જમ્મુ કશ્મિર-
પાકિસ્તાન તેની હરકતોને હજુ પણ રોકતુ જોવા મળી રહ્યુ નથી. જમ્મુ -કાશ્મીરનાં અરનિયા સેક્ટરમાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન દેખાયુ છે. મળતી માહિતી મુજબ, આ ડ્રોને સોમવારે સવારે 5.30 વાગ્યે ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રોન જોતા જ BSF નાં જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. ડ્રોનને નિશાન બનાવીને લગભગ 25 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા પણ શંકાસ્પદ ડ્રોનનાં ઘણા કેસ નોંધાયા છે. થોડા દિવસો પહેલા અરનિયા સેક્ટરમાં જ એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઘૂસણખોરીનાં નિષ્ફળ પ્રયાસો બાદ પાકિસ્તાન ડ્રોન દ્વારા આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન રોજ પંજાબ અને જમ્મુ -કાશ્મીરમાં ડ્રોન મોકલી રહ્યું છે. ગુપ્તચર સૂત્રોને માહિતી મળી છે કે પાકિસ્તાને કાશ્મીરમાં ભારતીય સરહદની નજીક શક્કરગઢ વિસ્તારમાં આતંક ફેલાવવા માટે ડ્રોનનો કંટ્રોલ રૂમ પણ તૈયાર કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે અહીંથી ડ્રોન દ્વારા આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. છેલ્લા બે મહિનામાં, ડઝનથી વધુ શંકાસ્પદ ડ્રોન જોવાની ઘટનાઓ બની છે. ગુપ્તચર એજન્સીઓ સતત એલર્ટ પર છે.