જામનગર-
જામનગર સમાણા હાઇવે પર રણજીત સાગર ડેમ નજીક અવાવરું જગ્યાએ યુવક-યુવતીના શંકાસ્પદ હાલતમાં ઝાડમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના ઘટી હતી. આ ઘટનાને લઇને વટેમાર્ગુઓના ટોળા અહીં એકત્રિત થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી તપાસ હાથ ધરી હતી. મૃતદેહ નજીકથી પોલીસને એક બાઇક પણ મળી આવ્યું છે.
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા બંને મૃતક યુવક અને યુવતી જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા કારખાનામાં સાથે કામ કરતા હતા તેવું સામે આવ્યું હતું. જામનગર ગ્રામ્યના ડીવાયએસપી કૃણાલ દેસાઈના જણાવ્યા અનુસાર બંને દરેડ જીઆઇડીસી વિસ્તારના એક જ કારખાનામાં સાથે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી જામનગરની ભાગોળે આવેલા દરેડ ગામે રહેતી હોવાનું સામે આવ્યું છે. અને તેનું નામ ક્રિષ્ના હોવાનું જાણવા મળ્યું છે.
૧૭ વર્ષીય ક્રિષ્ના નામની યુવતી સાથે ૨૨ વર્ષીય સંજય પઢીયાર નામના યુવકનો પણ મૃતદેહ મળી આવ્યો છે. સંજય પઢીયાર સમાણા રોડ પર આવેલા પીપરટોડા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. ત્યારે પ્રાથમિક તબક્કે સંજય અને ક્રિષ્ના વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. જેથી પ્રેમસંબંધને કારણે આ પગલું ભર્યુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે યુવક અને યુવતીના મૃતદેહોને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.