી જ રોચક છે કૃષ્ણ જન્મની કથા! જેના ચમત્કારની કલ્પના કરતા આજે પણ રોમાંચનો અનુભવ થાય છે. સમયના એ દોરમાં પાછા જઈએ તો એ સમય પણ એવો હતો કે જેમાં સૌને દેવકીનું આઠમું સંતાન કે જે દિવ્ય આકાશવાણી મુજબ કંસનો કાળ થવાનો હતો; તેના જન્મની પ્રતીક્ષા હતી. એના માટે તો કંસ પણ વિહવળ હતો. એટલે જ એણે પોતાની પ્રિય બહેન દેવકી અને વસુદેવને કારાવાસમાં રાખ્યા હતાં. પ્રથમ સાત સંતાનો કંસને હાથે હણાયા બાદ સૌને આ આઠમા સંતાનની ચિંતા હતી. માટે પ્રથમ ચમત્કાર ત્યારે થયો જ્યારે માયાએ મથુરાના દરેક જીવને ઘોર નિંદ્રામાં મૂકી દીધાં. કારાવાસના સૈનિકો સુદ્ધાં સૌ કોઈ નિંદ્રાધિન થયા. ત્યારે માતા દેવકીએ સંતાનને જન્મ આપ્યો. અપાર તેજ, શ્યામ રંગ, કમળ જેવા નયન, હથેળી અને પગમાં દિવ્ય ચિહ્નો સાથે ભગવાન અવતર્યા. વિષ્ણુએ સાક્ષાત દર્શન આપી વસુદેવને આદેશ આપ્યો. આદેશ મુજબ વસુદેવ એ બાળ કૃષ્ણને ટોકરીમાં પોઢાડી માથે લઈ પ્રસ્થાન કર્યું. બીજાે ચમત્કાર ત્યારે થયો જ્યારે કારાવાસ, મહેલ અને રાજ્યના દરેક દરવાજા આપોઆપ ખુલી ગયાં.

વસુદેવ ભગવાનને લઈને રાજ્યની બહાર આવ્યાં. તેમને ખળખળ વહેતી યમુના પાર કરીને સામે છેડે જવાનું હતું. જેમ જેમ વસુદેવ આગળ વધ્યા તેમ તેમ યમુનાના નીર પણ કૃષ્ણના ચરણ પખાળવા ઉપર આવતા ગયાં. વળી ભગવાનને વધાવવા મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે ત્રીજા ચમત્કારમાં નાગરાજે સ્વયં પોતાની ફેણનો છત્ર બનાવી ભગવાનની રક્ષા કરી. તો બીજી તરફ માતા યમુનાની મનોકામના પૂર્ણ કરવા બાળ કૃષ્ણ ટોકરીમાંથી પગ બહાર કાઢી જેવો જળને સ્પશ્ર્યા કે કૃતજ્ઞ થઈને યમુનામાતાએ ભગવાન માટે રસ્તો આપ્યો. આમ ચોથા ચમત્કારમાં પાણીની બે મોટી દીવાલ બની જે વચ્ચે માર્ગ મેળવી વસુદેવ ભગવાન સહિત સકુશળ સામે કિનારે પહોંચ્યાં.

અહીં ગોકુળમાં પણ બધા યોગનિંદ્રામાં લીન હતાં. આદેશ અનુસાર વસુદેવ નંદને ઘરે પહોંચ્યા અને ત્યાં માતા યશોદા પાસે કૃષ્ણને સુવડાવી, યશોદા માતાની નવજાત પુત્રીને લઈને પાછા આવ્યાં. જે ક્ષણે તેમણે કારાવાસમાં પગ મૂક્યો એ જ ક્ષણે બધી માયા સંકેલાઈ અને લોકો જાગૃત થયાં.

જાે કે આ વાર્તા આપણે જીવન માટે પણ સુંદર સંદેશ આપે છે. જ્યારે ભગવાનની ભક્તિ આપણા મનમાં જન્મ પામે ત્યારે મથુરાવાસીઓની જેમ આપણા દોષ અને વિકારો પણ સુષુપ્ત થાય છે. યમુનાના વહેણ જેવો સમય પણ માર્ગ આપે છે અને મુશળધાર વરસાદ જેવા કર્મફળો સામે પણ રક્ષણ મળે છે. આમ જન્માષ્ટમી ફક્ત ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ નહીં પણ મનમાં ભક્તિના જન્મનું પણ પર્વ બને છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution